You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મોદી અટક' કેસ : ગુજરાત હાઈકોર્ટે સેશન કોર્ટનો ચુકાદો બહાલ રાખ્યો, રાહુલ ગાંધીની અરજી ફગાવાઈ
ગુજરાત હાઈકોર્ટ રાહુલ ગાંધી વિરુદ્ધ કરાયેલા ગુનાહિત બદનક્ષી કેસમાં સેશન કોર્ટનો ચુકાદો બહાલ રાખ્યો છે અને સજામાફીની અરજી ફગાવી દીધી છે.
રાહુલ ગાંધીએ આ મામલે સુરતની કોર્ટના આદેશ વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી, જેમાં દોષિત ગણવાના નિર્ણય પર રોક લગાવવાની માગ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની આ પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે.
આ મામલો મોદી અટક પર રાહુલ ગાંધીના નિવેદન બાદ કોર્ટ કેસ સાથે જોડાયેલો છે. આ કેસમાં માર્ચ મહિનામાં કોર્ટે રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષના કારવાસની સજા ફટકારી હતી. જોકે, રાહુલને તરત જ જામીન મળી ગયા હતા. આ સજાની જાહેરાત બાદ લોકસભા સચિવાલયે નોટિસ જારી કરીને રાહુલ ગાંધીને સાંસદપદેથી અયોગ્ય જાહેર કર્યા હતા.
ગુજરાત હાઈકોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ કેસનો ચુકાદો ઉનાળાની રજાઓ પછી સંભળાવવામાં આવશે.
હાઈકોર્ટના નિર્ણય બાદ અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું છે કે પાર્ટી ગુજરાતા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રમી કોર્ટમાં પડકારશે.
કૉંગ્રેસના મહાસચિવ અને પક્ષના પ્રત્યાયન વિભાગના પ્રભારી જયરામ રમેશે કહ્યું, "રાહુલ ગાંધીની સાસંદ તરીકેને અયોગ્યતા પર ગુજરાત હાઈકોર્ટેની એકલ પીઠનો નિર્ણય અમારા સંજ્ઞાનમાં આવ્યો છે. માનનીય ન્યાયાધીશના તર્કોનું અધ્યન કરાઈ રહ્યું છે. હાઈકોર્ટના નિર્ણયે આ કેસને આગળ લઈ જવાના અમારા સંકલ્પને બેગણો કરી દીધો છે."
ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું?
ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ આઠ અન્ય ગુનાહીત માનહાનિના કેસ નોંધાયેલા છે.
જસ્ટિસ હેમંત પ્રચ્છકે કહ્યું કે આ કેસ બાદ પણ અન્ય કેટલાય મામલાઓ નોંધાયેલા છે. આવો જ કેસ સાવરકરના પૌત્રે રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોર્ટે કહ્યું, "દોષિત ઠેરવવાનો નિર્ણય રદ ના કરવો અરજી કરનાર વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો અન્યાય નથી. અહીં કોઈ તર્કબદ્ધ કારણ નથી કે જેના આધારે દોષી ઠેરવવાના નિર્ણયને રદ કરી દેવાય. દોષિત ગણવા પૂર્ણ રીતે યોગ્ય છે. "
રાહુલ ગાંધીએ 'મોદી અટક' અંગે આપેલા નિવેદનનો શું છે વિવાદ?
માર્ચ 2023માં સૂરતની કૉર્ટ ઑફ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટે આ મામલે રાહુલ ગાંધીને દોષિત ઠેરવતાં બે વર્ષની કેદની સજા સંભળાવી હતી.
આ સજા બાદ રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ થઈ ગયું હતું. જોકે, એ જ દિવસે રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા અને તેઓ 30 દિવસની અંદર સંબંધિત નિર્ણયની વિરુદ્ધમાં વડી અદાલતમાં જઈ શકે એમ હતા.
નિયમો અનુસાર, જો કોર્ટ દ્વારા કોઈ ધારાસભ્ય અથવા સાંસદને દોષી ઠેરવવામાં આવે અને તેને બે વર્ષની સજા થાય, તો તેમનું સાંસદ અથવા ધારાસભ્યનું પદ જતું રહે છે.
રાહુલ ગાંધી 2019માં કેરળના વાયનાડથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન આ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "બધા ચોરોની અટક મોદી કેમ છે?" તેમણે કથિતપણે કહ્યું હતું કે, "આ તમામ ચોરોની અટક (સરનેમ) મોદી કેમ છે?" ત્યારબાદ સુરતમાં ભાજપના પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી.
રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 અંતર્ગત મામલો દાખલ કરાયો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 499માં ગુનાહિત બદનક્ષી મામલે વધુમાં વધુ બે વર્ષની સજાની જોગવાઈ છે.
રાહુલ ગાંધીની વકીલોની ટીમે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ કોઈ પણ સમુદાયને પોતાના નિવેદનથી નારાજ કરવા માગતા નહોતા
રાહુલ ગાંધી સામે કેસ કરનાર પૂર્ણેશ મોદી કોણ છે?
પૂર્ણેશ મોદી હાલ સુરત પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય છે. બી.કૉમ અને એલએલબીની ડિગ્રી ધરાવતા પૂર્ણેશ મોદી વ્યવસાયે વકીલ પણ છે.
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ પહેલીવાર 2013માં વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજેતા થયા હતા.
જોકે, ઑગસ્ટ 2022માં તેમનું ખાતું છીનવી લેવામાં આવ્યું. 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે જીતીને આવ્યા, પરંતુ ભૂપેન્દ્ર પટેલના નેૃતૃત્વની બીજી સરકારમાં તેમને કોઈ મંત્રીપદું આપવામાં નહોતું આવ્યું.
રાહુલ ગાંધીના મોદી સરનેમ બદનક્ષી કેસની સુનાવણી દરમિયાન પૂર્ણેશ મોદીની અટક વિશે પણ પ્રશ્ન ઊઠ્યો હતો.
રાહુલ ગાંધી તરફથી બચાવ પક્ષના વકીલ કિરીટ પાનવાલાએ દલીલ કરી હતી કે પૂર્ણેશ મોદીની અટક મોદી નહીં પરંતુ ભૂતવાલા છે, આથી જે પ્રકારે તેઓ કહે છે કે રાહુલ ગાંધીએ તેમનું અપમાન કર્યું છે તે દલીલ ખોટી છે.
પૂર્ણેશ મોદીના મિત્ર અને રાજકીય ટેકેદાર અશોક ગોહિલે કહ્યું હતું કે, "તેમના વડવાઓ સુરતની ભૂત શેરીમાં રહેતા હતા એટલે તેમના વડવાની અટક ભૂતવાલા હતી. તેમના બર્થ સર્ટિફિકેટમાં પણ તેમની અટક ભૂતવાલા જ હતી, પરંતુ તેમણે ત્યારબાદ અટક બદલાવીને મોદી કરી."
તેઓ જ્યારે મંત્રી હતા, ત્યારે ચોમાસા દરમિયાન રોડ-રસ્તા તૂટી ગયા ત્યારે તેમણે વિવાદિત નિવેદન કર્યાં હતાં કે ચોમાસામાં રસ્તાઓ તૂટી જવા એ સામાન્ય બાબત છે.
તેમણે કહ્યું હતું કે "ડામર અને પાણી વચ્ચે બનતું નથી, તેથી રસ્તાઓ તૂટી જાય છે અને મીડિયાએ તેને વધારે પડતું ન ચગાવવું જોઈએ." આ નિવેદન બાદ વિવાદ થયો હતો.
ઉપરાંત વ્યક્તિગત ઍપ બનાવીને પોતાની લોકપ્રિયતા વધારવાની કોશિશ કરતા હોવાના આરોપો પણ લાગ્યા હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો