કોરોના વૅક્સિન : અમેરિકામાં ફાઇઝર બાદ મૉડર્નાને પણ મંજૂરી મળી

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અમેરિકન સરકાર દ્વારા કોરોનાની બીજી વૅક્સિન તરીકે મૉડર્નાને મંજૂરી આપી દેવાઈ છે. આ સાથે જ આ રસીના લાખો ડોઝ તૈયાર કરવા માટેનો રસ્તો ખૂલી ગયો છે.

નોંધનીય છે કે ફાઇઝર-બાયૉટેક રસીને માન્યતા અપાયાના એક અઠવાડિયા બાદ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)એ મૉડર્નાને પણ મંજૂરી આપી દીધી છે.

અમેરિકા મૉડર્નાના 20 કરોડ ડોઝ ખરીદવાનું છે જે પૈકી 60 લાખ ડોઝ શિપિંગ માટે તૈયાર હશે.

અમેરિકામાં કોરોનાના સૌથી વધુ કેસો અને તેના કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે અમેરિકામાં કોવિડ-19ના 1,72,69,542 કેસો અને તેના કારણે 3,11,529 લોકોનાં મૃત્યુ નોંધાયાં છે.

ટૅનેસીમાં મૅહરી મેડિકલ કૉલેજના CEO ડૉ. જૅમ્સ હિલ્ડ્રેથે આ અંગે કહ્યું કે, "જાન્યુઆરીથી મહામારીની શરૂઆતથી માંડીને ડિસેમ્બરમાં બે રસીઓ વિકસાવી લેવી એ એક અસાધારણ ઉપલબ્ધિ છે."

એફડીએની સલાહકાર પૅનલે ગુરુવારે મૉડર્ના રસીના પક્ષમાં મતદાન કર્યું હતું. જેમાં નોંધવામાં આવ્યું હતું કે આ રસી 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને જોખમ સામે મૉડર્ના રસીના ફાયદાઓ અધિક હતા. જે બાદ શુક્રવારે રસીને મંજૂરી આપી દેવાઈ.

આ અઠવાડિયાની શરૂઆતમાં રૅગ્યુલેટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૉડર્નાની રસી સુરક્ષિત અને 94 ટકા અસરકારક છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આધિકારિક જાહેરાત પહેલાં જ ટ્વીટર મારફતે મૉડર્ના રસીની મંજૂરી અંગેની માહિતી આપી હતી.

ફાઇઝર કરતાં મૉડર્નાની રસી કઈ રીતે અલગ?

મૉડર્નાની રસીની હેરફેર માટે એક સામાન્ય ફ્રિઝરના માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસના તાપમાનની જરૂરિયાત હોય છે.

જ્યારે અમેરિકાની ફાઇઝર અને જર્મનીની બાયૉટેક SE દ્વારા તૈયાર કરાયેલ રસીની હેરફેર માટે માઇનસ 75 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જાળવવાની જરૂર પડે છે જેથી આ રસીની હેરફેરનું કાર્ય કપરું બની જાય છે.

ફાઇઝરની જેમ જ મૉડર્નાની રસીમાં બીજા બૂસ્ટર શોટની આવશ્યકતા હોય છે. મૉડર્નાનું બીજું ઇન્જેક્શન 28 દિવસ પછી મુકાવવાનું હોય છે. જ્યારે ફાઇઝરનું બીજું ઇન્જેક્શન 21 દિવસ પછી મુકાવવાનું હોય છે.

મૉડર્નાનો બૅઝ કૅમ્બ્રિજ, મૅસાચ્યુસેટ્સ છે મોટા ભાગના ડોઝનું ઉત્પાદન ત્યાં જ થશે.

ફાઇઝર રસી જર્મની અને બેલ્જિયમ સહિત અનેક દેશોમાં ઉત્પાદિત થઈ રહી છે.

અન્ય દેશોએ પણ મૉડર્નાની રસી ઑર્ડર કરી છે.

કુલ 5 કરોડ 60 લાખ ડોઝના ઑર્ડરમાંથી કૅનેડાને વીસ લાખ ડોઝ માર્ચ માસ સુધીમાં મળી જવાની સંભાવના છે.

UKએ અગાઉથી જ 70 લાખ ડોઝનો ઑર્ડર આપી દીધો છે.

ગયા મહિને યુરોપિયન સંઘે આઠ કરોડ ડોઝ ખરીદવા માટેનો કૉન્ટ્રેક્ટ જાહેર કર્યો હતો. આ કૉન્ટ્રેક્ટ પ્રમાણે જો રસી અસરકાર અને સુરક્ષિત સાબિત થાય તો વધુ આઠ કરોડ ડોઝ ખરીદવાનો વિકલ્પ હતો.

ડ્યૂક યુનિવર્સિટી ગ્લોબલ હેલ્થ ઇનોવેશન સેન્ટરના ડેટા પ્રમાણે જાપાને પાંચ કરોડ, દક્ષિણ કોરિયાએ બે કરોડ અને સ્વિટ્ઝર્લૅન્ડે 75 લાખ ડોઝ મેળવવા માટેનો ઑર્ડર આપ્યો છે.

અમેરિકામાં પહેલા કોને મળશે રસી?

એપ્રિલ માસ સુધીમાં અમેરિકામાં રસીકરણ કાર્યક્રમનો લાભ પાંચ કરોડ લોકોને મળી ચૂક્યો હશે.

મંગળવારે જ્યારે ફાઇઝરે રસી અપાવવાનું શરૂ થયું ત્યારે ન્યૂયૉર્કનાં નર્સ સાન્ડ્રા લિંડસે કોરોના વાઇરસની રસી મેળવનાર પ્રથમ વ્યક્તિઓ પૈકી એક બન્યાં.

ન્યૂયૉર્કના ગવર્નર ઍન્ડ્ર્યૂ ક્યૂમોની ટ્વિટર ફીડ પર નર્સ સાન્ડ્રાને રસી અપાતો વીડિયો સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ન્યૂયૉર્કમાં આ વર્ષની શરૂઆતમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા હતા.

લિંડસેએ કહ્યું કે, "મને આશા છે કે આ ક્ષણ આપણા ઇતિહાસના દુ:ખદાયક સમયના અંતની શરૂઆત હશે. હું લોકોને વિશ્વાસ અપાવવા માગું છું કે રસી સુરક્ષિત છે. આપણે એક મહામારીનો સામનો કરી રહ્યા છીએ તેથી આપણે બધાએ પોતાની ભૂમિકા ભજવવાની જરૂર છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો