You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જમ્મુ-કાશ્મીરના નવા નકશા સામે પાકિસ્તાને નોંધાવ્યો વિરોધ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 2 મિનિટ
શનિવારે ભારત સરકારે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે દર્શાવતો નવો નકશો બહાર પાડ્યો છે.
ભારતના સરવે જનરલ દ્વારા બહાર પાડવામાં આવેલા નકશામાં 28 રાજ્ય તથા નવ કેન્દ્રશાસિત પ્રદેશ છે.
પાકિસ્તાને આ નકશાને નકારી કાઢ્યો છે અને તેને 'સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદના ઠરાવોનો ભંગ' હોવાનું જણાવ્યું છે.
તારીખ 31મી ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર એમ બે કેન્દ્રશાસિત પ્રદેશનું ગઠન કરવામાં આવ્યું હતું.
શું છે નકશામાં?
ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે લદ્દાખમાં કારગિલ તથા લેહ એમ બે જિલ્લા હશે. જ્યારે બાકીના 26 જિલ્લાને જમ્મુ-કાશ્મીર હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહપ્રધાન અમિત શાહની દેખરેખ હેઠળ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની સીમા નક્કી કરવામાં આવી હતી.
નવી વ્યવસ્થા પ્રમાણે, ઉપરાજ્યપાલ દ્વારા જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખનો વહીવટ ચલાવવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે, જ્યારે લદ્દાખમાં નહીં હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જમ્મુ-કાશ્મીરના જિલ્લા
1947માં જમ્મુ-કાશ્મીરમાં 14 જિલ્લા હતા. જેમાં કઠુઆ, જમ્મુ, ઉધમપુર, રઈસી, અનંતનાગ, બારામુલ્લા, પૂંછ, મીરપુર, મુજ્જફરાબાદ, લેહ અને લદ્દાખ, ગિલગિત, ગિલગિત વજારત, ચિલ્લાહ તથા ટ્રાયબલ ટૅરિટરી.
2019માં સરકારે પુનર્ગઠન કર્યું અને 14 જિલ્લાને 28 જિલ્લામાં બદલ્યા. નવા જિલ્લામાં કૂપવાડા, બાંદીપુરા, ગેંદરબલ, શ્રીનગર, બડગામ, પુલવામા, શોપિયાં, કુલગામ, રાજૌરી, ડોડા, કિશ્વતવાર, સંબા, લેહ અને લદ્દાખ.
તા. 5મી ઑગસ્ટ 2019ના ભારતીય સંસદે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમ 370 તથા 35Aને નાબૂદ કરી હતી.
રાષ્ટ્રપતિએ આ કલમોને નાબૂદ કરતું જાહેરનામું 31મી ઑક્ટોબરે બહાર પાડ્યું હતું.
પાકિસ્તાનની પ્રતિક્રિયા
ભારત દ્વારા બહાર પાડવામાં આવેલાં નવા નકશા અંગે પ્રતિક્રિયા આપતાં પાકિસ્તાને કહ્યું હતું કે ગિલગિત-બાલ્ટિસ્તાન તથા આઝાદ જમ્મુ-કાશ્મીરને ભારતે અયોગ્ય રીતે પોતાના વિસ્તાર તરીકે દર્શાવ્યા છે.
આ કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી તથા તે સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદના ઠરાવોની વિરુદ્ધ છે. યુએનના નકશા સાથે સુસંગત ન હોય તેવા આ રાજકીય નકશાઓને પાકિસ્તાન નકારે છે.
યુએન પણ સ્વીકારે છે કે જમ્મુ-કાશ્મીર 'વિવાદિત ક્ષેત્ર' છે તથા ભારત સરકાર દ્વારા લેવામાં આવેલું કોઈપણ પગલું તેને બદલી નહીં શકે.
પાકિસ્તાને ઉમેર્યું હતું કે યુએનની સુરક્ષા પરિષદના ઠરાવ મુજબ જમ્મુ-કાશ્મીરના નાગરિકોને ખુદનો નિર્ણય લેવાનો હક્ક મળવો જોઈએ તથા તેઓ ભારત પ્રશાસિત કાશ્મીરના લોકોની કાયદેસરની ચળવળને સમર્થન આપવાનું ચાલુ રાખશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો