કોરોના વૅક્સિન : મૉડર્નાની રસી અમેરિકામાં મંજૂરી મેળવવાની નજીક

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

નિષ્ણાતોની પૅનલે મંજુરીની મહોર મારતા અમેરિકામાં બીજી કોરોના વાઇરસ વૅક્સિન ઈમર્જન્સી પરવાનગી મેળવવાની નજીક પહોંચી ગઈ છે.

ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના વડાએ જણાવ્યું કે મૉડર્નાની વૅક્સિનને અધિકૃત કરવા માટે તેમની સંસ્થા ઝડપથી પગલાં લેશે જેથી કંપની લાખોની સંખ્યામાં વૅક્સિન સપ્લાય કરી શકશે.

અમેરિકાએ થોડા દિવસો અગાઉ જ દેશના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની શરુઆત કરી છે. અમેરિકા હાલ પોતાના નાગિરકોને ફાઇઝર - બાયોઍનટેકની રસી આપી રહ્યું છે.

કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ લોકો અમેરિકામાં મૃત્યુ પામ્યા છે. ગયા અઠવાડિયે મરનાર લોકોની સંખ્યા 3 લાખના આંકડાને વટાવી ગઈ છે.

18 કે તેથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓમાં મૉડર્ના વૅક્સિનના જોખમ કરતાં ફાયદાઓ વધારે છે, તેને ધ્યાનમાં રાખીને ગુરુવારે અમેરિકાના એડવાઈઝરી પેનલની મિટિંગમાં વૅક્સિનની તરફેણમાં 20-0 મત પડ્યા હતા. ગયા અઠવાડિયે આ કમિટીએ ફાઇઝર - બાયોઍનટેકની રસીની ઉપયોગ માટે મંજૂરી આપી હતી.

પેનલની મંજુરી મળી ગયા બાદ, એફડીએના કમિશનર સ્ટીફન હાને કહ્યું કે તેમની સંસ્થાએ મૉડર્નાને જણાવ્યું છે કે ઈમર્જન્સી ઉપયોગ માટેની પરવાનગી બહાર પાડવા માટે ઝડપથી કામ કરશે.

મૉડર્નાએ દાવો કર્યો છે કે તેમની વૅક્સિન સુરક્ષિત છે અને કોરોના વાઇરસ સામે 95 ટકા રક્ષણ આપે છે.

અમેરિકાએ મૉડર્ના વૅક્સિનના 2 બે કરોડ ડોઝ ખરીદવાની તૈયારી દાખવી છે અને 60 લાખ ડોઝ એફડીએની પરવાનગી મળતાની સાથે જ મોકલી દેવામાં આવશે.

કંપનીને આશા છે કે સમગ્ર વિશ્વના ઉપયોગ માટે આગામી વર્ષે સો કરોડ ડોઝ તૈયાર કરી શકાશે.

નિષ્ણાત પેનલના સભ્ય અને ટેનિસીસ્થિત મેહેરી મેડિકલ કૉલેજના સીઈઓ, ડૉ. જેમ્સ હિલ્ડરેથ કહે છે, જાન્યુઆરીમાં વાઇરસની આવૃત્તિથી ડિસેમ્બરમાં 2 વૅક્સિન મેળવવા સુધીની આ યાત્રા ખરેખર એતિહાસિક સફળતા છે.

ફાઇઝર બાયોનટેકની તુલનામાં ક્યાં છે?

ફાઇઝર અને મોડર્ના બંને વૅક્સિન શરીરમાં વાઇરસને ઇંજેક્ટ કરીને રોગપ્રતિકારક શક્તિ વિકસિત કરવાના સિદ્ધાંત પર કામ કરે છે.

બંને વૅક્સિનનો શરૂઆતનો ડેટા લગભગ સમાન છે. ફાઇઝર બાયોનડેકની વૅક્સિન 90 ટકા સુરક્ષા આપે છે જ્યારે મૉડર્નાની વૅક્સિન લગભગ 95 ટકા. જોકે, અંતિમ આંકડા બદલાઈ શકે છે.

પરંતુ મૉડર્નાની વૅક્સિનનું ભંડારણ કરવું સરળ લાગે છે કારણ કે તે શૂન્યથી વીસ ડિગ્રી સેલ્સિયસ નીચા તાપમાન પર રહી શકે છે. તેને સ્ટાન્ડર્ડ ફ્રિઝમાં મહિના સુધી અને ડીપ ફ્રિજરમાં છ મહિના સુધી રાખી શકાય છે.

ફાઇઝરની વૅક્સિનને શૂન્ય કરતાં 75 ડિગ્રી સેલ્સિયસ નીચે રાખવી પડે છે અને તેને ફ્રિજમાં પાંચ દિવસ સુધી રાખી શકાય છે.

કેવી રીતે કામ કરે છે?

મોડર્નાએ RNA વૅક્સિન બનાવી છે. તેનો અર્થ એ થયો કે કોરોના વાઇરસના જેનેટિક કોડનો એક ભાગ શરીરમાં ઇંજેક્ટ કરાશે.

તે શરીરમાં વૉયરલ પ્રોટીન બનાવે છે ના કે સંપૂર્ણ વાઇરસ. આવું કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિને વાઇરસ પર હુમલો કરવાનું શીખવવામાં આવે છે.

તે કોરોના વાઇરસ સામે લડવા માટે શરીરને એન્ટિબૉડી અને રોગપ્રતિકારક શક્તિનાં તત્ત્વ ટી-સેલનું નિર્માણ કરવા શીખવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો