અમેરિકાની ચૂંટણી 2020 : રાષ્ટ્રપતિ ટ્રમ્પ બનશે કે બાઇડન એ કઈ રીતે ખબર પડશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

મંગળવારે અમેરિકામાં આગામી રાષ્ટ્રપ્રમુખ ચૂંટવા માટે મતદાન શરૂ થઈ ગયું છે અને એ પૂર્ણ થયે તરત જ મતગણતરી શરૂ થશે.

જોકે, કોરોનાને કારણે આ વખત ચૂંટણી અગાઉ કરતાં ઘણી અલગ હશે. લગભગ 10 કરોડ લોકોએ પોસ્ટલ બૅલેટ દ્વારા મતદાન કર્યું છે, જે આગામી રાષ્ટ્રપ્રમુખના નામ વિશેનું સસ્પેન્સ લંબાવી દેશે.

રાષ્ટ્રપ્રમુખની પસંદગીનો આધાર ઉમદેવારની લોકપ્રિયતા કરતાં ઇલેક્ટ્રોલ કૉલેજ ઉપર હોય છે, જેથી કરીને પૉપ્યુલર ન હોય તેવા ઉમેદવાર પણ વિજેતા બની શકે છે.

જો બાઇડન વિજેતા બનશે, તો તેઓ સૌથી મોટી ઉંમરે આ પદ સુધી પહોંચનાર પ્રથમ રાષ્ટ્રપ્રમુખ હશે; અને જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બનશે તો આ તેમની છેલ્લી ટર્મ હશે.

ક્યારે મતદાન અને ક્યારે મતગણતરી?

અમેરિકામાં મંગળવારે ત્રણ નવેમ્બરના મતદાતા નક્કી કરશે કે વહાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ વધુ ચાર વર્ષ રહેશે કે હવે વ્હાઇટ હાઉસ જો બાઇડનનું નવું ઠેકાણું બનશે.

પરંતુ અમેરિકામાં જ્યારે મતદાન ચાલી રહ્યું હશે ત્યારે ભારતમાં રાત થઈ ગઈ હશે.

ભારત અને અમેરિકાના સમયમાં લગભગ 12 કલાકનું અંતર છે એટલે અમેરિકામાં જ્યારે સવારે મતદાન શરૂ થશે ત્યારે ભારતમાં મંગળવારની સાંજ થઈ જશે.

એવામાં ભારતના હિસાબથી જોવામાં આવે તો અમેરિકામાં જ્યારે મતદાન ખતમ થશે ત્યારે ભારતમાં બુધવાર થઈ ગયો હશે.

સામાન્ય રીતે અમેરિકામાં ચૂંટણીનું પરિણામ મતદાનની રાત્રે જ સ્પષ્ટ થઈ જતું હોય છે પરંતુ કોરોના મહામારીને કારણે આ વર્ષે અહીં ઘણા મતદારોએ પહેલાં જ મતદાન કરી દીધું છે જેના કારણે મતગણનામાં વધારે સમય લાગી શકે છે.

અમેરિકામાં અલગઅલગ રાજ્યોમાં મતદાનનો સમય અલગઅલગ હોય છે.

સૌથી પહેલા પૂર્વી તટના પ્રદેશોમાં મતદાન થશે. ત્યાં સાંજે સાત વાગ્યે મતદાન બંધ થશે ત્યાર સુધી ભારતમાં બુધવાર સવારે સાડા પાંચ વાગ્યા હશે.

મતદાન ખતમ થયા પછી અલગઅલગ રાજ્યોમાં મતગણતરી શરૂ થાય છે.

મતદાનની રાત્રે ક્યારેય મતગણતરી ખતમ નથી થઈ શકતી, પરંતુ એટલા વોટોની ગણતરી થઈ જતી હોય છે જેનાથી નિશ્ચિત રૂપથી જાણી શકાય કે વિજેતા કોણ છે.

જોકે, મતોની ગણતરી પૂર્ણ નથી થતી એટલે આને પ્રૉજેક્શન કહેવાય છે.

કોરોના મહામારીને કારણે પહેલાંની સરખામણીમાં બહુ વધારે લોકોએ પોસ્ટલ મતદાન અથવા જાતે જઈને મતદાન કર્યું છે.

પોસ્ટલ બૅલેટનો પેચ

પરંપરા મુજબ, નવેમ્બર મહિનાના પહેલાં મંગળવારે મતદાન શરૂ થાય છે. સામાન્ય સંજોગોમાં પણ અમેરિકામાં લાખો મતદાર પોસ્ટલ બૅલેટ દ્વારા વોટિંગ કરે છે.

વોટિંગ બૂથ ઉપર થયેલી મતગણતરીમાં જે કોઈ વિજેતા થાય, તે જ રાષ્ટ્રપ્રમુખ બને તેવું નહીં હોય, કારણ કે પોસ્ટલ બૅલેટની ગણતરી વિજેતાનો ખેલ બગાડી શકે છે.

કારણ કે, 2016ની ચૂંટણી દરમિયાન 21 ટકા મતદારોએ પોસ્ટલ બૅલેટ દ્વારા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચાલુ વર્ષે કોરોનાની સ્થિતિને કારણે પોસ્ટલ વોટિંગમાં જંગી ઉછાળ જોવા મળ્યો છે.

ચૂંટણીમથક ઉપર થયેલા મતદાનની સરખામણીમાં પોસ્ટલ બૅલેટની ગણતરી કરવામાં વધુ સમય લાગે છે. તેની ગણતરીમાં અનેક દિવસ અને અઠવાડિયાં લાગી જતાં હોય છે.

વળી પોસ્ટલ બૅલેટ અંગે અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ નિયમ છે. જેમ કે, ઍરિઝોના અને ફ્લૉરિડા જેવાં રાજ્યોએ ત્રીજી નવેમ્બર પહેલાં જ પોસ્ટલ બૅલેટ ઉપર કામગીરી શરૂ કરી દીધી છે.

બીજી બાજુ, પૅન્સિલવેનિયા જેવાં રાજ્યોમાં મતદાનની તારીખ સુધી પોસ્ટલ બૅલેટને બાજુ રાખવામાં આવે છે.

જ્યોર્જિયા જેવાં રાજ્યો ત્રીજી નવેમ્બર સુધીમાં જે પોસ્ટલ બૅલેટ મળે, તેને જ સ્વીકારે છે. જ્યારે ઑહાયો જેવાં રાજ્યો પોસ્ટલ બૅલેટ ભલે મોડાં મળે, પરંતુ તેની ઉપર ત્રીજી નવેમ્બર કે એ પહેલાંનો સિક્કો હોય તો તેને સ્વીકારતાં હોય છે.

આમ અલગ-અલગ રાજ્યના અલગ-અલગ નિયમ પોસ્ટલ મતદાનને વધુ જટિલ બનાવે છે.

અધિકારીઓએ અગાઉથી જ જાહેરાત કરી દીધી છે કે મતગણતરીમાં અનેક દિવસ કે અઠવાડિયાંનો સમય લાગી શકે છે. આનો મતલબ એ થયો કે અમેરિકાના આગામી રાષ્ટ્રપ્રમુખ વિશે જાણવા માટે અમુક દિવસનો સમય લાગી શકે છે.

આ સિવાય ચૂંટણી જો કોઈ કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ જાય તો વધુ મોડું થવાની સંભાવના રહે છે.

ઍક્ઝિટ પૉલ અને પ્રૉજેક્શન

ભારતની જેમ અમેરિકાની ચૂંટણીમાં પણ મતદાન બાદ 'ઍક્ઝિટ પૉલ' થાય છે, જેમાં વોટિંગ કરીને બહાર નીકળનાર મતદાતાને પરોક્ષરૂપે એવા સવાલ પૂછવામાં આવે છે કે જેના આધારે તેમણે કોને મત આપ્યો હશે, તેનો કયાસ કાઢી શકાય.

જોકે, ખૂબ થોડા મતદાતાઓના જ ઇન્ટરવ્યૂ થઈ શકતા હોઈ વાસ્તવિક ચૂંટણીપરિણામ અલગ હોઈ શકે છે.

આવી જ રીતે વોટિંગ કરવા માટે બૂથ સુધી પહોંચેલી વ્યક્તિનો કે અગાઉ મતદાન કરનારી વ્યક્તિનો ટેલિફોન પર ઇન્ટરવ્યૂ કરી તારણ કાઢવામાં આવતું હોય છે.

સત્તાવાર રીતે જે ડેટા મળે, તેનું વિશ્લેષણ કરવામાં આવે, તે પછી કોણ વિજેતા હશે, તેને 'પ્રોજેક્ટ' કરવામાં આવે છે.

અલબત આ પ્રોજેક્શન પણ આગાહી જ છે અને વાસ્તવિક ચૂંટણીપરિણામ આનાથી અલગ હોઈ શકે છે.

લોકપ્રિય ઉમેદવાર રાષ્ટ્રપ્રમુખ ન પણ બને

તો શું જે ઉમેદવાર લોકપ્રિય હોય, તે જ વિજેતા બને? તેનો જવાબ હા અને ના બન્નેમાં છે. જે ઉમેદવાર લોકપ્રિય મતોમાં આગળ હોય તે રાષ્ટ્રપ્રમુખ ન બને એવું પણ બને. 2016ની ચૂંટણી દરમિયાન હિલેરી ક્લિન્ટનને 30 લાખ મતની લીડ મળી હતી, પરંતુ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા.

અમેરિકામાં પ્રમુખ બનવા માટે પૉપ્યુલર વોટની નહીં, પરંતુ ઇલેક્ટ્રૉલ વોટની જરૂર હોય છે. એટલે જ ઉમેદવાર તેની ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે.

દરેક રાજ્યમાં જનસંખ્યાના આધારે ઇલેક્ટોરલ કૉલેજ નક્કી થાય છે. યૂએસમાં કુલ 538 ઇલેક્ટોરલ કૉલેજ વોટ છે, જેમાંથી 270 કે તેથી વધુ મત મેળવનારની જીત થાય છે.

બીજા શબ્દોમાં કહીએ તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને ચૂંટવા માટે વોટરે રાષ્ટ્રીય સ્તરે નહીં, પણ રાજ્ય કક્ષાએ થતાં મુકાબલામાં પોતાનો મત આપવાનો હોય છે.

ઑહાયો તથા મિસ્સૌરી રાજ્યોને રાષ્ટ્રીય હવાનું વલણ પારખતાં રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે. અહીં જે વિજેતા બને છે, તેમની પાર્ટીમાંથી જ રાષ્ટ્રપ્રમુખ બનતા હોય છે.

જો બાઇડન ચૂંટણી જીતે તો?

રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ 74 વર્ષના છે અને જો બાઇડન 78 વર્ષનના છે. બાઇડન વિજેતા બને તો તેઓ અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી ઉંમરે પ્રથમ વખત રાષ્ટ્રપ્રમુખ બનનાર વ્યક્તિ હશે.

અગાઉ તેઓ બરાક ઓબામાના વહીવટીતંત્રમાં આઠ વર્ષ માટે ઉપરાષ્ટ્રપ્રમુખપદ ઉપર રહ્યા હતા.

બાઇડન વિજેતા બનશે તો પણ તેમણે તત્કાળ પદભાર સંભાળવાનો નહીં હોય. વિજેતાને પ્રધાનમંડળ પસંદ કરવા માટે તથા યોજનાઓ ઘડવા માટે સમય મળે છે. અને આવતા વર્ષે 20મી જાન્યુઆરીએ વૉશિંગ્ટન ડીસીમાં કૅપિટલ બિલ્ડિંગ ખાતે પગથિયા ઉપર શપથવિધિ યોજાશે અને ચાર વર્ષ માટે પદભાર સંભાળશે.

જો ટ્રમ્પ વિજેતા બનશે, તો આ તેમની છેલ્લી ટર્મ હશે, કારણ કે કાયદા મુજબ કોઈ એક વ્યક્તિ વધુમાં વધુ બે ટર્મ માટે વિજેતા બની શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો