You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત કૉંગ્રેસનું 'રોજગાર દો અભિયાન', બેરોજગારોનું રજિસ્ટર તૈયાર કરશે TOP NEWS
યુથ કૉંગ્રેસના નેશનલ ઇનચાર્જ ક્રિષ્ના અલ્લાવરુની હાજરીમાં અમદાવાદમાં 'રોજગાર દો અભિયાન'નો આરંભ કરાયો હતો.
નોંધનીય છે કે હાલમાં ચાલી રહેલા આર્થિક સંકટને પરિણામે શહેરી બેરોજગારીનો દરે ઑગસ્ટ માસમાં દસ ટકા નોંધાયો છે. ત્યારે અલ્લાવરુએ આ પરિસ્થિતિ માટે કેન્દ્ર સરકારના નિર્ણયોને જવાબદાર ગણાવ્યા હતા.
યૂથ કૉંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી રોજગાર દો કૅમ્પેન હેઠળ બેરોજગારોનું રજિસ્ટર તૈયાર કરાશે. જેથી સરકાર દ્વારા આ મામલે લેવાઈ રહેલા પગલાં અંગે જવાબ માગી શકાય.
ભાજપશાસિત ગુજરાત રાજ્યમાં બેરોજગાર લોકોને સરકાર પાસેથી રોજગારની માગણી કરવા માટે 79987 99854 નંબર પર મિસ્ડ કૉલ કરવા સૂચવવામાં આવ્યું છે.
ગુજરાત : JEEમાં પ્રથમ દિવસે 45 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા
મંગળવારે એંજિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી જૉઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે JEEની દેશવ્યાપી શરૂઆત થઈ હતી.
NDTV ડોટ કૉમના એક અહેવાલ અનુસાર પરીક્ષાના પ્રથમ દિવસે જ ગુજરાતમાંથી JEE માટે નોંધણી કરાવનાર વિદ્યાર્થીઓ પૈકી 45 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
નોંધનીય છે કે રાજ્યમાં કુલ 38, 167 વિદ્યાર્થીઓએ JEE માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ આ પરીક્ષાના પ્રથમ દિવસે રજિસ્ટ્રેશન કરાવનાર કુલ 3020 વિદ્યાર્થીઓમાંથી 1664 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી.
અધિકારીઓ અનુસાર અગાઉનાં વર્ષોમાં આ પરીક્ષામાં ગેરહાજરીનો દર 25થી 30 ટકાનો હતો. પરંતુ આ વર્ષે તેમાં 10થી 15 ટકાનો વધારો જોવા મળ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત-ચીન સીમાવિવાદ : 'સ્થિતિ 1962થી વધુ ખરાબ થશે'
"જો ભારત યુદ્ધ ઇચ્છતું હોય તો ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ભારતીય સેનાને વર્ષ 1962 કરતાં ખૂબ વધારે નુકસાન પહોંચાડશે."
અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' દ્વારા ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'માં છપાયેલ તંત્રીલેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
હાલમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમાવિવાદને લઈને 'ગ્લોબલ ટાઇમ્સ'ની આ ચેતવણી આવી છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' પ્રમાણે 'ગ્લોબલ ટાઇમ્સે' પાછલા અઠવાડિયે એક સર્વેના હવાલાથી દાવા કર્યો હતો કે 90 ટકા ચીની લોકો ભારત વિરુદ્ધ 'બદલાની કાર્યવાહી' ઇચ્છે છે.
ગ્લોબલ ટાઇમ્સના તંત્રીલેખમાં લખાયું છે કે, "ચીન ભારત કરતાં અનેકગણું તાકતવર છે અને ભારત ચીનની સરખામણીએ ક્યાંય નથી ટકતું."
"આપણે ભારતનો એ ભ્રમ તોડવો પડશે કે તે અમેરિકા જેવી શક્તિઓ સાથે જોડાણ કરીને ચીન સાથે મુકાબલો કરી શકે છે."
ભરતીઓમાં મહિલા અનામત અંગેનો વિવાદિત ઠરાવ રદ
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં સરકારી ભરતીઓમાં મહિલા અનામત બાબતે ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કરાયેલ ઠરાવ રદ કર્યો છે.
ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલા દ્વારા અપાયેલા નિર્ણયમાં ગુજરાતમાં સરકારી ભરતીઓમાં મહિલાઓ માટે અનામત 33 ટકા બેઠકો પૈકીની બિનઅનામત બેઠકો પર પણ અનામત મેળવતાં મહિલા ઉમેદવારોને તક મળશે.
નોંધનીય છે કે 1 ઑગસ્ટ, 2018ના ઠરાવ પ્રમાણે ગુજરાતમાં સરકારી ભરતીઓમાં અનામત મેળવતાં મહિલા ઉમેદવારોને બિનઅનામત બેઠકો પર તક ન આપવાની જોગવાઈ કરાઈ હતી.
હાઈકોર્ટના નિર્ણય બાદ આ વિવાદાસ્પદ જોગવાઈ રદ કરી દેવાઈ છે.
ટેલિકૉમ કંપનીઓને 10 વર્ષનો સમય
મંગળવારે સર્વોચ્ચ અદાલત દ્વારા ટેલિકૉમ કંપનીઓને ઍડજસ્ટેટ ગ્રોસ રેવન્યૂ એટલે કે AGR પેટે કેન્દ્ર સરકારને ચૂકવવાના લગભગ 1.43 લાખ કરોડ ચૂકવવા માટે 10 વર્ષનો સમય અપાયો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય ટેલિકૉમ કંપનીઓ માટે એક રાહત સમાન હતો, કારણ કે એકસાથે આટલી મોટી રકમ ચૂકવવાપાત્ર બનતા ઘણી કંપનીઓએ ધંધો સંકેલી લેવો પડ્યો હોત.
નોંધનીય છે કે ચૂકવણીપાત્ર રકમ માટે સંબંધિત કંપનીઓને રાહત આપવા માટે પૂરતો સમય ફાળવવા માટેની કેન્દ્ર સરકારની અરજી બાદ સર્વોચ્ચ અદાલતે ટેલિકૉમ કંપનીઓને આ રાહત આપી હતી.
અમેરિકામાં કોરોનાની રસીનું ત્રીજા તબક્કાનું માનવ પરીક્ષણ શરૂ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ફાર્મા કંપની ઍસ્ટ્રાઝેનેકા દ્વારા કોરોના વાઇરસની રસી માટે ત્રીજા તબક્કાનું માનવપરીક્ષણ મોટા પાયે શરૂ કરી દેવાયુ છે.
સોમવારે કંપનીએ એક નિવેદન જારી કરી કહ્યું કે આ પરીક્ષણમાં તેઓ 30 હજાર વયસ્કો પર રસીનું પરીક્ષણ કરશે.
નોંઘનીય છે કે, વિશ્વમાં વિકસાવાઈ રહેલી કોરોના વાઇરસની રસીઓ પૈકી ઍસ્ટ્રાઝેનેકાની રસી કોરોના વાઇરસની રસી વિકસાવવાની સ્પર્ધામાં આગળ પડતી કેટલીક રસીઓ પૈકી એક છે.
GSTનાં બાકી નીકળતાં લેણાં બાબતે ચાર CMનો PM, FMને પત્ર
ગુડ્ઝ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ એટલે કે GSTના વળતરમાં પડેલી ઘટ અંગે રિઝર્વ બૅંક કે બજારમાંથી ઉછીનાં નાણાં મેળવવાની કેન્દ્ર સરકારની દરખાસ્તના વિરોધમાં ચાર રાજ્યોના મુખ્ય મંત્રીઓએ વડા પ્રધાન અને નાણાંપ્રધાનને પત્ર લખ્યો છે.
ઇન્ડિય એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર રાજ્યો દ્વારા રિઝર્વ બૅંક કે બજારમાંથી નાણાં મેળવવાના કેન્દ્રના પ્રસ્તાવને ચાર બિનભાજપી રાજ્યોના મુખ્ય મંત્રીઓએ નકાર્યો છે.
રાજ્યોના મુખ્ય મંત્રીઓ દ્વારા GSTના વળતરમાં પડેલી ઘટ અંગેની જોગવાઈ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉછીનાં નાણાં મેળવીને વ્યવસ્થા કરવામાં આવે એવો પ્રસ્તાવ રજૂ કરાયો છે.
કેન્દ્રના પ્રસ્તાવને નકારનાર મુખ્ય મંત્રીઓમાં તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, તમિલનાડુના સીએમ એડાપ્પડી કે. પલાનીસ્વામી અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ સામેલ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો