આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ: રસાકસીવાળી સેમિફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતની 5 રને હાર

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ટી-20 વર્લ્ડકપમાં પહેલી સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને પાંચ રનથી હરાવી દીધું છે. 173 રનનો પીછો કરતી ભારતીય ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ પર 167 રન બનાવી શકી હતી.

સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને 20 ઓવરમાં 4 વિકેટે 172 ફટકાર્યા હતા.

આ મૅચ કેપ ટાઉનના ન્યૂલૅન્ડ્ઝના સ્ટેડિયમમાં રમાઈ હતી, આગામી તમામ મૅચ પણ આ મેદાનમાં જ રમાશે.

ટી-20 વર્લ્ડકપની આ પહેલી સેમિફાઇનલ મૅચ હતી. રાધા યાદવે ભારતને પહેલી વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી.

રાધાએ એલિસ્સા હેલીને આઉટ કર્યાં હતાં. હેલી આગળ આવીને ફટકારવા જતા વિકેટકીપરના સ્ટંપિંગનો ભોગ બન્યાં હતાં. હેલીએ 26 બૉલમાં 25 રન બનાવ્યા હતા.

જોકે ઑસ્ટેલિયાની પહેલી વિકેટ વચ્ચે અર્ધ શતકીય ભાગીદારી નોંધાઈ હતી. પહેલી વિકેટ 7.3 ઓવરે 52 રન પર પડી હતી.

ત્યારબાદ બેથ મૂની ખતરનાક ફૉર્મમાં જોવાં મળ્યાં હતાં. તેમણે 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. તેઓ 37 બૉલમાં 54 રન બનાવીને આઉટ થયાં હતાં.

મૂનીની વિકેટ શિખા પાંડેયે લીધી હતી.

ત્યારબાદ કપ્તાન લેનિંગ અને ગાર્ડનર વચ્ચે ઝડપી રનની ભાગીદારી નોંધાઈ. ત્રીજી વિકેટ 142 રન પર પડી.

બંને વચ્ચે 36 બૉલમાં 53 રનની ભાગીદારી નોંધાઈ અને ગાર્ડનર 18 બૉલમાં 31 રન બનાવીને દીપ્તિ શર્માનાં હાથે બૉલ્ડ આઉટ થયાં.

ઑસ્ટ્રેલિયન કપ્તાન લેનિંગે 34 બૉલમાં 49 રનની અણનમ ઈનિંગ રમી હતી.

ખરાબ શરૂઆત

ભારતની ઈનિંગની શરૂઆત જ ઘણી ખરાબ રહી હતી અને એક તબક્કે માત્ર 28 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી.

ઑપનર શફાલી વર્મા 6 બૉલમાં 9 રન બનાવીને આઉટ થયાં હતાં જ્યારે સ્મૃતિ મંધાના 5 બૉલમાં માત્ર 2 રન બનાવીને આઉટ થયાં હતાં.

ત્રીજા ક્રમે આવેલા યસ્તિકા ભાટિયા 4 રન પર રન-આઉટ થયાં હતાં.

જોકે ત્યારબાદ જેમિમા રોડ્રિગ્સ અને હરમનપ્રીતકોર દબાણમાં આવ્યાં વગર રમતને આગળ વધારી હતી.

સાથે સાથે તેમણે 31 બૉલમાં 50 રનની પાર્ટનરશીપ કરી લીધી હતી.

જેમિમાએ ગત વર્ષે એશિયા કપની ફાઇનલમાં જે પ્રકારે શૉટ રમીને જીત અપાવી હતી તેવા જ કેટલાક આકર્ષક શૉટ આ મૅચમાં પણ ફટકાર્યા હતા.

જોકે ત્યારબાદ એક બાઉન્સર પ્રકારના બૉલના રમવાના પ્રયાસમાં જેમિમા વિકેટકીપરને કૅચ આપી બેઠાં હતાં. તેમણે 6 ચોગ્ગા સાથે 24 બૉલમાં 43 રન ફટકાર્યા હતા.

ત્યારબાદ હરમનપ્રીતકોરે બાજી સંભાળી. તેમણે આક્રમક રમત ચાલુ રાખી અને 31 બૉલમાં અર્ધશતક પૂરું કર્યું. જોકે તેઓ 34 બૉલમાં 52 રન બનાવીને રનઆઉટ થયાં હતાં.

આ સાથે જ ભારતની જીતની આશા ઘણી ધૂંધળી થઈ ગઈ હતી.

પરંતુ ત્યારબાદ રિચા ઘોષ અને દીપ્તિ શર્માએ મૅચને જીત સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. રિચાએ 17 બૉલમાં 14 અને દીપ્તિએ 17 બૉલમાં અણનમ 20 રન ફટકાર્યા હતા.

પરંતુ સમયાંતરે વિકેટ પડતા આખરે મૅચ ઑસ્ટ્રેલિયાના પક્ષમાં ગઈ હતી. નિર્ધારિત 20 ઓવરમાં ભારત 8 વિકેટે 167 રન નોંધાવી શક્યું હતું.

બીજી સેમિફાઇનલ ઇંગ્લૅન્ડ અને યજમાન દેશ દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે 24 ફેબ્રુઆરીએ રમાશે. જ્યારે ફાઇનલ મૅચ 26 ફેબ્રુઆરીએ રમાશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો