You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધ્ય પ્રદેશના જબલપુરમાં હૉસ્પિટલમાં ભીષણ આગ, આઠનાં મૃત્યુની પુષ્ટિ - પ્રેસ રિવ્યૂ
મમધ્ય પ્રદેશના જબલપુરમાં એક ખાનગી હૉસ્પિટલમાં ન્યૂ લાઇફ મલ્ટીસ્પેશિયાલિટીમાં સોમવારે આગ લાગી ગઈ હતી જેમાં અત્યાર સુધી આઠ લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
લગભગ એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો ચે.
સૂચના મળતા જ ફાયર બ્રિગેડ પહોંચી ગઈ હતી પરંતુ તેની પહેલાં હૉસ્પિટલમાં આગ લાગી ગઈ હતી. જબલપુરના પોલીસ અધીક્ષક સિદ્ધાર્થ બહુગુણાએ આઠ લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી હતી.
મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મૃત્યુ પામનાર ચાર લોકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
ગુજરાતમાં ફરીથી કોરોનાનો કેર, જુલાઈ માસમાં 24 મૃત્યુ નોંધાયાં
ગુજરાતમાં જૂન મહિનામાં માત્ર બે લોકોનાં કોરોનાથી મૃત્યુ થયાં હતાં. એની સરખામણીએ જુલાઈ મહિનામાં દર અઠવાડિયે સરેરાશ છ લોકોનાં મૃત્યુ નોંધાયાં છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, જૂન મહિનાની સરખામણીએ જુલાઈમાં કોરોના કેસમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. જૂન મહિનામાં ગુજરાતમાં 6,828 કોરોના કેસ નોંધાયા હતા. તેની સામે જુલાઈમાં 22,199 કેસ નોંધાયા છે.
રાજ્યના આરોગ્ય વિભાગના વિશ્લેષણ મુજબ બે તૃતીયાંશ મૃત્યુ 60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓનાં હતાં. 26 ટકા દર્દીઓએ વૅક્સિન લીધી ન હતી. જોકે, 74 ટકા દર્દીઓએ વૅક્સિનના બંને ડોઝ લીધા હતા.
60 ટકા મૃત્યુ હૉસ્પિટલાઇઝેશનના પ્રથમ ત્રણ દિવસમાં નોંધાયાં હતાં. જ્યારે 20 ટકા મૃત્યુ હૉસ્પિટલાઇઝેશનના ચોવીસ કલાકમાં જ નોંધાયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્લેષણ અનુસાર, મૃતકોમાંથી મોટા ભાગના લોકો કો-મૉર્બિડિટી ધરાવતા હતા અને એક પણ દર્દી એવું નહોતું જેણે વૅક્સિનનો માત્ર એક ડોઝ મેળવ્યો હોય. દર્દીઓએ સંપૂર્ણપણે વૅક્સિનેટેડ હતા અથવા તો એક પણ ડોઝ લીધેલો ન હતો.
સ્મૃતિ ઈરાનીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યુ હોવાનો કૉંગ્રેસનો દાવો
કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક ચિઠ્ઠી લથીને માગ કરી છે કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ 'બિનશરતી માફી' માગવી જોઇએ.
તેમનો આરોપ છે કે ઈરાનીએ બૂમો પાડીને રાષ્ટ્રપતિનું નામ લીધું અને તેમના નામ આગળ માનવાચક શબ્દો જેવા કે 'રાષ્ટ્રપતિ કે મૅડમ' નો ઉપયોગ ન કર્યો.
ચિઠ્ઠીમાં ચૌધરીએ લખ્યું છે કે તેમની એક ભૂલના કારણે રાષ્ટ્રપતિને 'બિનજરૂરી વિવાદ'માં લાવવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું, "મારું હિન્દી સારું નથી. તેથી ભૂલ થઈ હઈ. મને એ વાતનો ખેદ છે અને માનનીય રાષ્ટ્રપતિની માફી માગી."
જોકે, તેમણે કહ્યું કે જે રીતે કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રપતિનું નામ લીધું, એ બિલકુલ અયોગ્ય હતું અને તે રાષ્ટ્રપતિની ગરિમા વિરુદ્ધ હતું.
ચૌધરીએ કહ્યું, "તેઓ વારંવાર માત્ર દ્રૌપદી મુર્મૂ કહી રહ્યાં હતાં. માનનીય રાષ્ટ્રપતિ, મૅડમ કે શ્રીમતી જેવા માનવાચક શબ્દોનો ઉપયોગ કર્યો ન હતો. આ સ્પષ્ટપણે રાષ્ટ્રપતિ કાર્યાલયની ગરિમાને લાંછનરૂપ છે."
ગયા અઠવાડિયે 'રાષ્ટ્રપત્ની' શબ્દના ઉપયોગને લઇને ચૌધરીને ભાજપે ઘેર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં તેમના પર રાષ્ટ્રપતિનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. ચૌધરીએ આ વિશે રાષ્ટ્રપતિની માફી પણ માગી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ શા માટે પોતાના લોકોને ડોનબાસ છોડવા કહ્યું?
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ શનિવારે રાત્રે એક આદેશ જાહેર કરીને પૂર્વ દૉનેત્સ્કમાં યુક્રેનના કબજાવાળા વિસ્તારમાં રહેનારા તમામ લોકોને વિસ્તાર ખાલી કરવા કહ્યું હતું.
શનિવારે મોડી રાત્રે એક વીડિયો જાહેર કરીને તેમણે કહ્યું કે ડોનબાસ વિસ્તારમાં રહેનારા લોકોએ જલદી જ વિસ્તાર છોડી દેવો જોઈએ.
તેમણે કહ્યું, "દૉનેત્સ્ક વિસ્તારમાં ભારે યુદ્ધ ચાલી રહ્યું છે અને અહીં પણ હજારો લોકો પોતાના પરિવાર તેમજ બાળકો સાથે રહી રહ્યા છે. કેટલાક લોકો અહીંથી જવા માગતા નથી પરંતુ ક્યારેક તો અહીંથી બહાર નીકળવાનો નિર્ણય લેવો પડશે. દૉનેત્સ્ક વિસ્તારમાં જેટલું જલદી બહાર નીકળશો, રશિયન સૈનિકો એટલા ઓછા લોકોને મારી શકશે."
યુક્રેનની સરકારના અનુમાન મુજબ, દૉનેત્સ્કના મોટા ભાગ પર પહેલાંથી રશિયાનો કબજો છે.
આ પહેલી વખત નથી કે જ્યારે યુક્રેનિયન સરકારે કોઈ વિસ્તારમાંથી લોકોને નીકળવાના આદેશ આપ્યા હોય. આ પહેલાં રાષ્ટ્રપતિએ મારિયુપોલ, ખેરસોન અને ઝપોરઝઝિયામાંથી લોકોને બહાર નીકળવાનું કહ્યું હતું.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો