You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન સરકાર આટલી બધી ચલણી નોટો કેમ છાપી રહી છે?
- લેેખક, તનવીર મલિક
- પદ, પત્રકાર, કરાચી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
તાજેતરનાં વર્ષોમાં પાકિસ્તાનમાં ચલણી નોટોની સંખ્યા વધતી જાય છે. 30 જૂન, 2020ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં પાકિસ્તાનમાં પાછલાં છ વર્ષમાં નોટોના ચલણમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.
માત્ર એક જ નાણાકીય વર્ષમાં નોટોની સંખ્યામાં 1.1 ટ્રિલિયનની વૃદ્ધિ થઈ છે.
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પર નજર રાખનારા લોકો પ્રમાણે આ વૃદ્ધિ અસામાન્ય છે અને અર્થતંત્ર પર પણ તેની નકારાત્મક અસર પડે છે.
તેમનું કહેવું છે કે જો નોટની સંખ્યા વધી જાય તો તેનો અર્થ એ થયો કે સરકારે જૂની નોટોને નવી નોટ દ્વારા બદલી નાખી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં નવી નોટો પણ છાપવામાં આવી છે.
તેમણે જણાવ્યા પ્રમાણે બજારમાં નોટની માગ અને પુરવઠાને સંતુલિત કરવા માટે નવી નોટોને સામાન્ય રીતે છાપવામાં આવે છે, જેનાથી થોડી વૃદ્ધિ થાય છે. પરંતુ અસાધારણ વૃદ્ધિનો અર્થ એ થયો કે બહુ મોટી સંખ્યામાં નોટો છાપવામાં આવી છે.
ગયા વર્ષે પાકિસ્તાનમાં ચલણી નોટના કાગળ બનાવતી 'સિક્યૉરિટી પેપર્સ લિમિટેડ'નાં નાણાકીય પરિણામોમાં પણ વૃદ્ધિ જોવા મળી છે.
પાકિસ્તાન સ્ટોક એક્સ્ચેન્જ પર લિસ્ટેડ કંપનીનાં નાણાકીય પરિણામો પ્રમાણે ગયા નાણાકીય વર્ષમાં તેના નફામાં 60%થી પણ વધુ વધારો નોંધાયો હતો.
યાદ રાખો કે પાકિસ્તાનમાં ચલણમાં રહેલી નોટોની સંખ્યા એવા સમયે વધી રહી છે જ્યારે ઇ-કૉમર્સ અને ડિજિટલ વ્યવહારનું ચલણ પણ વધ્યું છે. ખાસ કરીને કોરોનાના પ્રકોપ પછી ઑનલાઇન બૅન્કિંગ અને ડિજિટલ લેવડદેવડમાં વધારો થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાર્ષિક આધારે ચલણમાં રહેલી મુદ્રામાં વૃદ્ધિ
પાકિસ્તાનમાં સેન્ટ્રલ બૅન્કની વેબસાઇટ પર છેલ્લાં આઠ વર્ષથી ચલણમાં રહેલી મુદ્રા (કરન્સી)ના આંકડા અપાયેલા છે. તે પ્રમાણે નાણાકીય વર્ષ 2012ના અંતમાં ચલણમાં રહેલી મુદ્રાની સંખ્યા 1.73 ટ્રિલિયન હતી જે ત્યારપછીના વર્ષમાં વધીને 1.93 ટ્રિલિયન થઈ ગઈ હતી.
નાણાકીય વર્ષ 2014ના અંતમાં આ સંખ્યા વધીને 2.17 ટ્રિલિયન થઈ. ત્યારપછી આગળના વર્ષમાં તે 2.55 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ.
નાણાકીય વર્ષ 2016ના અંતમાં ચલણમાં રહેલી નોટની સંખ્યામાં વધુ વધારો થયો અને તે 3.33 ટ્રિલિયન સુધી પહોંચી.
ત્યારપછીના વર્ષમાં તે 3.91 ટ્રિલિયન થઈ. નાણાકીય વર્ષ 2018ના અંતમાં આ સંખ્યા 4.38 ટ્રિલિયન સુધી પહોંચી અને તેના પછીના વર્ષમાં વધુ ઝડપી વધારો થતા તે 4.95 ટ્રિલિયનના ઊંચા સ્તર પર બંધ થઈ હતી.
પાછલા નાણાકીય વર્ષ 2020માં તેની સંખ્યામાં અસામાન્ય વૃદ્ધિ જોવા મળી જ્યારે તે 6.14 ટ્રિલિયનના સ્તરે બંધ રહી હતી.
એકેડી સિક્યૉરિટીઝના હેડ ઑફ રિસર્ચ ફરીદ આલમ અનુસાર પાછલા નાણાકીય વર્ષમાં થયેલી વૃદ્ધિ સૌથી વધારે હતી.
તેમણે જણાવ્યું કે, ગઈ સરકારની તુલનામાં વર્તમાન સરકારમાં નોટની સંખ્યામાં બમણો વધારો થયો છે. તેમણે કહ્યું કે સરકાર વધારે નોટો છાપી રહી છે જેના કારણે આ વૃદ્ધિ જોવા મળી છે.
ચલણી નોટોની સંખ્યામાં વૃદ્ધિનાં કારણો
પાકિસ્તાનમાં જૂની નોટના બદલામાં આવેલી નવી નોટની સંખ્યામાં વૃદ્ધિ એવા સમયે થઈ છે જ્યારે સરકાર આઈએમએફ સાથે કરવામાં આવેલી સમજૂતી હેઠળ સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાન (કેન્દ્રીય બૅન્ક) પાસેથી ઉધાર નથી લઈ રહી. તે બજેટની ઘટ પૂરી કરવા માટે કૉમર્શિયલ બૅન્કો પાસેથી ઓપન માર્કેટ ઑપરેશન દ્વારા નાણાં એકત્ર કરશે.
યાદ રાખો કે અગાઉ પણ સરકારો સ્ટેટ બૅન્ક પાસેથી ઋણ લેતી હતી ત્યારે સ્ટેટ બૅન્ક નવું ચલણ છાપીને આ જરૂરિયાત પૂર્ણ કરતી હતી. પરંતુ હવે આઈએમએફની શરતના કારણે સ્ટેટ બૅન્ક પાસેથી નાણા લેવાનો રસ્તો બંધ છે.
આ અંગે વિખ્યાત અર્થશાસ્ત્રી ડૉક્ટર કેસર બંગાળીએ જણાવ્યું કે ચલણમાં રહેલી નોટમાં ભારે વૃદ્ધિ એ બાબતનો સંકેત છે કે મોટી સંખ્યામાં નવી નોટો છાપવામાં આવી છે. તેમણે જણાવ્યા પ્રમાણે દેખીતી રીતે જ આ રૂપિયા સ્ટેટ બૅન્ક પાસેથી નથી લેવામાં આવ્યા, પરંતુ પાકિસ્તાનમાં બધું પારદર્શક પણ નથી હોતું.
તેમણે જણાવ્યું કે, "બજેટ વખતે પણ અમે આ સવાલ ઉઠાવ્યો હતો કે સ્ટેટ બૅન્ક પાસેથી ઋણ લેવાનું બંધ થઈ ગયું છે ત્યારે નવી નોટોની સંખ્યામાં વધારો કેવી રીતે થયો."
તેમણે કહ્યું કે, સરકારે પણ અસ્પષ્ટ જવાબ આપીને આખો મામલો સંકેલી લીધો.
કેસર બંગાળીના કહેવા પ્રમાણે ચલણમાં રહેલી મુદ્રામાં અસામાન્ય વૃદ્ધિ એ વાતનો પુરાવો છે કે કરન્સી નોટ બહુ ઝડપથી છાપવામાં આવી રહી છે.
આરીફ હબીબ સિક્યૉરિટીઝના અર્થશાસ્ત્ર વિશ્લેષક સના તૌફિકે આ વિશે જણાવ્યું કે છેલ્લા પાંચ કે છ વર્ષથી મુદ્રામાં વધારો થઈ રહ્યો છે.
તેમણે જણાવ્યું કે તેમાં વૃદ્ધિની અસામાન્ય પ્રવૃત્તિ એવા સમયે થઈ જ્યારે સરકારે પાંચ વર્ષ અગાઉ બૅન્કોના માધ્યમથી લેવડદેવડ પર ટૅક્સ વધારી દીધો હતો તથા લોકોએ બૅન્કોમાં નાણાં રાખવાના બદલે રોકડ સાચવવાનું શરૂ કરી દીધું.
સનાએ જણાવ્યા પ્રમાણે વર્તમાન સરકારના શાસનકાળમાં આઈએમએફ સાથે થયેલી સમજૂતીમાં ટેક્સ અને આવક (રેવન્યુ) વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકારે આ દિશામાં કેટલાંક પગલાં પણ લીધાં છે.
જોકે, આ કારણથી લોકોએ બૅન્કો મારફત લેવડદેવડ કરવાના બદલે રોકડની જમાખોરી શરૂ કરી છે. તેનાથી પણ નોટોની માગ વધી છે. પરિણામે નોટો છાપવાનું પ્રમાણ વધ્યું છે. ફરીદ આલમે જણાવ્યું કે કૉમર્શિયલ બૅન્કો પાસેથી નાણાં ઉધાર લેવા એ પણ અમુક પ્રમાણમાં નોટો છાપવામાં વૃદ્ધિનું છે.
નિષ્ણાતો અનુસાર આઈએમએફએ સરકાર પર બજેટ ખાધ કવર કરવા માટે સ્ટેટ બૅન્ક પાસેથી ઋણ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ અન્ય ખર્ચ, જેમ કે કોરોના વાઇરસ રોગચાળા દરમિયાન સરકાર દ્વારા ઘોષિત રાહત પૅકેજના સંબંધમાં નવી નોટ છાપવામાં આવી હોય તેવી સંભાવના નકારી શકાય નહીં.
નોટો છાપવાથી ફુગાવામાં કઈ રીતે વધારો થાય છે
મોટી સંખ્યામાં નોટો છાપવાથી ફુગાવો એટલે કે મોંઘવારીમાં વધારો થાય છે.
વિશ્લેષક સના તૌફિકનું કહેવું છે કે વધારે નોટ છાપવાનો અર્થ એ થયો કે લોકોની પાસે વધુ રૂપિયા આવી રહ્યા છે. તેમની ખર્ચશક્તિ વધતી જાય છે. તેઓ વધારે રૂપિયા ખર્ચ કરશે તો તે ચીજવસ્તુઓના ભાવની સાથે સાથે ફુગાવાના દરમાં પણ વૃદ્ધિ કરે છે.
તેઓ જણાવે છે કે આ પ્રકારના ફુગાવાને નિયંત્રિત કરવા માટે વ્યાજદર વધારવામાં આવે છે.
ડૉક્ટર કેસર બંગાળીએ જણાવ્યું કે વર્તમાન સરકારના પ્રથમ બે વર્ષમાં પુરવઠાની સમસ્યાના કારણે ફુગાવો વધ્યો છે. જોકે, ચલણ હેઠળની મુદ્રા (નાણાં)માં વધારે વૃદ્ધિના કારણે માગની દૃષ્ટિએ ફુગાવામાં વધારાનું જોખમ છે.
નોટોની સંખ્યામાં વૃદ્ધિથી કેવી નકારાત્મક અસર પડે?
કરન્સી નોટોની સંખ્યામાં વૃદ્ધિની નકારાત્મક અસર વિશે વાત કરતા વિશ્લેષક સના તૌફિકે જણાવ્યું કે આવી વૃદ્ધિથી કાળાબજારીમાં વધારો થાય છે.
તેમણે કહ્યું, "જો મોટી સંખ્યામાં નોટો છપાઈ રહી હોય તો તેનો અર્થ એ થયો કે લોકો બૅન્કમાં નાણાં જમા કરવાના બદલે રોકડ સ્વરૂપે રૂપિયા બચાવી રહ્યા છે. તેને અનૌપચારિક અથવા બ્લૅક ઇકૉનૉમી કહેવામાં આવે છે."
તેમણે જણાવ્યું કે મોટી સંખ્યામાં કરન્સી નોટની છપાઈથી તસ્કરી અને મની લોન્ડરિંગ પણ વધે છે.
તેઓ કહે છે, "તેનો અર્થ એ થયો કે લોકો બૅન્કોના બદલે રૂપિયા પોતાની પાસે રાખે છે અને આ રૂપિયાને જ ગેરકાયદે રીતે સ્થળાંતરિત કરવામાં આવે છે."
તેમણે જણાવ્યું કે, વધારે કરન્સી નોટ રોકડ જમાખોરીનું સાધન બને છે અને નાણાં કેટલાક લોકો પૂરતા સીમિત રહી જાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો