You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
US ELECTION 2020 : કમલા હૅરિસ વિ. માઇક પેન્સ, કોણે જીતી ચર્ચા?
- લેેખક, એંથની ઝર્ચર
- પદ, ઉત્તરી અમેરિકા સંવાદદાતા, બીબીસી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિની ચર્ચાની કદાચ જ ક્યારેય કોઈ રાષ્ટ્રપતિ ચૂંટણીઓ પર મોટી અસર થઈ હોય એવું જોવા મળ્યું છે. જેમાં બુધવારે થયેલા કમલા હૅરિસ અને માઇક પેન્સની ચર્ચા પણ આવી જ રહી.
લગભગ 90 મિનિટ સુધી ચાલેલી આ ચર્ચામાં બંને ઉમેદવારોએ કેટલીક મજબૂત દલીલો કરી, જેમાં કેટલીક વખત તેઓ ડગુમગુ થતા પણ જોવા મળ્યા, પરંતુ તમે સવાલ કરશો કે શું આની અસર કે યાદ લાંબો સમય સુધી રહેશે? તો જવાબ છે કે ચર્ચામાં એવી ઘણી ઓછી પળો રહી જે યાદ રહેશે.
જો આ એક એવી મૅચ હતી, જે ડૅમૉક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટીનાં વચનોને દર્શાવે છે, તો અસલી આતિશબાજી માટે આગામી વર્ષોનો ઇંતેજાર કરવો પડી શકે છે.
ચૂંટણી વિશ્લેષકોનું માનવું છે કે જો બાઇડન અને તેમની ડૅમૉક્રેટિક પાર્ટી પાસે હાલ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સરસાઈ છે. તેમનું ચૂંટણી અભિયાન ઘણું પ્રભાવી છે. તેથી આ ચર્ચા પછી પણ તેમની એ સ્થિતિ યથાવત્ છે. એટલે કે આ ચર્ચાથી કોઈ ખાસ ફર્ક નથી પડ્યો.
ગત સપ્તાહ કરતાં બહુ અલગ ટોન
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના હરીફ જો બાઇડન વચ્ચે પાછલા સપ્તાહે જે ચર્ચા થઈ તેની શૈલી ઘણો સમય સુધી યાદ રહેશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેના હરીફને વારંવાર વચ્ચેવચ્ચે ટોક્યા અને જો બાઇડને પણ કેટલાક વખત ટ્રમ્પને ચૂપ રહેવા કહ્યું. આ બાબત એ ચર્ચાને એક અલગ જ સ્વરૂપ આપે છે.
પરંતુ રિપબ્લિકન ઉમેદવાર અને અમેરિકાના હાલના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે બુધવારે પોતાની શાંત અને વ્યવસ્થિત શૈલી દ્વારા એ સંદેશો આપ્યો કે ટ્રમ્પ જો 'જ્વલંત દલીલો કરી શકે છે તો' તેઓ પોતે એક સંયમિત અને સ્થિર સહયોગીની જેમ સંતુલન બનાવી રાખશે.
પેન્સ અને હૅરિસની ચર્ચા દરમિયાન પણ કેટલીક વખત વચ્ચે એકબીજાને ટોકવાની બાબત જોવા મળી. જોકે હૅરિસ તેમનો જવાબ આપવા માટે સજ્જ જોવા મળ્યાં.
તેમણે વધુમાં કહ્યું, "શ્રીમાન ઉપરાષ્ટ્રપતિ મહોદય, જો તમે મને મારી વાત કહેવાની તક આપશો, તો જ આપણે વાત કરી શકીશું. કૃપા કરીને મને બોલવા દો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ચર્ચાનાં સમીકરણોમાં એક રીતે માઇક પેન્સ માટે એક જોખમ હતું. તેઓ વારંવાર ટોકતા તેનાથી મતદાતાઓમાં સંદેશ જઈ શકતો હતો કે એક ગોરી વ્યક્તિએ ઉપરાષ્ટ્રપતિપદનાં પ્રથમ કાળા મહિલા ઉમેદવારને બોલવા ન દીધાં.
માઇક પેન્સ નિશ્ચિતરૂપે તેનાથી બચવા માગતા હશે. ખાસ કરીને ત્યારે જ્યારે ચૂંટણી સર્વેક્ષણોમાં મહિલા મતદાતાઓ વચ્ચે ટ્રમ્પ અને પેન્સની જોડી મામલે થોડી નારાજગી નોંધાઈ ચૂકી છે.
જોકે બંને પક્ષ તુલનાત્મક રીતે આ ચર્ચામાં થોડા ઓછા આક્રમક જોવા મળ્યા. આથી એક રીતે જોઈએ તો બુધવારની આ ડિબેટ એ જોવા માટે ખાસ હતી કે દબાણ છતાં ઉપરાષ્ટ્રપતિપદના બંને ઉમેદવાર કેવું પ્રદર્શન કરે છે.
હૅરિસ કોવિડ મામલે પેન્સને ઘેરી ન શક્યાં
તેમાં આશ્ચર્યની વાત નથી કે 'કોરોના વાઇરસ મહામારી' આ ડિબેટનો પ્રથમ વિષય હતો. આ મામલે હૅરિસે પેન્સ પર સતત શાબ્દિક પ્રહારો કર્યા પણ પેન્સ સરકારનો બચાવ કરતા રહ્યા.
અમેરિકામાં વર્તમાન રાજકીય સ્થિતિ પણ આવી જ છે. ડૅમૉક્રેટિક પાર્ટી, રિપબ્લિકન પાર્ટીની સરકાર મહામારીનો યોગ્ય રીતે નિયંત્રણ ન કરી શકવા માટે તેના માટે તેને દોષિત ઠેરવે છે, તો ટ્રમ્પ પ્રશાસનનો જવાબ છે કે તેમણે 'આ મામલે તેમની શ્રેષ્ઠ કોશિશો કરી છે.'
પરંતુ કમલા હૅરિસે પેન્સ પર જે આક્રમણ કર્યું તેમાં સૌથી પ્રભાવી પંક્તિઓ વધુ નહોતી.
જેમ કે તેમણે આંકડો આપ્યો કે અમેરિકામાં બે લાખ દસ હજારથી વધુ લોકોનાં મોત થયાં, તેમણે ટ્રમ્પ પ્રશાસનને અયોગ્ય અને અક્ષમ ગણાવ્યું. પરંતુ તેમાં કોઈ નવી વાત નહોતી.
વળી પેન્સ પાસે આ બધાના જવાબો તૈયાર હતા. તેમણે કહ્યું કે 'બાઇડન અને હૅરિસ પાસે અમેરિકા માટે જે પ્લાન છે, તે એ જ પ્લાન છે જે ટ્રમ્પ પ્રશાસન કરી રહ્યું છે અને તેમણે એને ચોરી લીધો છે.'
તેમણે કહ્યું કે ટ્રમ્પ પ્રશાસન જલદીથી કોવિડ-19ની વૅક્સિન લાવવાની કોશિશમાં છે.
સાથે જ પેન્સે હૅરિસના આરોપોને બીજી દિશામાં વાળતા કહ્યું કે કોવિડ વિરદ્ધ અમેરિકાની લડાઈની ટીકા કરવી, આરોગ્ય કર્મચારીઓની ટીકા કરવા સમાન છે, જેમણે રાતદિવસ મહામારી સામે સેવા આપી છે.
રસપ્રદ વાત એ છે કે બંનેમાંથી એક પણ ઉમેદવારે એ વાત પર ભાર ન મૂક્યો કે જો વ્હાઇટ હાઉસ કઈ રીતે કોરોનાનું સંક્રમણ કેન્દ્ર બન્યું? આ એક એવો મુદ્દો અથવા સવાલ હતો જેના પર હૅરિસ માઇક પેન્સને ઘેરી શકતા હતા, તેમને ફસાવી શકતા હતા.
પરંતુ આ તકને તેમણે ગુમાવી દીધી. તેઓ એ બાબત જાણતા હતા કે આ ચૂંટણીમાં કોરોના વાઇરસની મહામારી ટ્રમ્પના ચૂંટણી અભિયાનની સૌથી મોટી નબળાઈ છે. આથી આ મામલે તેને પેન્સની જીત કહેવામાં આવશે કે તેમણે આ મહત્ત્વપૂર્ણ મુદ્દા પર કમલા હૅરિસને કોઈ સરસાઈ ન લેવા દીધી.
પર્યાવરણના મુદ્દે બંને પક્ષ અસહજ જોવા મળ્યા
કોરોના મહામારીના મુદ્દે જો પેન્સ બૅકફૂટ પર હતા, તો થોડા રક્ષાત્મક પણ હતા. પણ જ્યારે પર્યાવરણનો વિષય શરૂ થયો અને તેના મુદ્દાની શરૂઆત થઈ તો પેન્સે પોતાનું વલણ બદલી લીધું. આ વિશે બોલતી વેળા તેઓ ઘણા આક્રમક જોવા મળ્યા.
ખરેખર, કમલા હૅરિસ જ 'ગ્રીન ન્યૂ ડીલ જળવાયુ પ્રસ્તાવ'નાં મૂળ પ્રાયોજક હતાં. આ પ્રસ્તાવે જ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. પરંતુ અમેરિકાના મતદારોનો એક વર્ગ એવો પણ છે, જે કાર્બન ઉત્સર્જનના ઘટાડા માટે સરકારી નિયમનની બાબતને પોતાની આજીવિકા માટે જોખમ ગણે છે.
માઇક પેન્સે ચર્ચા દરમિયાન એ ચેતવણી આપી કે ગ્રીન ન્યૂ ડીલ 'અમેરિકાની ઊર્જાને કચડી નાખશે અને બાઇડન પર તેમણે આરોપ લગાવ્યો કે તેઓ જીવાશ્મી ઈંધણને ખતમ કરવા માગે છે.' જોકે હૅરિસે માઇક પેન્સના આ દાવને બિલકુલ ખોટો ગણાવ્યો.
આ ચર્ચા દરમિયાન કમલા હૅરિસે કહ્યું કે 'જળવાયુ પરિવર્તન સમગ્ર દુનિયા માટે એક જોખમ છે,' પરંતુ આ મામલે ન તો હૅરિસ, ન તો બાઇડને વધુ વાત કરી કે સરકારી નીતિઓ આ મામલે કેટલી જરૂરી છે. કદાચ એનું કારણ એ રહ્યું હશે કે અમેરિકાના મતદાતાઓ પર હાલ તેનો કોઈ પ્રભાવ છોડવા નહીં માગતા હોય.
વ્યવસ્થિત વંશવાદ સામે પેન્સનો ઇન્કાર
ચર્ચામાં સૌથી વધુ જ્વલંત પળો થોડી વાર પછી જોવા મળી જ્યારે નસ્લવાદ અને કાનૂન વ્યવસ્થાની ચર્ચા શરૂ થઈ.
ડોનાલ્ડ ટ્રમ્પની જેમ માઇક પેન્સ પણ અમેરિકામાં ક્યારેક ક્યારેક થતાં હિંસક પ્રદર્શનો, ભેદભાવ, નસ્લવાદ અને વધુ પડતા બળપ્રયોગ મુદ્દેની ચર્ચાથી બચવાની કોશિશ કરતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે તેમણે અમેરિકાની ન્યાયિક વ્યવસ્થા પર વિશ્વાસ છે.
સાથે જ તેમણે કહ્યું કે 'અમેરિકામાં વ્યવસ્થિત નસ્લવાદ છે, એવો આરોપ એ અમેરિકન લોકોનું અપમાન છે જેઓ પોલીસ અને કાનૂન વ્યવસ્થાને સંભાળી રહ્યા છે.'
પરંતુ કમલા હૅરિસ તેમની આ પ્રકારની દલીલોથી સંતુષ્ટ નહોતા. તેમણે કહ્યું, "આ ચર્ચા ઉપરાષ્ટ્રપતિનું ભાષણ નથી, જેમાં તેઓ એ કહેવાની કોશિશ કરે છે કે દેશમાં કાનૂન લાગુ કરવાનો શું અર્થ હોય છે."
હૅરિસે ચર્ચા દરમિયાન ધોળા અમેરિકીઓમાં વર્ચસ્વવાદીઓ વિશે સ્પષ્ટપણે ટીકા કરી.
ભવિષ્ય પર એક નજર
ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવારોની આ ચર્ચાએ એ અમેરિકી લોકો જેઓ અમેરિકાની રાજનીતિના વર્તમાન અને ભવિષ્ય પર નજર રાખે છે, તેમને કેટલીક બાબતો સમજવાની તક આપી છે.
ચૂંટણી અભિયાનની નજરથી જોઈએ તો, બંને ઉમેદવારોએ પોતોના સાથી અને રાષ્ટ્રપતિપદના ઉમેદવારોનો સારી રીતે બચાવ કર્યો અને પોતોના વિરોધીઓ સામે મુખ્ય મુદ્દે પ્રહાર કરવાની કોશિશ કરી.
જોકે આ ચર્ચામાં ભાગ લેનારા બંને ઉમેદવારોને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેમનો દૃષ્ટિકોણ માત્ર નવેમ્બરની ચૂંટણી સુધી જ મર્યાદિત નથી, તેઓ ત્યારપછીની બાબતો પર પણ ધ્યાન આપી રહ્યા છે.
માઇક પેન્સ જેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પાછળ ઊભા છે. તેમણે ટ્રમ્પ અને તેમની નીતિઓનો સારી રીતે બચાવ કર્યો, પરંતુ ચર્ચા દરમિયાન તેમણે પોતાની છબી તૈયાર કરવાની અને ઓળખ મજબૂત કરવાની પણ કોશિશ કરી.
વળી કમલા હૅરિસ જેઓ ગત વર્ષે આ જ સમયે રાષ્ટ્રપતિપદ માટે ખુદની ઉમેદવારી નોંધાવી રહ્યાં હતાં અને તેમની સામે લડી રહ્યા હતાં. તેમણે એ પુરવાર કરવાની કોશિશ કરી કે જો બાઇડન રાજકીય મંચથી બહાર નીકળી જશે તો તેઓ ડૅમૉક્રૅટિક પાર્ટી માટે એક સક્ષમ માનવ-વાહક બની શકે છે.
તેમને જ્યારે પણ તક મળી ત્યારે તેમણે પોતાની સારસંભાળ અને પૃષ્ઠભૂમિ વિશે જ વાતો કરી છે અને માઇક પેન્સની ઊલટ એક મોટા અમેરિકી સમૂહ સુધી પહોંચવાની તેમણે કોશિશ કરી.
તેમણે કોશિશ કરી કે લોકો તેમના વિશે જાણે. સાથે જ અમેરિકી દર્શકો સાથે સારી રીતે જોડાવા માટે તેમણે કૅમેરા સાથે નજર મેળવીને વાતો કરી.
ચાર વર્ષો પહેલા ડૅમૉક્રૅટિક પાર્ટીના નેતા ટિમ કેને માઇક પેન્સ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેનાથી તેમની છબીને કોઈ ફાયદો ન થયો. હૅરિસે પણ બુધવારે માઇક પેન્સ વિરુદ્ધ સારું પ્રદર્શન કર્યું, તેમના માટે આને 2020ની એક મોટી ક્ષણ માની શકાય છે. પંરતુ તેઓ નહીં ઇચ્છશે કે તેમનો અંજામ ટિમ કેન જેવો થાય.
વળી બંને નેતા માઇક પેન્સ અને કમલા હૅરિસ પોતોપોતના જૂથોમાં પરત ફરી ગયાં છે જેથી આગામી સમયમાં ફરી પૂરી તૈયારી સાથે એકબીજાનો સામનો કરી શકે અને તેમને આ તક કદાચ ચાર વર્ષ પછી મળશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો