અગ્નિપથ : હવે 'અગ્નિવીરો' માટે સરકારે અનામતની જાહેરાત કરી, શું છે સેનામાં ભરતીની યોજનામાં નવા ફેરફાર? - પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતીય સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથની સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને શાંત કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે શનિવારના કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા છે.

સરકારે કહ્યું છે કે આસામ રાઇફલ્સ સહિત કેટલાક અર્ધસૈનિક દળો (કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો)માં થનારી ભરતીઓમાં 10 ટકા બેઠકો અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષની સેવા પૂરી કરનાર અગ્નિવીરો માટે અનામત રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યાલયના ટ્વિટર હૅન્ડલથી આ વિશે કેટલાક ટ્વીટ કરવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયે આ સિવાય કેટલાક દળોમાં ભરતીય માટે પહેલેથી નક્કી વયસીમામાં અગ્નિવીરોને ત્રણ વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

જોકે અગ્નિપથ યોજનાના પ્રથમ બૅચ માટે વયની છૂટની આ સીમા પાંચ વર્ષની થઈ જશે.

NCERTએ પુસ્તકોમાંથી ગુજરાત રમખાણો અને મુઘલ દરબારની વિગતો પડતી મૂકી

ટ્રિબ્યૂન ડૉટ કૉમના એક અહેવાલ પ્રમાણે NCERT દ્વારા ધો. 12ના પાઠ્યપુસ્તકોમાંથી ગુજરાત રમખાણો, કટોકટી, શીતયુદ્ધ, નક્સલવાદી ચળવળ અને મુઘલ દરબારની વિગતો પડતી મૂકાઈ છે.

અભ્યાસક્રમને વધુ તર્કસંગત બનાવવાનું માહિતીનું રિપીટેશન અને બિનજરૂરી વિગતો હઠાવવાનું કારણ આગળ ધરી આ ફેરફાર કરાયો હોવાના અહેવાલ છે.

નોંધનીય છે કે આ અંગે ચર્ચા આ વર્ષે એપ્રિલ માસમાં શરૂ થઈ હતી. જ્યારે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશને પોતાના અભ્યાસક્રમને તર્કસંગત બનાવવાની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે CBSE સિવાય ઘણાં રાજ્ય બોર્ડ દ્વારા NCERTનાં પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરાય છે.

સરકારી અધિકારીને ભાજપપ્રમુખ પાટીલ બનીને ફોન કરનાર સામે FIR

ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક વ્યક્તિ સામે માર્ગ અને બાંધકામ વિભાગના અધિકારીને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ બનીને ફોન કરવા બદલ FIR નોંધાઈ છે.

FIRમાં આરોપીની ઓળખ દર્શાવાઈ નથી. આરોપી સામે IPCની કલમ 186 (સરકારી અધિકારીની ફરજમાં હસ્તક્ષેપ) IT ઍક્ટની કલમ 66 (c) (ખોટી ઓળખ ધારણ કરવા બાબત) અંતર્ગત ગુનો નોંધાયો છે.

શુક્રવારે ભાજપ મીડિયા સેલના કન્વીનર યજ્ઞેશ દવેએ આ ફરિયાદ નોંધાવી હતી.

દવેએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે 16 જૂનના રોજ રાજકોટમાં માર્ગ અને બાંધકામ વિભાગના ઇજનેર એન. જી. શીલુને કોઈ વ્યક્તિએ પોતાની જાતને સી. આર. પાટીલ તરીકે ઓળખાવી ફોન કર્યો હતો. જેમાં આ વ્યક્તિએ અમરેલી ખાતે માર્ગ અને બાંધકામ વિભાગના એક કારકુન કુલદીપ આઉટસોર્સિંગ અંતર્ગત કામ કરતા લોકોની કૉન્ટેક્ટર મારફતે હેરાનગતિ કરાવે છે.

આ સમગ્ર બનાવની જાણ અધિકારીએ યજ્ઞેશ દવેને કરતાં આ મામલો સામે આવ્યો હતો.

બોરિસ જોનસન અચાનક યુક્રેન પહોંચ્યા, યુક્રેનના સૈન્યને તાલીમ આપવાની જાહેરાત કરી

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને યુક્રેનના સૈન્ય માટે પ્રશિક્ષણ કાર્યક્રમ ચલાવવાનું એલાન કર્યું છે.

તેમણે દાવો કર્યો છે કે આ પગલાથી રશિયા અને યુક્રેનના યુદ્ધનાં સમીકરણ બદલાઈ શકે છે.

આ પહેલાં શુક્રવારે બોરિસ જોનસન અચાનક કીએવ પહોંચ્યા અને ત્યાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી. આ વર્ષે ફેબ્રુઆરી માસમાં યુક્રેન પર રશિયાએ હુમલો કર્યા બાદ જોનસનની આ બીજી યુક્રેન મુલાકાત છે.

બ્રિટનના સંરક્ષણમંત્રી બેન વૉલેસે વડા પ્રધાન જોનસનના પ્રવાસને અત્યંત 'મહત્ત્વપૂર્ણ' ગણાવ્યો છે.

કીએવના પ્રવાસ પહેલાં વડા પ્રધાન જોનસને ડોનકાસ્ટરમાં નૉર્થ ઇંગ્લૅન્ડમાં પોતાના અમુક સાંસદોને સંબોધિત કરવાના હતા. પરંતુ અંતિમ સમયે આ કાર્યક્રમ રદ કરાયો.

બીજી તરફ સાંસદોના સમૂહના અધ્યક્ષ જે કબેરીએ જોનસનના આ પ્રવાસ અંગે કહ્યું કે નિશ્ચિતપણે વડા પ્રધાનની યોજનાઓ બદલાઈ શકે છે.

જણાવાઈ રહ્યું છે કે ઘણા ઘરેલુ મુદ્દાને લઈને સાંસદ વડા પ્રધાન પર દબાણ કરી રહ્યા હતા, જોકે અંતિમ સમયે આ કાર્યક્રમ રદ થવાથી ઘણા સાંસદોને નિરાશા થઈ છે.

આમ યુક્રેન યુદ્ધને લઈને બ્રિટનના વલણ પર બોરિસ જોનસનની પાર્ટીમાં હકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી છે. તેમની પાર્ટીનું માનવું છે કે તેમણે આ સંકટને સારી રીતે સંભાળ્યું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો