આર્મેનિયા-અઝરબૈજાન વચ્ચેની 'સૌથી મોટી લડાઈ', શું છે દાયકાઓ જૂનો વિવાદ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

આર્મેનિયા અને અઝરબૈજાનની વચ્ચે દાયકાઓ જૂનો સરહદનો વિવાદ રવિવારે ફરીથી ભડકી ઊઠ્યો છે.

આર્મેનિયા અને અઝરબૈજાન વિવાદિત નાગોર્નો-કારાબાખને લઈને એક વખત ફરીથી લડાઈના મેદાનમાં છે, ત્યાં હેલિકૉપ્ટર અને ટૅન્કોને તોડી પાડવાના સમચાર આવ્યા છે.

બંને દેશોના સૈનિકો અને નાગરિકો મૃત્યુ પામ્યા છે. હાલ સુધી 23 લોકો મૃત્યુ પામ્યાના સમાચાર આવી રહ્યા છે.

રવિવારે નિયંત્રણ રેખા પર જે પ્રકારે ભારે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે ગત કેટલાંક વર્ષોમાં થયેલી સૌથી મોટી લડાઈ મનાય છે.

અર્દોઆનનું સમર્થન, ઈરાનની મધ્યસ્થતાની રજૂઆત

બંને દેશો વચ્ચેના તાજા વિવાદને લઈને આખી દુનિયામાંથી પ્રતિક્રિયા આવી રહી છે.

રવિવારે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને અઝરબૈજાનનું સમર્થન કરવાની જાહેરાત કરી હતી ત્યારે રશિયાએ આર્મેનિયા અને આઝરબૈજાનને તાત્કાલિક સંઘર્ષવિરામ, બંને પક્ષને સંયમ રાખવા અને વાતચીતથી વિવાદનો ઉકેલવા કહ્યું હતું.

બીજી તરફ અમેરિકાએ કહ્યું કે તેમણે બંને દેશોને તરત લડાઈ બંધ કરવા કહ્યું છે, સાથે જ વિવાદિત નિવેદનો અને કાર્યવાહીઓથી દૂર રહેવાનો આગ્રહ કર્યો છે.

જ્યારે ફ્રાંસે બંને દેશોને સંઘર્ષવિરામ અને વાતચીતનો આગ્રહ કર્યો છે. ફ્રાન્સમાં મોટી સંખ્યામાં આર્મેનિયાનો સમુદાય રહે છે.

ઈરાન કે જેની સરહદ આઝરબૈજાન અને આર્મેનિયા બંનેને સ્પર્શે છે, બંને દેશોની વચ્ચે શાંતિ સ્થાપિત કરવા મધ્યસ્થીની ભૂમિકા અદા કરી છે.

તો બીજી તરફ આઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે રવિવારે કહ્યું કે તેમને ભરોસો છે કે તેઓ આ વિસ્તારમાં ફરીથી પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવામાં સફળ થશે.

શું કહે છે કૉકેશસમાં બીબીસી સંવાદદાતા રેહન દિમિત્રી?

દાયકાઓથી ચાલી રહેલા બંને દેશોના વિવાદમાં કોણે પહેલી ગોળી ચલાવી, આ પ્રકારના આરોપ એકબીજા પર મૂકવા સામાન્ય વાત છે.

તેઓ કહે છે કે આ માત્ર સૈન્ય કાર્યવાહી નથી પરંતુ માહિતીનું યુદ્ધ પણ છે, કારણ કે સ્વતંત્ર રીતે સમાચારની પુષ્ટિ કરવી અઘરી છે.

અઝરબૈજાનનો દાવો છે કે તેમણે આર્મેનિયાના નિયંત્રણમાં રહેલા વિસ્તારને મુક્ત કરાવ્યો છે, તો આર્મેનિયાના અધિકારી આ દાવાને ખારિજ કર્યો છે.

આ પ્રકારે આર્મેનિયા દાવો કરે છે કે અઝરબૈજાનને ઘણું નુકસાન થયું છે તો અઝરબૈજાન આનું ખંડન કરે છે.

આ સિવાય અઝરબૈજાને દેશમાં ઇન્ટરનેટના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર.

રશિયા પારંપરિક રીતે આર્મેનિયાનું મિત્ર રાષ્ટ્ર રહ્યું છે.

જોકે અઝરબૈજાનને તુર્કીનું સમર્થન તેને તાકાત આપી શકે છે કારણ કે ઑગસ્ટમાં અઝરબૈજાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે તુર્કીના સૈન્યની મદદથી અઝરબૈજાન પોતાનો ‘પવિત્ર ધર્મ’ પૂર્ણ કરશે – બીજા શબ્દોમાં તે પોતાના ગુમાવેલા વિસ્તારને પાછો લેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો