You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાઉદી અરેબિયાએ લુજૈન અલ હથલૌલને પાંચ વર્ષની કેદ કરી, કોણ છે આ મહિલા?
સાઉદી અરેબિયાનાં જાણીતાં મહિલા કાર્યકર્તા લુજૈન અલ હથલૌલને પાંચ વર્ષ અને આઠ માસની જેલની સજા કરવામાં આવી છે.
લુજૈન અલ હથલૌલ એ કેટલીક મહિલાઓ પૈકી એક છે જેમણે મહિલાઓને ગાડી ચલાવવાં દેવાનો અધિકાર આપવા માગ કરી હતી.
મહિલા અધિકારો માટે અવાજ ઉઠાવનારાં હથલૌલ અઢી વર્ષથી આકરી સુરક્ષા સાથે જેલમાં બંધ છે.
2018માં હથલૌલ અને એમનાં અનેક સાથીઓ સાઉદી અરેબિયા સાથે દુશ્મની રાખનારા સંગઠનો સાથે સંબંધ હોવાના આરોપસર પકડી લેવામાં આવ્યાં હતાં.
આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર સંગઠનોએ વારંવાર એમને મુક્ત કરવાની માગણી કરી હતી.
જોકે, સોમવારે આતંકવાદના કેસોની સુનાવણી કરવા માટે બનાવવામાં આવેલી ખાસ અદાલતે હથલૌલને રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન કરનારાં અને વિદેશી શક્તિઓના ઍજન્ડા આગળ ધપાવનારાં કહી દોષી જાહેર કર્યાં.
કોર્ટે એમને પાંચ વર્ષ અને આઠ મહિનાની સજા કરી છે. જોકે, તેઓ ગત અઢી વર્ષથી જેલમાં છે એટલે સજાની એ અવધિને કુલ સજામાંથી કપાત કરવામાં આવી શકે છે.
હથલૌલ અને એમનો પરિવાર તમામ આરોપોનો ઇન્કાર કરે છે. એમણે જેલમાં હથલૌલને યાતનાઓ આપવામાં આવી હોવાનો પણ આરોપ મૂકયો જોકે અદાલતે તે ફગાવી દીધો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હથલૌલની 2018માં મહિલાઓને ગાડી ચલાવવાનો અધિકાર આપવામાં આવ્યો તેના થોડા સમય પહેલાં જ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, કહેવામાં આવ્યું હતું કે ધરપકડને ગાડી ચલાવવાનાં અધિકાર સાથે કોઈ સંબંધ નથી.
હથલૌલના પરિવારનું કહેવું છે કે તેમની ધરપકડ કરાયા બાદ ત્રણ માસ સુધી તેમને કોઈની સાથે વાતચીતની પરવાનગી નહોતી આપવામાં આવી. તેમને વીજળીના ઝાટકા આપવામાં આવ્યા, ચાબૂકથી મારવામાં આવ્યા અને તેમનું યૌન શોષણ પણ કરવામાં આવ્યું.
પરિવારોનો એવો પણ આરોપ છે કે તેમના પર દબાણ કરવામાં આવ્યું કે જો તેઓ કહેશે કે તેમની સાથે કોઈ સતામણી નથી થઈ તો તેમને મુક્ત કરી દેવાશે.
માનવાધિકાર વિશેષજ્ઞોનું કહેવું છે કે તેમની ટ્રાયલ આંતરરાષ્ટીય માપદંડોને અનુરૂપ નથી થઈ.
નવેમ્બરમાં ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલે સ્પેશિયલાઇઝ્ડ ક્રિમિનલ કોર્ટમાં તેમના કેસને રેફર કરવા બાબતે સાઉદીની નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ સાઉદી અધિકારીઓની ક્રૂરતા અને પાખંડને દર્શાવે છે.
આ મામલાને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનાર મામલા સ્વરૂપે પણ જોવામાં આવી રહ્યો છે. જોકે બાદમાં તેમણે નવા સુધારાઓ હેઠળ મોટો ફેરફાર કરીને વર્ષ 2018માં મહિલાઓને વાહન ચલાવવાની પરવાનગી આપી દીધી હતી.
પરંતુ કાર્યકર્તાઓ પર સતત થઈ રહેલા હુમલા અને તે સિવાય પત્રકાર જમાલ ખાશોજ્જીની હત્યામાં સાઉદી અધિકારીઓની સંદિગ્ધ ભૂમિકાને લઈને તેમની ટીકા પણ થતી રહી છે.
કોણ છે લુજૈન અલ હથલૌલ?
સાઉદી અરેબિયન સામાજિક કાર્યકર્તા લુજૈન અલ હથલૌલની એક ડિસેમ્બર 2014માં કાર ચલાવવાનાં આરોપમાં સાઉદી અરેબિયાની પોલીસે ધરપકડ કરી હતી.
સમાચાર એજન્સી AFP પ્રમાણે, લુજૈનની કાર ચલાવીને દેશની સીમામાં દાખલ થતી વખતે ધરપકડ કરાઈ હતી.
આ ઘટનાના વિરોધમાં પત્રકાર માયસા અલ અમૌદી પણ હથલૌલનાં સમર્થનમાં વાહન ચલાવીને સીમા પર જઈ પહોંચ્યાં અને પોલીસે તેમની પણ ધરપકડ કરી હતી. બંનેને જેલમાં પૂરી દેવામાં આવ્યાં.
એ દરમિયાન કોર્ટે એવો આદેશ આપ્યો કે આ મહિલાઓ પર રિયાધની એ અદાલતમાં કેસ ચલાવવામાં આવે જ્યાં આતંકવાદી મામલાના કેસ ચાલે છે.
ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા, એમ્નેસ્ટી ઇન્ટરનૅશન સહિત સમગ્ર વિશ્વનાં માનવાધિકાર સંગઠનોએ સાઉદી અરેબિયાની ટીકા કરી હતી.
અંતે 73 દિવસની કેદ બાદ લુજૈનને મુક્ત કરી દેવાયાં, પરંતુ ત્યાં સુધી મહિલાઓના અધિકારનો મામલો એક અભિયાન બની ચૂક્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો