TOP NEWS: કરતારપુરના કાર્યક્રમમાં ડૉ. મનમોહન સિંહને આમંત્રણ અપાશે : પાકિસ્તાન

પ્રકાશિત

કરતારપુર કૉરિડૉરના ઉદ્ઘાટન માટે પાકિસ્તાન પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને નોતરું મોકલશે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર નવેમ્બર માસમાં યોજાનારા આ કાર્યક્રમમાં શીખ સમુદાયના પ્રતિનિધિ તરીકે ડૉ. સિંહને આમંત્રણ આપવામાં આવશે, એવું પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પાકિસ્તાની મીડિયાને જણાવ્યું છે.

જોકે, ડૉ. સિંહના કાર્યાલયને આ અંગે કોઈ માહિતી ન હોવાનું અખબારે જણાવ્યું છે.

સૂત્રોને ટાંકીને અખબારે એવું પણ જણાવ્યું છે કે કૉંગ્રેસ આવા કોઈ પણ પ્રકારના આમંત્રણનો 'અસ્વીકાર' કરશે.

નોંધનીય છે કે આ કૉરિડૉર પાકિસ્તાનના દરબાર સાહિબને ગુરદાસપુરના ડેરા બાબા નાનક સાથે જોડશે.

પાકિસ્તાન દ્વારા 9મી નવેમ્બરે તેને ભારતના શીખ સમુદાય માટે ખુલ્લો મૂકવામાં આવશે.

ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી

બીજા નોરતે પણ ચાલુ રહેલા વરસાદે ગુજરાતમાં ખેલૈયાના રંગમાં ભંગ પાડ્યો છે.

'એનડીએ'ના અહેવાલ અનુસાર અમદાવાદ અને રાજ્યમાં ગરબાનાં મેદાનોમાં પાણી ભરાઈ ગયા છે.

જેને પગલે રાજ્યની સરકારને અમદાવાદમાં 'વાઇબ્રન્ટ નવરાત્રી'ની ઉજવણી રદ કરવી પડી છે. જોકે, ગુજરાતના પ્રવાસન-નિગમના જણાવ્યા અનુસાર 'તકનીકી ખામી'ને કારણે ઉજવણી રદ કરાઈ છે.

અમદાવાદની જાણીતી રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબને પણ બે દિવસ માટે રદ કરેલા ગરબાકાર્યક્રમોને ત્રીજા દિવસે પણ રદ કરવા પડ્યા છે.

તો સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં હજુ 12 કલાક માટે ભારેથી અતિભારે વરસાદ પડી શકે, એવી હવામાનવિભાગે આગાહી કરી છે.

સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારની ઉપર સર્જાયેલું 'ડિપ્રેશન' પણ આગામી 12 કલાક સુધીમાં નબળું પડે એવું હવામાનવિભાગનું જણાવવું છે.

યૂએનમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ બનશે મુનીર અકરમ

મુનીર અકરમ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના નવા કાયમી પ્રતિનિધિ બનશે. તેમને મલીહા લોધીની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે.

પાકિસ્તાન સરકારની અધિકૃત વેબસાઇટ પર આ અંગેની જાણકારી અપાઈ છે.

વેબસાઇટ પર જણાવ્યા અનુસાર, "રાજનીતિજ્ઞ મુનીર અકરમને સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ડૉ. મલીહા લોધીની જગ્યા લેશે."

મલીહા લોધીએ પણ ટ્વિટર પર પ્રતિક્રિયા આપીને આ ફેરબદલની પુષ્ટિ કરી છે.

મલીહાએ ટ્વીટ કરીને જણાવ્યું, "દેશ માટે કામ કરવાની તક મળી એ ગર્વની વાત છે અને હું એ માટે આભારી છું. વડા પ્રધાનના પ્રવાસ બાદ મેં સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાંથી હઠવાનો નિર્ણય લીધો હતો."

સોશિયલ મીડિયા પર કેટલાક લોકોનું માનવું છે કે લોધીને હઠાવવાનો નિર્ણય દબાણ હેઠળ લેવાયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો