ફ્રાંસ હુમલો : કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પર ભડક્યાં કંગના રનૌત

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફ્રાંસમાં થયેલા હુમલા વિશે વાત કરતાં 'અભિવ્યક્તિની સ્વતંત્રતા'નો બચાવ કર્યો અને સાથે એવું પણ કહ્યું કે કેટલાક સમુદાયને બિનજરૂરી રીતે આહત ન કરવા જોઈએ.

જસ્ટિન ટ્રુડોના નિવેદન પર પ્રશ્ન પૂછતાં અભિનેત્રી કંગના રનૌતે કેટલાંક ટ્વીટ્સ કર્યાં છે.

કંગના રનૌતે લખ્યું, "પ્રિય જસ્ટિન, આપણે આદર્શન દુનિયામાં નથી રહેતા. લોકો દરરોજ સિગ્ન તોડે છે, ડ્રગ્સ લે છે, બીજાને પીડા આપે છે અને બીજાની ભાવનાઓને હાનિ પહોંચાડે છે."

"જો દરેક નાના અપરાધની સજા એકબીજાનાં ગળાં કાપી નાખવાં હોય તો વડા પ્રધાન અને કાયદો-વ્યવસ્થાની શી જરૂર?"

કંગનાએ જસ્ટિન ટ્રુડોને ટૅગ કરીને પ્રશ્નોના જવાબ માગ્યા છે.

ફ્રાંસમાં ફરીથી હુમલો, પાદરી ઈજાગ્રસ્ત

અધિકારીઓનું કહેવું છે કે ફ્રાંસના શહેર લિયોમાં એક ગ્રીક ઑર્થોડૉક્સ પાદરી ગોળીબારમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ગોળીબાર પછી હુમલાખોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જોકે પ્રત્યક્ષદર્શીઓના આધારે એક સંદિગ્ધની અટકાયત કરવામાં આવી છે.

હુમલો કરવા પાછળનો ઉદ્દેશ હજી સુધી સ્પષ્ટ થયો નથી. તંત્ર દ્વારા હત્યાના પ્રયાસના મામલામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટના પહેલાં તાજેતરમાં જ દક્ષિણ ફ્રાંસના શહેર નીસના એક ચર્ચમાં ચાકૂથી કરાયેલા હુમલામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં આ ઘટનાને 'ઇસ્લામી આતંકી હુમલો' ગણાવ્યો હતો અને વધારાનાં સુરક્ષાદળો પ્રાર્થનાનાં સ્થળો સાથે જાહેર જગ્યાઓએ તહેનાત કરાયાં હતાં.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લિયોમાં ગોળીબારની આ ઘટના સ્થાનિક સમય પ્રમાણે સાંજે ચાર વાગ્યે ઘટી, જ્યારે પાદરી ચર્ચ બંધ કરતા હતા.

પોલીસનું કહેવું છે કે હુમલાખોર પાસે શૉટગન હતી અને તે ફરાર થઈ ગયો હતો.

પેટમાં વાગી ગોળી

ફ્રાંસના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે સુરક્ષાદળ અને ઇમર્જન્સી ફૉર્સ ઘટનાસ્થળે છે અને લોકોને હુમલાના સ્થળથી દૂર રહેવા કહેવાયું છે.

લિયોએ સરકારી પ્રૉસિક્યૂટર નિકોલસ જૅકેએ શનિવારે રાત્રે નિવેદન જાહેર કર્યું છે.

જેમાં તેમણે કહ્યું છે કે 'શરૂઆતમાં પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદન પછી એક શખ્સની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે.'

તેમણે કહ્યું કે શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરાઈ એ વખતે તેના હાથમાં હથિયાર હતું. તપાસ કરી રહેલા અધિકારીઓએ શંકાસ્પદ વ્યક્તિનું નામઠામ જાણવા તજવીજ હાથ ધરી હતી.

લિયોના મેયર ગ્રિગોગી દુસેએ પત્રકારોને કહ્યું છે, "હજી અમને હુમલા પાછળના ઉદ્દેશ વિશે ખબર નથી."

પાદરીની ઓળખ થઈ છે, તેઓ નિકોલસ કાકાવેલાયકીસ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ હૉસ્પિટલમાં દાખલ છે અને અત્યંત ગંભીર હોવાનું મનાય છે.

તેમને પેટમાં ગોળીઓ વાગી છે અને જીવલેણ ઈજા થઈ છે.

ફ્રાંસના વડા પ્રધાન જ્યાં કાસ્ટેક્સે કહ્યું છે કે સરકાર 'દરેકને પૂર્ણ સુરક્ષા અને પૂર્ણ સ્વતંત્રતામાં પોતાની આરાધના કરવાની પરવાનગી આપવા મક્કમ છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો