You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : નિર્માણાધીન ઇમારતમાં દુર્ઘટના, સાત શ્રમિકોનાં મૃત્યુ
અમદાવાદના યુનિવર્સિટી-પાંજરાપોળ રોડ પર આવેલી એક નિર્માણાધિન ઇમારતમાં કાચો માલ લાવવા-લઈ જવા માટે વપરાતી લિફ્ટ તૂટી પડતાં સાત લોકોનાં નીચે પટકાતાં મૃત્યુ થયાં છે.
અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં યુનિવર્સિટી રૉડ પર આવેલા એસ્પાયર-2 બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની છે.
આસપાસમાં રહેતા અને કામ કરતા લોકોનું કહેવું છે કે તે સમયે સાતમા માળેથી આઠેક લોકો નીચે પટકાયા હતા.
આ બધા જ લોકો ઇમારતનિર્માણનું કામ કરતા શ્રમિકો હોવાનું જ જાણવા મળ્યું છે.
જોકે, સ્થળ પર આવી પહોંચેલા ફાયર-બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે આ ઇમારત બનાવી રહેલા બિલ્ડર દ્વારા દુર્ઘટના અંગે કોઈ જાણકારી આપવામાં આવી નહોતી.
તેઓને સમાચાર માધ્યમથી જાણ થયા બાદ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા.
અમદાવાદના ડૅપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે દુર્ઘટનાની જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ઘટનામાં બેદરકારી દાખવવામાં આવી છે કે કેમ એ અંગેની તપાસ કરવાનું અને બાદમાં જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવાની તેમણે બાંહેધરી તેમણે આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ ઘટનામાં હાલ મૃતાંક કેટલો છે અને ઇજાગ્રસ્તોને ક્યાં સારવાર અપાઈ રહી છે એ અંગે તેમણે કોઈ પણ પ્રકારની માહિતી હોવાનો ઇન્કાર કર્યો હતો.
નવરંગપુરાના કૉર્પોરેટર નીરવ કવિ પણ સ્થળ પર પહોંચ્યા હતા.
તેમણે મીડિયાને જણાવ્યું કે આ ઘટના સવારે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે ઘટી હતી. જોકે, ઘટનામાં ઇજાગ્રસ્તો કે મૃતકોના ચોક્કસ આંક અંગે કોઈ જ અંદાજ ન હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
અધિકારીઓએ શું કહ્યું?
ઘટનાસ્થળે હાજર ડિવિઝનલ ફાયર ઑફિસર ઇનાયત શેખે બીબીસી સંવાદદાત તેજસ વૈદ્ય સાથે વાત કરતા કહ્યું, "અકસ્માતનો અમારા ઉપર સીધો કૉલ નથી આવ્યો, અમને મીડિયા દ્વારા જાણકારી મળી હતી કે અંહી લિફ્ટ ક્રૅશ થતા સાત મજૂરોનાં મૃત્યુ થયાં છે. અમે આવીને તપાસ કરી તો 13મા માળે લિફ્ટવેલનું ઉપરનું ધાબુ તૂટી પડતા આ અકસ્માત થયો હોય એવું જણાય છે."
તેઓ ઉમેરે છે, "હાલમાં સોલા સિવિલ ખાતે પાંચ મજૂરો અને ત્રણ મજૂરોને એસવીપીમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં સાત મજૂરોનું મૃત્યુ થયું હોવાનું અને એક મજૂરની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે."
ઇનાયત શેખ કહે છે કે બિલ્ડર દ્વારા કે બાંધકામ સ્ટાફ દ્વારા ઘટનાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી નથી.
સ્થાનિક ધારાસભ્ય, મેયર સહિતના અગ્રણીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. એવામાં બાંધકામ શ્રમિકોના અધિકારો માટે કામ કરતા વિપુલ પંડ્યા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું, "સરકાર કાયમથી શ્રમિકો પ્રત્યે બેદરકાર રહેતી આવી છે તેનું આ એક ઉદાહરણ છે. કારણ કે બિલ્ડિંગ બનાવવાના 60 દિવસ અગાઉ સુરક્ષા સહિતની તકેદારી માટેની વિગતો ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના ડાયરેક્ટરને મોકલવાની હોય છે. શ્રમિકોના મોત થાય છે ત્યારે જ તંત્ર દોડે છે. વૈષ્ણોદેવી, ત્રાગડ, બોપલ.. તમે ગમે તે વિસ્તારમાં જાવ દરેક જગ્યાએ આ જ સ્થિત જોવા મળશે."
"વર્ષોથી અમે તંત્રને કહેતા આવ્યા છીએ કે તમે બાંધકામ કામદારોની સલામતીનાં પગલાં લો, દર વર્ષે 100-150 શ્રમિકો આવી રીતે અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેમને હૅલ્મેટ આપવા, સેફ્ટી બૅલ્ટ આપવા, સેફ્ટી નેટ રાખવી વગેરે તમામ કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન થાય છે."
"બાંધકામ કામદારોની સલામતી અને સ્વાસ્થ્ય માટે 1996માં અલગથી કાયદો બિલ્ડિંગ ઍન્ડ ધ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રૅગ્યુલેશન ઑફ એમ્પ્લૉયમેન્ટ ઍન્ડ કન્ડિંશન ઑફ સર્વિસ ઍક્ટ અમલી છે. આ કાયદા હેઠળ સરકાર દ્વારા રાજ્યમાં 14 બીઓસીડબલ્યૂ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. સૌપ્રથમ તો બીઓસીડબલ્યૂ ઇન્સ્પેક્ટર આ દુર્ઘટના માટે જવાબદાર ઠરે છે. એમની સામે કલમ 304 હેઠળ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી કરવી જોઈએ."
અમદાવાદના મેયર કિરીટ પરમારે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે મહાનગરપાલિકામાં પ્લાન પાસ કરાવીને રજાચિઠ્ઠી મેળવી તેમાં કોઈ નીતિનિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હશે તો મહાનગરપાલિકા આકરાં પગલાં લેશે. બિલ્ડરે ઘટનાની જાણ પોલીસતંત્ર અને ફાયરબ્રિગેડને પણ ઘણી મોડી કરી હોવાનું ધ્યાને આવ્યું છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો