You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પ-સ્ટોર્મી વિવાદ : ન્યૂયૉર્કના મૅનહેટ્ટનમાં સુરક્ષાવ્યવસ્થા કેવી?
પોર્નસ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સને નાણાંની ચુકવણી કરવાના મામલે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ પહેલાં ન્યૂયૉર્કની મૅનહેટ્ટન કોર્ટની આસપાસ સુરક્ષાવ્યવસ્થા ચુસ્ત કરવી દેવાઈ છે.
પોતાની ધરપકડ પહેલાં ટ્રમ્પે કહ્યું હતું, "આ અમારી લોકશાહી માટે દુખદ દિવસ છે."
તેમણે એક મેઇલ મોકલ્યો છે, જેનો વિષય છે - 'ધરપકડ કરાયા પહેલાં મારો છેલ્લો મેઇલ.' તેમણે પોતાના સમર્થકોને અમેરિકાને બચાવી લેવાનું આહ્વાન કર્યું છે. આ સાથે જ ફંડરેઇસિંગ લિંક પણ શૅર કરી છે.
મેઇલમાં તેમણે ચિંતા જાહેર કરી છે કે અમેરિકા ત્રીજા વિશ્વનું માર્ક્સવાદી રાષ્ટ્ર બનવા લાગ્યું છે.
પોલીસ અનુસાર, આસપાસના મુખ્ય રસ્તાઓને જાહેર જનતા માટે બંધ કરી દેવાયા છે.
બીબીસી સંવાદદાતા બ્રેંડન ડ્રેનન વૉશિંગટન ડીસીમાં હાજર છે અને તેમણે જણાવ્યું છે કે સુરક્ષાના ઘણા ઘેરા બનાવાયા છે, જેમાં સિક્રેટ સર્વિસ, ન્યૂયૉર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ, કોર્ટના સુરક્ષાકર્મીઓ અને અમેરિકન માર્શલ સામેલ છે.
ટ્રમ્પ કયા રસ્તે કોર્ટમાં પ્રવેશ કરશે એ અંગે યોજના તૈયાર કરી લેવાઈ છે. કોર્ટની અંદર ફિંગરપ્રિન્ટ લેવાની તૈયાર થઈ ચૂકી છે.
આ એ જ કોર્ટ છે જ્યાં બર્નાર્ડ મૈડૉઉ, જેફ્રી એપસ્ટીન અને હાર્વે વીનસ્ટીન જેવા કેટલાક હાઇપ્રોફાઇલ સેલિબ્રિટી પર ખટલો ચલાવાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિક્કીમમાં હિમપ્રપાત : ઓછામાં ઓછા સાત લોકોનાં મૃત્યુ, કેટલાય ઘાયલ
સિક્કીમમાં હિમપ્રપાત થતાં ઓછામાં ઓછા સાત લોકોનાં મૃત્યુ થયાં હોવાનું સમાચાર સંસ્થા એએનઆઈ જણાવી રહી છે. ભારતીય સેનાને ટાંકીને સમાચાર સંસ્થા જણાવે છે કે ગંગટોક-નાથુ લા રોડ પર ઘટેલી આ ઘટનામાં અત્યાર સુધી 27 લોકોને બચાવી લેવાયા છે.
ગૃહમંત્રી અમિત શાહે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું છે, "સમગ્ર સ્થિતિ પર અમારી નજર છે. પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ જલદી પહોંચી જશે. આ ઘટનામાં જે ઘાયલ થયા છે, એના જલદી સાજા થવાની કામના કરું છું."
સમાચાર સંસ્થા રૉયટર્સ સેના તરફથી અપાયેલી જાણકારીને ટાંકીને જણાવે છે કે 30 પ્રવસાીઓ સાથે પાંચથી છ વાહનો જ્યાર નાથુ લા જઈ રહ્યાં હતાં ત્યારે લગભગ 11.30 વાગ્યે હિમપ્રપાત થયો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારી તેજિંગ લેચપા અનુસાર "કેટલા લોકો દબાયેલા છે એની પૂરતી માહિતી અમારી પાસે નથી. 17 લોકોને બચાવી લેવાયા છે. એમાંથી આઠ લોકોની સ્થિતિ ગંભીર છે."
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના જણાવ્યા અનુસાર હાલમાં બચાવ-અભિયાન ચાલુ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અખબારને જણાવ્યું કે હિમપ્રપાતને લીધે માર્ગ બંધ થઈ જવાતાં લગભગ 80 વાહનો અને 350 લોકો ફસાઈ ગયાં હતાં, જેમને પરત લવાયાં છે.
નોંધનીય છે કે નાથુલા પાસ ભારત અને ચીનની સરહદ પર સ્થિત છે અને એના નૈસર્ગિક સૌંદર્યને લીધે મોટા પ્રમાણમાં પ્રવાસીઓને આકર્ષે છે.
ભાવનગર યુનિવર્સિટીમાં પેપરલીક મામલામાં યુવરાજસિંહે શું કહ્યું?
ભાવનગર સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં (એમકેબીયુમાં) બી.કોમ.ની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટનામાં પોલીસે એક કૉલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલની અટકાયત કરી છે. હવે આ મામલે રાજકીય આક્ષેપ થઈ રહ્યા છે.
એવા આરોપ કરાયા છે કે એમકેબીયુ સાથે સંલગ્ન કૉલેજ જી. એલ. કાકડિયા કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ મૅનેજમૅન્ટના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણીના મોબાઇલમાંથી કથિત રીતે આ પેપર વાઇરલ થયું હતું.
એમ.કે બી.યુના બીકોમના સેમેસ્ટર 6ના પેપર લીક મામલે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે કમિટીની બેઠક રાખવામાં આવી હતી.
આ બેઠક બાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. મહેશ ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું હતું કે, "પેપર લીકની ઘટનામાં જવાબદાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવશે."
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, "પેપર લીકના મુખ્ય સૂત્રધાર અને આરોપી એવા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણીની શિક્ષક તરીકેની માન્યતા રદ કરવામાં આવશે. તેમજ કૉલેજનું પરીક્ષાકેન્દ્ર પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે."
તેઓએ એમ પણ કહ્યું હતું કે, "પોલીસના રિપોર્ટના આધારે કેટલા વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત થયા છે, તે જાણ્યા બાદ પરીક્ષા રદ કરવી કે કેમ તે નિર્ણય કરવામાં આવશે અને કૉલેજની માન્યતા રદ કરવા સર્વોચ્ચ સત્તામંડળ પાસે માગ પણ કરવામાં આવી છે."
આ મામલામાં વિવેક મકવાણા નામની વ્યક્તિની સંડોવણી હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. જે મામલે પોલીસ હજી તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા જાણવા જોગ ફરિયાદ લઈ કાર્યવાહી કરાઈ રહી છે.
અમિત ગલાણી કૉલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હોવાની સાથે સાથે જ તેઓ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરે છે.
આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નેતા યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે, "મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટીમાં પેપર લીક થવાની ઘટના ઘટી હતી."
યુવરાજસિંહે એવો પણ દાવો કર્યો છે કે "આ પેપર કૉલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી દ્વારા વાઇરલ કરવામાં આવ્યું હતું."
તેમણે વધુમાં કહ્યું હતું કે, "અમિત ગલાણીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે પેપરનો ફોટો મારા મોબાઇલમાં પાડવામાં આવ્યો છે, પણ એ ફોટો વિદ્યાર્થીએ વાઇરલ કરેલો છે. તેમણે વિવેક મકવાણા નામના વ્યક્તિનું નામ પણ આપ્યું છે."
જોકે આ મામલે હજી પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટર પી. ડી. પરમારે જણાવ્યું હતું કે, "અમિત ગલાણીની પૂછપરછ ચાલી રહી છે."
મોરબી પુલ દુર્ઘટના : જયસુખ પટેલને ફરી હૉસ્પિટલ કેમ લઈ જવા પડ્યા?
મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ 30મી ઑક્ટોબરે તૂટી પડ્યો અને એમાં 135 લોકોનાં મૃત્યુ થયાં, આ કેસમાં ઓરેવા ગ્રૂપના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યા બાદ જાન્યુઆરી મહિનાથી જેલમાં છે.
જયસુખ પટેલને પહેલી એપ્રિલે હાઈ બ્લડ પ્રૅશરના કારણે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મોરબીની જેએમઈઆરએસ હૉસ્પિટલમાં તેમને ચેકઅપ માટે ત્રણ દિવસમાં બીજી વખત લઈ જવાયા હતા. ધ ઇન્ડિયન ઍક્સ્પ્રેસના અહેવાલ પ્રમાણે તેમને મનોચિકિત્સા વિભાગમાં જવાની સલાહ આપવામાં આવી હતી. જ્યાં તેમના ટેસ્ટ કરાયા હતા અને 45 મિનિટનું કાઉન્સેલિંગ અપાયું હતું.
આ અંગે હૉસ્પિટલના સુપરિન્ડેન્ડન્ટે ખરાઈ પણ કરી હતી.
'મંદિરોનું સંચાલન સરકાર બંધ કરે' અમદાવાદમાં હિંદુ ધર્માચાર્યો શું બોલ્યા?
દેશભરના હિંદુ ધર્માચાર્યોની સભા સોમવારે અમદાવાદમાં યોજાઈ હતી, જેને હિંદુ ધર્માચાર્ય સભા નામ આપવામાં આવ્યું હતું. ધ ઇન્ડિયન ઍક્સ્પ્રેસના અહેવાલ પ્રમાણે આ સભામાં દેશના ગૃહમંત્રી અમિત શાહ અને આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા.આ સભામાં સરકાર સમક્ષ કેટલી માગણી મૂકવામાં આવી હતી, જેમાં 'મંદિરોનું સંચાલન સરકાર ન કરે' એવી પણ માગ કરાઈ હતી. હિંદુ ધર્માચાર્ય સભાએ જાહેર કરેલી પ્રેસ રિલીઝ પ્રમાણે આ સભામાં 'હિંદુ સમુદાયના જ્વલંત પ્રશ્નો' અંગે ચર્ચા થઈ હતી.તેમણે એવી લાગણી પણ વ્યક્ત કરી હતી કે સોશિયલ મીડિયા અને ઓટીટી પરની સામગ્રી સનાતન ધર્મ અંગે ખોટી માહિતી ફેલાવે છે. ધર્માચાર્યોની એવી પણ માગ છે કે હિંદુ મંદિરોમાંથી થતી આવકનો ઉપયોગ 'હિંદુઓને લગતાં કાર્યો'માં જ થવો જોઈએ.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો