'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'માં દયાભાભીનું પાત્ર ભજવી ચૂકેલાં 'દિશા વાકાણી'ને કૅન્સર હોવાની વાત અફવા છે? - પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત

'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'માં દયાભાભીનું મુખ્ય પાત્ર ભજવનાર દિશા વાકાણીને કૅન્સર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દિશા વાકાણીને ગળાનું કૅન્સર થયું છે.

'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'માં દયાભાભીના ભાઈની ભૂમિકા ભજવનાર સુંદરલાલે અને દિશા વાકાણીના સગા ભાઈ મયૂર વાકાણીએ કૅન્સરના સમાચાર વિશે જણાવ્યું હતું કે, "આ રિપોર્ટ્સ સાચા નથી. દિશા એકદમ સ્વસ્થ અને સારાં છે. તેમને કોઈ જ બીમારી નથી, આ એક અફવા છે."

વર્ષ 2019થી દિશા વાકાણી ઉર્ફે દયાબહેનના 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'માં ફરી ઍન્ટ્રીને લઈને સવાલો પણ થઈ રહ્યા છે કે શું દિશા વાકાણી જ દયાબહેનની ભૂમિકા ભજવશે?

આ પ્રશ્નોના જવાબમાં અસિત મોદીએ બીબીસીનાં સહયોગી પત્રકાર સુપ્રિયા સોગલેને જણાવ્યું હતું કે, "અમે પણ દિશા વાકાણીને જ દયાબહેનના રૂપમાં જોવા માગીએ છે, પરંતુ હવે તેમનાં લગ્ન થઈ ગયાં છે. તેમના પરિવારમાં પુત્રનો જન્મ થયો છે. એક દીકરી હતી. હવે એક દીકરો આવ્યો એટલે આખો પરિવાર થઈ ગયો છે."

અસિત મોદીએ કહ્યું હતું કે, "જૂનાં દયાબહેન આવે એમ અમે પણ ઇચ્છીએ છીએ, પણ પરિવારની જવાબદારીના લીધે તેઓ ન આવી શકે, તો અમે બીજા દયાબહેનને શોધીશું. મને અને મારી ટીમને જે પણ મળશે તે તમામ દર્શકોને ગમશે."

એશિયા કપ : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ થાઇલૅન્ડનું સપનું તોડી ફાઇનલમાં પહોંચી

ભારતની મહિલા ક્રિકેટ ટીમે થાઇલૅન્ડને 74 રનથી હરાવી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

સેમિફાઇલની સરખામણીએ થાઇલૅન્ડ એ ટૉસ જીતીને ભારતીય ટીમને પ્રથમ બૅટિંગ આપી હતી. ભારતે નક્કી કરેલી 20 ઓવરમાં છ વિકેટ પર 148 રન બનાવ્યા.

એવું લાગી રહ્યું હતું કે ભારતને 150થી ઓછા સ્કોર કરતા અટકાવીને થાઇલૅન્ડ કોઈ ઉલટફેર ન કરી દે, પરંતુ ભારતીય બૉલરોએ શરૂઆતથી જ બૉલિંગ કરીને વિકેટ આપી હતી.

થાઇલૅન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ પર 74 રન બનાવી શકી.

ભારત તરફથી સૌથી વધુ રન શેફાલી વર્માએ બનાવ્યા હતા. ઓપનર શેફાલીએ 28 બૉલમાં 42 રન ફટકાર્યા હતા, જેમાં પાંચ ચોક્કા અને એક છગ્ગો સામેલ છે. સ્મૃતિ મંઘાનાએ 13, જેમિમા રૉડ્રિગ્સે 27 રન અને કેપ્ટન હરમનપ્રીતકૌરે 36 રન કર્યાં હતાં.

દીપ્તિ શર્માએ થાઇલૅન્ડ વિરુદ્ધ જોરદાર બૉલિંગ કરી અને બૅટર્સને રન કરવા દીધા ન હતાં. 25 વર્ષીય દીપ્તિએ 4 ઓવરમાં એક મેઇડન નાખતાં સાત રન આપ્યાં અને ત્રણ બૅટર્સને આઉટ કર્યાં હતાં.

રાજેશ્વરી ગાયકવાડે બે મહિલાઓને આઉટ કરી. રેણુકા સિંહ, સ્નેહા રાણા અને શેફાલી વર્માએ એક-એક વિકેટ લીધી.

મોંઘવારીમાં છેલ્લા પાંચ મહિનાનો સૌથી મોટો ઉછાળો નોંધાયો

સપ્ટેમ્બર 2022માં ભારતનો મોંઘવારી દર 7.41 ટકા નોંધાયો છે. કંઝ્યૂમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઈ) દ્વારા માપવામાં આવતી છૂટક મોંઘવારી ગત વર્ષની સરખામણીએ 7.41 ટકા નોંધાઈ છે.

નેશનલ સ્ટૅટિસ્ટિક ઑફિસ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલી વિગતોમાં જણાવવામાં આવ્યું છે કે મોંઘવારીમાં આવી રહેલા ઉછાળાનું સૌથી મોટું કારણ ખાવા-પીવાની વસ્તુઓની કિંમતમાં થયેલો વધારો છે.

આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે ઊર્જા (ઈંધણ, ગૅસ, વીજળી, કોલસા)ની કિંમતોમાં આવેલી તેજીએ મોંઘવારીના દરમાં ઉમેરો કર્યો છે. સપ્ટેમ્બરમાં ખાદ્ય મોંઘવારીનો દર 8.60 ટકા નોંધાયો છે, જે ઑગસ્ટમાં 7.62 ટકા હતો. ઑગસ્ટમાં છૂટક મોંઘવારીનો દર સાત ટકાના સ્તરે હતો. એપ્રિલ બાદ મોંઘવારીનો દર સૌથી ઊંચા સ્તરે નોંધાયો છે.

મોંઘવારીને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકારે ઘણાં પગલાં લીધાં હોવાનો દાવો કર્યો છે, જેમાં ખાદ્યપદાર્થોની પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવા માટે આયાતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે સાથે રિઝર્વ બૅન્ક દ્વારા પણ વ્યાજ દરોમાં સતત વધારો થઈ રહ્યો છે. રિઝર્વ બૅન્કે મોંઘવારીને 6 ટકાથી નીચે લાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

કર્ણાટકમાં હિજાબ પર પ્રતિબંધના કેસમાં આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશો જસ્ટિસ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધૂલિયાની બૅન્ચ વર્ગખંડોમાં હિજાબ પહેરવાના અધિકાર મામલે થયેલી અરજી પર ગુરુવાર 13 ઑક્ટોબરના રોજ ચુકાદો આપશે.

કર્ણાટક હાઈકોર્ટ દ્વારા ઉડુપીની પ્રિ-યુનિવર્સિટી કૉલેજમાં અભ્યાસ કરતી મુસ્લિમ વિદ્યાર્થિનીઓની વર્ગખંડોમાં હિજાબ પહેરવાના અધિકાર મામલે થયેલી અરજીને 15 માર્ચના રોજ નામંજૂર કરી હતી.

કર્ણાટક હાઈકોર્ટના આ ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેનો ચુકાદો બૅન્ચ દ્વારા આપવામાં આવશે.

બૅન્ચ દ્વારા સરકાર અને અરજદારોની વ્યાપક દલીલો સાંભળવામાં આવી હતી અને 22 સપ્ટેમ્બરના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

કર્ણાટક હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ઇસ્લામમાં ધર્મના પાલન માટે હિજાબ પહેરવો એ ફરજિયાત નથી અને બંધારણના અનુચ્છેદ 25 હેઠળ આપવામાં આવેલી ધાર્મિક સ્વંતત્રતા પણ વાજબી નિયંત્રણોને અધીન છે. જેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ હતી.

કેન્દ્ર સરકાર કંડલામાં બનાવશે બે નવા પોર્ટ ટર્મિનલ

કેન્દ્ર સરકારે કચ્છના કંડલા ખાતે આવેલા દીનદયાલ પોર્ટ પર બે નવા પોર્ટ ટર્મિનલ બનાવવા માટેની મંજૂરી આપી છે.

બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કચ્છના ટુના ટેકરામાં અંદાજે રૂ. 5,963 કરોડના ખર્ચે બનનારા કંટેનર ટર્મિનલના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

આ પ્રસ્તાવિત કન્ટેનર ટર્મિનલ અને મલ્ટી-પર્પઝ કાર્ગો બર્થને દીનદયાલ પોર્ટ ઑથોરિટી (જે અગાઉ કંડલા પોર્ટ ટ્રસ્ટ તરીકે ઓળખાતી હતી) દ્વારા બીઓટી (બિલ્ડ-ઑપરેટ-ટ્રાન્સફર)ના ધોરણે વિકસાવવામાં આવશે.

આ ટર્મિનલ પર 14 થી 18 મીટરનો ડ્રાફ્ટ ધરાવતા 6000 ટીઈયુસ (ટ્વેન્ટી - ફૂટ ઇક્વિવેલન્ટ યુનિટ્સ) થી 21000 ટીઈયુસની ક્ષમતા ધરાવતા જહાજોનો સમાવેશ થઈ શકશે. આ ટર્મિનલનો અંદાજિત ખર્ચ રૂ. 4,243.64 કરોડ થશે અને તેની માલસામાન વહન કરવાની ક્ષમતા 2.19 મિલિયન ટીઈયુસ હશે. આ ટર્મિનલ પર કન્ટેનરના સંગ્રહ માટે 54.20 હેક્ટર્સનો વિસ્તાર પણ હશે.

આ ટર્મિનલનો ઉપયોગ અનાજ, ખાતર, કોલસો, ખનીજો, સ્ટીલ કાર્ગો જેવા વિવિધ પ્રકારના માલસામાન માટે કરવામાં આવશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો