શી જિનપિંગનો નેપાળ પ્રવાસ : નેપાળમાં શી જિનપિંગે હાડકાં ભાંગવાની ચેતવણી કેમ આપી?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નેપાળમાં આકરી ચેતવણી આપતાં કહ્યું કે ચીનને તોડવાના કોઈ પ્રયત્નો થશે તો ચીન હાડકાં ખોખરાં કરી નાખશે.

ચીનના સરકારી પ્રસારક સીસીટીવી પ્રમાણે રાષ્ટ્રપતિ જિનપિંગની આ ચેતવણી નેપાળના પ્રવાસ સમયે આવી છે.

નેપાળમાં જ રાષ્ટ્રપતિ જિનપિંગે આકરા શબ્દોમાં કહ્યું કે ચીનમાં કોઈએ આઝાદીની વકીલાત કરી છે તો તેમનું કચુંબર કરી નાખવામાં આવશે.

નેપાળના નેતાઓની સાથે વાતચીત દરમિયાન જિનપિંગે કહ્યું, "જો ચીનના કોઈ પણ ભાગમાં દેશને વહેંચવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તેમનાં હાડકાં ખોખરાં કરી નાખવામાં આવશે. કોઈ બહારની શક્તિએ આવા પ્રયત્નોનું સમર્થન કર્યું તો તેઓ ચીનની નજરમાં દિવસમાં સપનાં જોનારા લોકો છે."

ચીનના રાષ્ટ્રપતિની આ ચેતવણીને અનેક સંદર્ભોમાં જોવામાં આવે છે. નેપાળમાં તિબેટની આઝાદીના સમર્થનમાં તિબ્બતના કેટલાક કાર્યકરો રાષ્ટ્રપતિ જિનપિંગના પ્રવાસનો વિરોધ કરી રહ્યા હતા.

આ દેખાવકારો પર નેપાળ સરકારે આકરી કાર્યવાહી કરી છે. શી જિનપિંગના આ નિવેદનને આની સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યું છે. આની સાથે જ હૉંગકૉંગમાં ગત ચાર મહિનાથી થઈ રહેલા વિરોધ સાથે પણ આ નિવેદનને જોડીને જોઈ શકાય છે.

રવિવારે હૉંગકૉંગમાં અનેક શાંતિપૂર્ણ રેલીઓ કાઢવામાં આવી હતી અને આ દરમિયાન પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. આ વિરોધ-પ્રદર્શનમાં પોલીસ ટ્રાન્સપૉર્ટ સ્ટેશન અને ચીન સમર્થિત દુકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

દેખાવકારોની રેલીઓના કારણે હૉંગ મેટ્રોનાં 27 સ્ટેશન બંધ રખાયાં. પોલીસે જણાવ્યું કે દેખાવકારોને તિતર બિતર કરવા માટે હળવો બળપ્રયોગ કરાયો હતો, પરંતુ ટેલિવિઝન ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે વીકેન્ડ પર ખરીદી કરવા નીકળેલા લોકો નાસભાગમાં ફસાયેલા હતા.

ઘણા લોકો તો પરેશાન અવસ્થામાં અને રડતા દેખાયા. શૉપિંગ સેન્ટર પર અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર પોલીસે એક શૉપિંગ મૉલમાંથી દેખાવકારોના સમર્થનમાં નારા લગાવી રહેલા લોકો પર બળપ્રયોગ કર્યો હતો.

વહીવટીતંત્રનું કહેવું હતું કે મૉંગ-કોક પોલીસ સ્ટેશન પર પેટ્રોલ બૉમ્બ ફેંકાયો અને એક પોલીસ અધિકારીની ડોક પર ચીરો પડી ગયો. સાઉથ ચાઇના મૉર્નિગ પોસ્ટ અનુસાર પોલીસ અધિકારીની હાલત સ્થિર છે. દેખાવકારોમાં મોટા ભાગના યુવાનો સામેલ હતા અને તેઓ અલગ-અલગ વિસ્તારોમાં ટોળાઓમાં વિભાજિત હતા.

સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટને શી યિહોંગ નામના એક એકૅડેમિકે જણાવ્યું કે, "હૉંગકૉંગની વર્તમાન સ્થિતિ ઘણી ગંભીર છે. આ ચેતવણી અમેરિકા અને એ બધા માટે છે જેઓ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સ્વરૂપે ચાલી રહેલા દેખાવો અને દેખાવકારો દ્વારા આચરવામાં આવતી હિંસાના પક્ષમાં ઊભા છે."

"રાષ્ટ્રપતિ જિનપિંગે આ નિવેદનથી ચીનનું વલણ સ્પષ્ટ કરી દેવાની સાથે અમેરિકાને પણ ચીનની આંતરિક બાબતોથી દૂર રહેવાની સલાહ આપી દીધી છે."

હાલમાં જ રિપબ્લિકન પાર્ટીના સેનેટર ટેડ ક્રૂઝે હૉંગકૉંગમાં ચીનના વલણની ટીકા કરી હતી અને ચીનને ક્ષેત્રીય શાંતિ માટે ખતરારૂપ ગણાવ્યું હતું.

ચીન-નેપાળ આવ્યાં વધુ નજીક

શી જિનપિંગની નેપાળયાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા દ્વિપક્ષીય મુદ્દા પર સંમતિ સધાઈ છે. ચીન નેપાળમાં ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કામ કરશે.

બંને દેશોના સંયુક્ત નિવેદનમાં કહેવાયું છે કે, "નેપાળ અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો હવે નવા યુગમાં પહોંચી ચૂક્યા છે. બંને દેશો એકમેકની સ્વતંત્રતા, સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય એકતાનું સન્માન કરશે."

નેપાળે પણ વન ચાઇના પૉલિસીને લઈને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. નેપાળે કહ્યું છે કે તાઇવાન ચીનનું અવિભાજ્ય અંગ છે.

નેપાળે એ પણ કહ્યું કે તિબ્બતનો મુદ્દો પણ ચીનનો આંતરિક મામલો છે. આ સાથે જ નેપાળે ચીનને એવું આશ્વાસન પણ આપ્યું છે કે તેઓ પોતાની ધરતી પર ચીનવિરોધી પ્રવૃતિઓ નહીં ચાલવા દે.

શી જિનપિંગને નેપાળના ત્રિભુવન ઍરપૉર્ટ પરથી વિદાય આપ્યા બાદ નેપાળના વડા પ્રધાન કેપી ઓલીએ ટ્વીટ કરીને જણાવ્યું કે આ યાત્રાના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચી ગયા છે.

નેપાળે ચીનની મહત્ત્વાકાંક્ષી પરિયોજના વન બેલ્ટ વન રોડનું પણ સમર્થન કર્યું. જોકે, ભારત આ પરિયોજનાનો વિરોધ કરી રહ્યું છે.

સંયુક્ત નિવેદનમાં નેપાળ અને ચીનને એકબીજાના વ્યૂહાત્મક પાર્ટનર ગણાવવામાં આવ્યાં છે. ચીન અને નેપાળ વચ્ચે કુલ 20 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા છે.

બંને દેશો વચ્ચે એ વાત પર પણ સંમતિ સધાઈ છે કે ચીન નેપાળમાં પોતાની બૅન્કોની શાખાઓ શરૂ કરશે. બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ પર પણ વાત થઈ રહી છે. જોકે, આ સંધીને લઈને વિવાદ છે.

ભારત પણ નેપાળ સાથે પ્રત્યર્પણ સંધિ કરવા માગે છે, પરંતુ હજુ સુધી તે શક્ય બન્યું નથી. ભારત અને નેપાળ વચ્ચે 2 ઑક્ટોબર, 1953ના રોજ આ પ્રકારની એક સંધિ થઈ હતી, પરંતુ ભારત એ સંધિમાં સંશોધન ઇચ્છે છે.

આ સંશોધનના પ્રયત્નો 2008 અને 2010માં પણ થઈ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી વાત આગળ વધી નથી.

ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે નેપાળ પર અમેરિકાના નેતૃત્વવાળા યુ.એસ. ઇન્ડો પેસિફિક સ્ટ્રૅટજીમાં સામેલ થવાનું દબાણ છે.

અખબાર પ્રમાણે નેપાળે ચીનને આ અંગે આશ્વાસન આપ્યું છે કે તે એવા કોઈ પણ ગઠબંધનમાં સામેલ નહીં થાય જેનાથી ચીનનું સાર્વભૌમત્વ જોખમમાં મુકાય.

હૉંગકૉંગ અંગે વિવાદ કેમ?

જ્યારે 1997માં હૉંગકૉંગ ચીનને સોંપવામાં આવ્યું ત્યારે તેણે 'એક દેશ-બે વ્યવસ્થા'ની અવધારણા હેઠળ ઓછામાં ઓછું વર્ષ 2047 સુધી લોકોની સ્વતંત્રતા અને પોતાનાં કાયદા-વ્યવસ્થાને જાળવી રાખવાની ગેરંટી આપી હતી.

વર્ષ 2014 બાદ હૉંગકૉંગમાં 79 દિવસ સુધી ચાલેલી 'અમ્બ્રેલા મૂવમેન્ટ' બાદ લોકશાહીના સમર્થકો પર ચીનની સરકારે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું. આ આંદોલન દરમિયાન ચીન સાથે કોઈ પણ સંમતિ નહોતી સાધી શકાઈ.

વિરોધ-પ્રદર્શનોમાં સામેલ લોકોને જેલમાં નાખી દેવાયા. સ્વતંત્રતાનું સમર્થન કરનાર એક પક્ષ પર પ્રતિબંધ લાદી દેવાયો.

આ પક્ષના સ્થાપકનો ઈન્ટરવ્યૂ કરનાર એક વિદેશી પત્રકારને પણ ત્યાંથી કાઢી મુકાયા હતા.

હૉંગકૉંગમાં અમેરિકન ચેમ્બર ઑફ કૉમર્સ સિવાય અમેરિકાએ આ રજૂ કરાયેલા સંશોધન અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ત્યાં રહેતા તેમના નાગરિકો અને વ્યવસાયીઓ પર આ વાતની ખરાબ અસર પડશે.

વર્ષ 2003માં રાષ્ટ્રીય સુરક્ષા અંગે લાગુ કરાયેલા કાયદાના વિરોધમાં પ્રદર્શનો થયાં હતાં. એ સમયે ચીને પીછેહઠ કરવી પડી હતી. જોકે, હાલની પરિસ્થિતિમાં ચીનની પકડ હૉંગકૉંગ પર ખૂબ જ મજબૂત છે.

2014માં લોકશાહીના સમર્થનમાં થયેલાં પ્રદર્શનો બાદ ચીનનો દબદબો સમગ્ર વિશ્વમાં વધ્યો છે. તેનું અર્થતંત્ર પણ ઝડપથી મજબૂત બન્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો