You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન : ઓક્સિજન માટે માગવી પડી ભીખ, છ કોરોના દરદીઓ મૃત્યુ પામ્યાં
ઓક્સિજનની અછત સર્જાતા પાકિસ્તાનમાં 6 કોવિડના દરદીઓ મૃત્યુ પામ્યાં છે.
પાકિસ્તાનના પેશાવર શહેરની સરકારી હૉસ્પિટલમાં આ ઘટના બની છે જ્યાં દરદીઓના પરિવાજનોએ જણાવ્યું કે તેમને ઓક્સિજનની માટે ભીખ માંગવી પડી હતી.
ઓક્સિજનના પુરવઠામાં મોડું થતાં 200 જેટલા દરદીઓને કલાકો સુધી જરૂર કરતાં ઓછો ઓક્સિજન મળ્યો હતો.
ઓક્સિજનની ઘટ માટે હૉસ્પિટલના સ્ટાફે ઓક્સિજન સપ્લાય કરનાર કંપનીને જવાબદાર ઠેરવી છે. ઘટના બાદ હૉસ્પિટલમાં કામ કરતા અમુક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
પાકિસ્તાન કોરોના વાઇરસની નવી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 4 લાખ કેસ સામે આવ્યા છે અને 8000 લોકોએ જીવ ગુમાવ્યો છે.
સ્થાનિક મીડિયા અનુસાર શનિવારે ઓક્સિજનના નવા સિલિન્ડરો ન આવતા પેશાવરની ખૈબર ટીચિંગ હૉસ્પિટલમાં પરિસ્થિતિ બગડી. બૅકઅપ તરીકે જે 300 સિલિન્ડરો રાખવામાં આવ્યાં છે, તેનાથી ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો, પરતું વૅન્ટિલેટર માટે પૂરતું પ્રેશર મળતું નહોતું.
મુરાદ અલીના માતા આ હૉસ્પિટલમાં કોરોના વાઇરસ માટેની સારવાર લઈ રહ્યાં છે.
બીબીસી ઉર્દૂ સાથે વાત કરતાં મુરાદ અલી કહે છે, સમગ્ર હૉસ્પિટલમાં અમે લોકો દોડી રહ્યા હતા અને દરદીને બચાવવા માટે હૉસ્પિટલ સ્ટાફ પાસે ભીખ માગી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ જણાવે છે કે ઇમરજન્સી રૂમમાં ઓક્સિજનની સપ્લાય સારી હોવાના કારણે અમુક દરદીઓને ત્યાં ખસેડવામાં આવ્યા હતા.
ઓક્સિજન ન મળવાના કારણે ઘણાં દરદીઓના મૃત્યુ નીપજ્યાં હતાં જ્યારે કેટલા દરદીઓની પરિસ્થિતિ કથળી ગઈ હતી.
મુરાદ અલી કહે છે કે હૉસ્પિટલ સ્ટાફે દરદીઓના પરિવારના સભ્યોને જણાવ્યું તેઓ પોતાની રીતે ઓક્સિજનની વ્યવસ્થા કરે. એવા થોડાં દરદીઓ હતાં જેઓ બહારથી ઓક્સિજન મંગાવી શકયાં.
સરકારી હૉસ્પિટલના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે મૃત્યુ પામનાર પાંચ દરદીઓ કોરોના વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યારે એક દરદી ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં દાખલ હતા. મૃત્યુ પામનાર વ્યક્તિઓ પુખ્ત વયની છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો