You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગનો પ્રસ્તાવ નીચલા સદનમાં પારિત
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ અમેરિકન સંસદના નીચલા સદન હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પસાર થઈ ગયો છે. હવે ઉપલા ગૃહ સૅનેટમાં આ આરોપો પર ટ્રાયલ થશે.
ટ્રમ્પ પર ગયા અઠવાડિયે (છ જાન્યુઆરી) તેમના સમર્થકોને કૅપિટલ હિલ એટલે કે અમેરિકન સંસદ પરિસર પર હુમલો કરવા બદલ પ્રેરવાનો આરોપ હતો, જેને સદનમાં 197ની સામે 232 મતોથી પસાર કરવામાં આવ્યો છે.
દસ રિપબ્લિકન સાંસદોએ પણ મહાભિયોગના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.
પ્રસ્તાવમાં ઉલ્લેખ છે કે ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે રાષ્ટ્રપતિના પદની જવાબદારી સંભાળી લેવી જોઈએ.
સદનમાં બહુમતી ધરાવતા ડેમોક્રેટ્સ પેન્સને આગ્રહ કરી રહ્યા છે કે તેઓ તાત્કાલિક સંવિધાનના 25માં સંશોધનનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ પદમાં અયોગ્ય જાહેર કરે.
25મા સંશોધન અંતર્ગત જ્યારે રાષ્ટ્રપતિ તેમની જવાબદારીઓને પ્રત્યે અસમર્થ લાગે ત્યારે ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ બનવાનો અધિકાર મળે છે. ઉદાહરણ તરીકે જો રાષ્ટ્રપતિ શારીરિક કે માનસિક બીમારીને કારણે અયોગ્ય બને તો.
હાલમાં સદનમાં 25માં સંશોધનના ચોથા સેક્શન પર ચર્ચા થઈ રહી છે જે ઉપરાષ્ટ્રપતિને અધિકાર આપે છે કે તેઓ કૅબિનેટની બહુમતી સાથે મળીને રાષ્ટ્રપતિને તેમની જવાબદારીઓના નિર્વહન માટે અયોગ્ય જાહેર કરે.
ઉપરાષ્ટ્રપતિએ સંસદના અધ્યક્ષ અને ઉપલા સદનના પીઠાસીન અધિકારી એક પત્ર લખીને જણાવવું પડશે કે રાષ્ટ્રપતિ શાસન કરવા માટે યોગ્ય નથી અથવા તો તેમની જવાબદારીઓ પ્રત્યે અયોગ્ય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવું કર્યા બાદ ઉપરાષ્ટ્રપતિ તાત્કાલિક રાષ્ટ્રપતિ બની જશે.
આ દરમિયાન રાષ્ટ્રપતિને લેખિતમાં જવાબ દેવાની તક આપવામાં આવે છે. જો તેઓ આ નિર્ણયને પડકારે તો ત્યારબાદ આખરી નિર્ણય સંસદે લેવાનો હોય છે.
રાષ્ટ્રપતિને હઠાવવા માટે સેનેટ અને નીચલા સદનમાં કોઈ પણ પ્રસ્તાવ પાસ કરાવવા માટે બે તૃતિયાંશ બહુમતીની જરૂર પડે છે. પરંતુ જ્યાં સુધી આ મુદ્દે કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિની જગ્યાએ કામ કરતા રહેશે.
ટ્રમ્પ વિરુદ્ધ તેમની પાર્ટીના જ નેતા
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા પરથી હઠાવવા માટે તેમની જ પાર્ટી રિપબ્લિકનના સભ્યો મહાભિયોગની પ્રક્રિયામાં મતદાન કરશે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડિક ચેનીનાં પુત્રી લિઝ ચેનીએ મહાભિયોગનું સમર્થન કર્યું છે.
હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવનાં ત્રીજા સૌથી મોટાં નેતા લિઝ ચેનીએ કહ્યું છે કે ગત અઠવાડિયે યુએસ કૅપિટલમાં થયેલી હિંસાને જોઈને તેઓ ટ્રમ્પ વિરુદ્ધ મત આપશે.
ઉલ્લેખનીય છે કે રિચર્ડ નિક્સનના સમય બાદ આ પહેલી વખત બની રહ્યું છે કે રાષ્ટ્રપતિની પાર્ટીના કોઈ નેતા તેમની વિરુદ્ધ મતદાન કરી રહ્યા હોય.
લિઝ ચેનીનું કહેવું છે, "અગાઉ અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિએ ઑફિસ અને સંવિધાન સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો હોય."
શું થઈ શકે?
ગૃહમાં ડૅમોક્રેટ્સની બહુમતી છે અને એટલે ઠરાવ પસાર થવાની સંભાવના છે. આ પછી મામલો સૅનેટમાં જશે જ્યાં અપરાધ નક્કી કરવા માટે ટ્રાયલ થશે.
ટ્રમ્પને અપરાધી જાહેર કરવા માટે બે-તૃતિયાંશ બહુમતીની જરૂર પડશે. એનો અર્થ એ છે કે ઓછામાં ઓછા 17 રિપબ્લિકન મત ટ્રમ્પની સજાની તરફેણમાં પડવા જોઈએ.
ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ અત્યાર સુધી 20 સૅનેટરોએ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ ટ્રમ્પને દોષી ઠેરવવા માટે તૈયારી બતાવી છે.
ટ્રાયલ માટે કોઈ સમયસીમા નથી પરંતુ તે 20 જાન્યુઆરીએ બાઇડનની શપથવિધિ અગાઉ થઈ જશે એવું હાલ લાગતું નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ ન બને એ મામલે પણ સૅનેટ ખટલો ચલાવી શકે છે. ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે તેઓ 2024માં રાષ્ટ્રપતિપદ માટે પ્રચાર કરશે.
ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હાલમાં અભિવ્યક્તિની આઝાદી પર જે હુમલા થઈ રહ્યા છે તેવા પહેલાં ક્યારેય નથી થયા.
ટેક્સાસ ખાતે અમેરિકા અને મેક્સિકો વચ્ચે બનેલી દીવાલ જોવા ગયેલા ટ્રમ્પે કહ્યું, "બોલવાની આઝાદી પર હુમલા થઈ રહ્યા છે જેવા પહેલાં ક્યારેય નથી થયા. 25મા સંશોધનથી મને કોઈ ખતરો નથી પરંતુ તેનાથી બાઇડન અને તેના પ્રશાસનને નુકસાન થશે."
ટ્રમ્પે આગળ ઉમેર્યું, "મેક અમેરિકા ગ્રેટ અગેઇન અભિયાનનો પાયો જ કાયદાના સન્માન પર ટકેલી છે."
25મું સંશોધન શું છે?
25મા સંશોધનની મદદથી રાષ્ટ્રપતિને હઠાવવા માટે મંત્રીમંડળે બહુમતીથી અને ઉપરાષ્ટ્રતિની સાથે મળીને આ ઉદ્દેશના પત્ર પર સહી કરવાની હોય છે કે વર્તમાન રાષ્ટ્રપતિ પોતાના કર્તવ્યોનું પાલન કરવા માટે અસમર્થ છે.
અધિકૃત શબ્દોમાં કહીએ તો કૅબિનેટ અને ઉપરાષ્ટ્રપતિએ ઘોષણા કરવાની રહે છે કે રાષ્ટ્રપતિ પોતાના પદની બંધારણીય શક્તિનો ઉપયોગ કરીને અને પોતાના બંધારણીય કર્તવ્યોનું પાલન કરવામાં અસર્મથ છે.
25મા સંશોધનની કલમ -4 એ સ્થિતિઓ વિશે છે જ્યારે કોઈ રાષ્ટ્રપતિ પોતાનો કાર્યભાર ચલાવવામાં અસર્મથ બની જાય, પરંતુ પદ છોડવા માટે સ્વેચ્છાએ પગલાં ના ભરે.
રાષ્ટ્રપતિને હઠાવવાની પૂરી પ્રક્રિયા શું છે?
કૅબિનેટની બહુમતી અને ઉપરાષ્ટ્રપતિની મંજૂરી સાથેના પત્ર પર હસ્તાક્ષર થયા બાદ ઉપરાષ્ટ્રપતિ જ કાર્યકારી રાષ્ટ્રપતિ બની જાય છે.
આ તમામ વચ્ચે રાષ્ટ્રપતિને પણ એક તક આપવામાં આવે છે કે તે પોતાનો લેખિતમાં બચાવ કરી શકે.
જોકે, રાષ્ટ્રપતિ પોતાના બચાવમાં આ નિર્ણયને પડકારે તો પણ તેના અંગે જોડાયેલો અંતિમ ફેંસલો કૅબિનેટ જ કરે છે.
સત્તા હસ્તાંતરણ પહેલાં આગળ વધતા પહેલાં સૅનેટ અને પ્રતિનિધિ સભામાં બે તૃતીયાંશ બહુમત વોટિંગની ફૉર્મ્યૂલા અપનાવવામાં આવે છે. પરંતુ આ તમામ વચ્ચે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પોતાની કામગીરી ચાલુ રાખે છે.
રાષ્ટ્રપતિના મહાભિયોગ માટે હાઉસમાં બહુમતી જોઈએ. ઉલ્લેખનીય છે કે હાઉસમાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી છે.
એવું પણ બની શકે કે ટ્રમ્પની રિપલ્બિકન પાર્ટીના અમુક સભ્યો પ્રક્રિયા તરફી મત આપે.
અગાઉ જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા થઈ હતી તેમાં મહિનાઓનો સમય લાગ્યો હતો.
પરંતુ આ વખતે આગામી અઠવાડિયે જ પ્રક્રિયા થશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો