You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કિરણ પટેલના સાત દિવસ રિમાન્ડ મંજૂર, 15 એપ્રિલે ફરી રજૂ કરાશે
પીએમઓના નકલી ઑફિસર બનીને જમ્મુ કાશ્મીરમાં સરકારી સુવિધાઓના જલસા કરનારા ઠગ કિરણ પટેલને ટ્રાન્સફર વૉરન્ટથી કબજો મેળવીને અમદાવાદ લાવવામાં આવ્યો છે.
અમદાવાદમાં રાજકીય નેતા જવાહર ચાવડાના મોટા ભાઈ જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવાના કેસમાં તેને આજે બપોરે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે યોજેલી પત્રકારપરિષદમાં જણાવ્યું કે આ કેસમાં કિરણ પટેલના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવશે. જેમાં તેણે આચરેલા અન્ય ગુના, બંગલો કેવી રીતે પચાવ્યો? તેના માટે રજૂ કરેલા પુરાવાઓ સાચા હતા કે કેમ? અને ફરિયાદી પાસેથી લીધેલા પૈસાનું શું કર્યું? વગેરે જેવી બાબતોની પૂછપરછ કરવામાં આવશે.
ડીસીપી માંડલિકે મીડિયાને જણાવ્યું, "કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં જુદીજુદી જગ્યાએ કુલ પાંચ કેસ નોંધાયા છે, પણ આ ધરપકડ અમદાવાદમાં વર્ષ 2023ની શરૂઆતમાં નોંધાયેલ બંગલો પચાવી પાડવાના કેસમાં કરવામાં આવી છે."
તેમણે આગળ કહ્યું, "આ કેસમાં સહઆરોપી તેમની પત્ની માલિનીબહેન પટેલની અગાઉથી ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછમાં સામે આવેલી માહિતીની કિરણ પટેલને સામે રાખીને ઊલટતપાસ કરવામાં આવશે."
ડીસીપી માંડલિકે એમ પણ કહ્યું હતું કે માલિની પટેલની પૂછપરછમાં તેમણે કહ્યું હતું કે મુખ્ય ભૂમિકા કિરણ પટેલની જ હતી. આ સાથે પોલીસ કિરણ પટેલે ખોટી રાજકીય વગ રજૂ કરવા માટે જે પુરાવાઓ આપ્યા હતા તેની પણ તપાસ કરવાની હોવાનું જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લડાયક વિમાન સુખોઈ-30માં ભરી ઉડાન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે લડાયક વિમાન સુખોઈ-30માં ઊડાણ ભરી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રાષ્ટ્રપતિ મુર્મૂએ આસામનાં તેજપુર ઍરફોર્સ સ્ટેશન પરથી આ ઉડાણ ભરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનાં પહેલાં ભારતનાં ઘણા રાષ્ટ્રપતિઓ આ વિમાનની ઉડાણ ભરી ચૂક્યાં છે. જેમાં ડૉ. એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ અને રામનાથ કોવિંદનો સમાવેશ થાય છે.
તેઓ જ્યારે સવારે તેજપુર ઍરફોર્સ સ્ટેશન પહોંચ્યા, ત્યારે તેમનું ગાર્ડ ઑફ ઑનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ મુર્મૂ આસામની ત્રણ દિવસીય મુલાકાત પર ગુરુવારે ત્યાં પહોંચ્યાં હતાં.
આ દરમિયાન તેમણે કાઝીરંગા નેશનલ પાર્કમાં ગજ મહોત્સવનું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે ગુવાહાટી હાઈકોર્ટના 75 વર્ષ પૂર્ણ થવાના એક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.
પોર્નસ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સે કહ્યું, "ટ્રમ્પને જેલ ન થવી જોઈએ"
અમેરિકન પોર્નસ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સે કહ્યું છે કે તેમને પૈસા આપવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને જેલ ન મોકલવા જોઈએ.
તેમણે કહ્યું, "મને નથી લાગતું મારી સામે તેમણે કરેલો અપરાધ તેમને જેલ મોકલવા લાયક છે."
સાથે જ આગામી સુનાવણીમાં જો તેમને નિવેદન આપવા માટે બોલાવવામાં આવે તો કોર્ટમાં જવાની તૈયારી પણ દર્શાવી હતી.
તેમણે કહ્યું, "આ પડકારજનક છે પણ હું આશાસ્પદ છું. મારી પાસે સંતાડવા માટે કંઈ નથી. હું એકલી છું જે શરૂઆતથી સત્ય બોલતી આવી છું."
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર સ્ટૉર્મી ડેનિયલ્સને તેમના સંબંધ વિશે મૌન રહેવા બદલ 1.30 લાખ ડૉલર પોતાના વકીલ મારફતે આપ્યા બાદ એ રકમને વકીલને અપાયેલી કાનૂની ફી તરીકે પોતાના બિઝનેસ એકાઉન્ટમાં દર્શાવવાનો આરોપ છે. આ આરોપમાં ચાર વર્ષની જેલની સજા થઈ શકે છે.
કથિત રીતે પોતાના અફેરની વાત જાહેર ન કરવા માટે આ ચુકવણી ટ્રમ્પે કરી હતી.
ગુજરાત : 25 વર્ષે બે ઉમેદવારોને ખબર પડી કે તેઓ GPSC પાસ છે, તો પણ નોકરી કેમ ન મળી?
25 વર્ષ પહેલાં જીપીએસસી પરીક્ષા આપનારા ચાર ઉમેદવારોનાં સીલબંધ પરિણામ તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટમાં ખોલવામાં આવ્યા હતા. જેમાં ચાર પૈકી બે ઉમેદવારો પાસ થયા હોવા છતાં કોર્ટે તેમને નોકરી આપવાની ના પાડી દીધી હતી.
'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં ડેપ્યુટી ડિરેક્ટરની પોસ્ટ માટે 25 વર્ષ પહેલાં જીપીએસસી દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી.
અહેવાલ મુજબ, ડેપ્યુટી ડાયરેક્ટરની પોસ્ટ માટે વર્ષ 1997માં જાહેરાત બહાર પડી હતી. આ પરીક્ષા આપનારા ચાર ઉમેદવારો પોસ્ટ માટેની નિયત 30 વર્ષની વયમર્યાદા વટાવી ચૂક્યા હોવાથી તેમની અરજી નકારી દેવાઈ હતી.
ત્યાર પછી તેમણે 1998માં ભરતી માટેના સ્લેબને પડકારતા હાઇકોર્ટે તેમનાં પરિણામ સીલબંધ કવરમાં રાખવા આદેશ કર્યો હતો.
લગભગ બે દાયકા સુધી અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ હતી. જેના પર તાજેતરમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સુનાવણી બાદ ઍક્ટિંગ ચીફ જસ્ટિસની ખંડપીઠે સીલબંધ કવરમાં રાખવામાં આવેલા આ ચાર ઉમેદવારોનાં પરિણામ ખોલ્યા હતા. જેમાંથી બે ઉમેદવારો પાસ થયા હોવાનું સામે આવ્યું હતું.
જોકે, પોતાના આદેશમાં કોર્ટે એમ પણ કહ્યું હતું કે પાસ થયેલા ઉમેદવારો નિવૃત્તિના આરે હોવાથી તેમની નિમણૂકનો કોઈ અર્થ નથી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો