શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરની ડ્રગ્સ કેસમાં અટકાયત- પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત

બેંગલુરુની એક ફાઇવ સ્ટાર હૉટલમાં ગઈકાલે રાત્રે પાર્ટી દરમિયાન ડ્રગ્સનો ઉપયોગ કરવાના આરોપમાં અટકાયત કરાયેલ બોલિવૂડ અભિનેતા સિદ્ધાંત કપૂરની ધરપકડ થવા જઈ રહી છે.

ફિલ્મ અભિનેતા શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંતના બ્લડ ટેસ્ટમાં પણ ડ્રગ્સના સેવનની પુષ્ટિ થઈ છે. રવિવારે પોલીસે સિદ્ધાંતની સાથે વધુ ચાર લોકોની અટકાયત કરી હતી.

બેંગલુરુથી બીબીસી હિંદીના સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશીએ જણાવ્યું કે હૉટલમાં દરોડા દરમિયાન પોલીસે બે પૅકેટ જપ્ત કર્યાં હતાં. એક પૅકેટમાંથી એમડીએમએ ડ્રગ્સની સાત ટૅબલેટ મળી આવી હતી. પોલીસનું કહેવું છે કે ડસ્ટબિનમાંથી ગાંજો પણ મળી આવ્યો છે.

ડેપ્યુટી પોલીસ કમિશનર ડૉક્ટર ભીમશંકર એસ ગુલેડે મીડિયાને જણાવ્યું હતું, "અમે સિદ્ધાંતને અટકાયતમાં લીધો છે અને તેની ધરપકડ કરવામાં આવશે."

તે પાર્ટીમાં લગભગ 35 લોકોએ હાજરી આપી હતી અને તેમાંથી પાંચ લોકોએ ડ્રગ્સ લીધું હોવાની પુષ્ટિ થઈ છે. નશીલા પદાર્થો સામેના પોલીસ અભિયાનના ભાગરૂપે આ દરોડો પાડ્યો હતો.

ભીમાશંકર એસ ગુલેડે કહ્યું, "હું તેના (સિદ્ધાંતના) વ્યવસાય વિશે જાણતો નથી. અહીં તે ડીજે તરીકે પરફોર્મ કરી રહ્યો હતો."

આ સમગ્ર ઘટનામાં હૉટલ મૅનેજમેન્ટની ભૂમિકા અંગે પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

તાજેતરમાં પોલીસે ખાનગી પાર્ટીઓમાં ડ્રગ્સનો ઉપયોગ બંધ કરવા શહેરની હોટેલો સાથે બેઠક પણ કરી હતી.

ભીમાશંકર એસ ગુલેડે જણાવ્યું હતું કે, "આ કોઈ કાર્યક્રમ ન હતો. તેમાં માત્ર આમંત્રિતોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો."

શું છે એનડીપીએસ ઍક્ટ

પોલીસ સિદ્ધાંત અને તેમના સાથીઓ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સ ઍક્ટ, 1985ની કલમ 22A અને B અને કલમ 27B હેઠળ કેસ નોંધી રહી છે.

એનડીપીએસ ઍક્ટની કલમ 22A હેઠળ માદક પદાર્થની થોડી માત્રા પકડાવાના કિસ્સામાં છ મહિના સુધીની જેલ અથવા 10,000 રૂપિયાનો દંડ અથવા બંનેની જોગવાઈ છે.

કલમ 22બી હેઠળ વધુ જથ્થો જપ્ત થાય તો 10 થી 20 વર્ષની કેદની સાથે એક થી બે લાખ રૂપિયા સુધીના દંડની સજા પણ થઈ શકે છે.

જો કલમ 27Bમાં વપરાયેલ ડ્રગ્સ નિર્ધારિત જથ્થા કરતાં વધુ હોય તો આરોપીને છ મહિના સુધીની કેદ અથવા દંડ થઈ શકે છે.

વિરોધમાર્ચ સાથે ઈડી પહોંચ્યા રાહુલ ગાંધી, કૉંગ્રેસ આક્રમક મૂડમાં

નેશનલ હેરાલ્ડ મામલે રાહુલ ગાંધીને પ્રવર્તન નિદેશાલય (ઈડી) દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ત્યારે કૉંગ્રેસે આ પહેલાં પત્રકારપરિષદ યોજીને ભાજપ પર પ્રહાર કર્યા છે.

કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ભાજપ પર રાહુલ ગાંધીને ખોટા આરોપોમાં ફસાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ભાજપ કૉંગ્રેસથી ડરી ગયો છે. તેમણે જણાવ્યું કે કૉંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં સત્યાગ્રહ માર્ચ યોજશે.

તેમણે કહ્યું, "કેન્દ્રમાં ડરપોક મોદી સરકારે હજારો ચૅકપોસ્ટ તેમજ પોલીસના જવાનોને ઊભા રાખીને દિલ્હીને છાવણી બનાવી દીધી છે અને અઘોષિત ઇમર્જન્સી લાદીને એ વાત સાબિત કરી દીધી છે કે કૉંગ્રેસના સત્યાગ્રહથી મોદી સરકાર ડરી ગઈ છે."

"રાહુલ ગાંધીના નેતૃત્વમાં શાંતિપ્રિય અને ગાંધીવાદી રીતે સત્યાગ્રહ માર્ચ યોજવામાં આવશે. ના તો તેને અંગ્રેજો દબાવી શક્યા હતા અને ના તો તે સમયે અંગ્રેજોના જાસૂસ બનેલા આજના સત્તાધારીઓ દબાવી શકશે. અમે દૃઢતાથી શાંતિપ્રિય રીતે ભાજપના 'ઇલૅક્શન મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ'ના કાર્યાલયે જઈશું અને દરેક સવાલનો જવાબ પણ આપીશું."

તેમણે કહ્યું કે કૉંગ્રેસને ઝુકાવવા માટે મોદીજીએ છેલ્લાં આઠ વર્ષથી એડીચોટીનું જોર લગાવ્યું છે પરંતુ રાહુલ ગાંધી અને કૉંગ્રેસના દરેક નેતા અને કાર્યકર્તા દેશની સાધારણ વ્યક્તિ, મધ્યમ વર્ગ, ગરીબ અને દલિતનો અવાજ ઊઠાવતા રહેશે.

મજૂરોના વિરોધપ્રદર્શનથી ભડક્યું કુવૈત, ધરપકડ બાદ ડિપોર્ટના આદેશ

પયગંબર મહમદ પર ભાજપનાં પૂર્વ પ્રવક્તાઓની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ભારતીય રાજદૂતને સમન્સ પાઠવી ચૂકેલા કુવૈતે ગયા શુક્રવારે આ મામલે વિરોધપ્રદર્શનમાં સામેલ લોકોની ધરપકડ કરીને ડિપોર્ટ કરવાનો નિર્ણય લીધો છે.

'ઇકૉનોમિક ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, કુવૈત સરકારે આ વિવાદ પર નવાં દિશાનિર્દેશ જાહેર કર્યા છે. જે મુજબ વિરોધપ્રદર્શનમાં જોડાયેલા પ્રવાસી લોકોને તેમના સંબંધિત દેશોમાં પાછા મોકલવામાં આવશે.

સરકારે કહ્યું, "તમામ પ્રવાસીઓએ કાયદાનું સન્માન કરવું જોઈએ અને કોઈ પ્રકારનાં ધરણાંપ્રદર્શનોમાં ભાગ ન લેવો જોઇએ."

પ્રદર્શનકારીઓમાં પાકિસ્તાની, બાંગ્લાદેશી અને આરબ દેશોના પ્રવાસીઓ સાથે જ ભારતીયો પણ સામેલ હોઈ શકે છે.

સૂત્રોને ટાંકીને અખબારે જણાવ્યું છે કે પ્રદર્શનકારીઓને હંમેશાં માટે કુવૈતમાં પ્રવેશવાથી રોકવામાં આવી શકે છે.

ગત શુક્રવારે જુમાની નમાઝ બાદ કુવૈતના ફહાહીલ વિસ્તારમાં પચાસેક પ્રવાસીઓએ પ્રદર્શન શરૂ કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

કુવૈતમાં વિદેશીઓનાં પ્રદર્શન અને આંદોલન કરવાને ગંભીર અપરાધ માનવામાં આવે છે.

પ્રશાસન આ મામલે એક મિસાલ પણ ઊભી કરવા માગે છે. જેથી ભવિષ્યમાં પણ આ રીતે કોઈ વિરોધપ્રદર્શનમાં જોડાય નહીં.

આ મામલે વિદેશીઓ સિવાય કુવૈત સરકારે સ્થાનિક લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરી છે.

આણંદમાં અમિત શાહની મુલાકાત પહેલાં થયેલા કોમી છમકલામાં બે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત

રવિવારે આણંદ જિલ્લાના બોરસદમાં બે ધર્મનાં જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં બે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આણંદ જિલ્લામાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મૅનેજમેન્ટની મુલાકાતે હતા. આ મુલાકાત પહેલાં બોરસદમાં આ ઘટના બની હતી.

આણંદ જિલ્લા એસ.પી. અજિત રાજિયને ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે એવી અફવા ફેલાઈ હતી કે મંદિર અને વાડીને જુદા પાડતા રસ્તાને લઈને બે કોમ વચ્ચે ચાલી રહેલી તકરાર મુદ્દે પૂછપરછ કરવા પોલીસે લઘુમતિ સમુદાયના બે લોકોની અટકાયત કરી છે. જેને લઈને બંને જૂથો વચ્ચે રવિવારે વહેલી સવારે અથડામણ થઈ હતી.

તેમણે વધુમાં કહ્યું કે, આ અથડામણને અટકાવવા વચ્ચે પડેલા બે પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે ફરિયાદ નોંધવાની અને દોષિતોને પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

તેમણે એક વાત સ્પષ્ટ કરી હતી કે, કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાત સાથે આ અથડામણને કોઈ લેવાદેવા નથી.

રશિયાના બૉમ્બમારાથી યુક્રેનના કૅમિકલ પ્લાન્ટમાં આગ, 800થી વધુ લોકો ફસાયા

રશિયન સેનાએ યુક્રેનના લુહાન્સ્ક પ્રાંતમાં આવેલ અજોત કૅમિકલ પ્લાન્ટ પર બૉમ્બમારો કર્યો છે. આ પ્લાન્ટ સેવેરોદોનેત્સ્કમાં છે અને તેમાં યુક્રેનિયન સૈનિકો પણ હાજર છે.

રશિયાની સેનાએ આ પ્લાન્ટને ઘેરી લીધો છે પરંતુ તેમણે કહ્યું છે કે તેઓ આ પ્લાન્ટને નહીં ઉડાવે.

બીબીસી ન્યૂઝ પ્રમાણે, એક રશિયન અધિકારીએ નામ ન આપવાની શરતે ઇન્ટરફૅક્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ત્યાં હાજર યુક્રેનિયન સૈનિકો સાથે વાટાઘાટ ચાલી રહી છે. ત્યાં બંકરોમાં 800 નાગરિકો પણ આશરો મેળવીને બેઠા છે.

યુક્રેનિયન સૈનિકોને સરેન્ડર કરવાનું કહેવાઈ રહ્યું છે.

આ પહેલાં લુહાન્સ્કના ગવર્નર શેરી હૈદીએ જણાવ્યું હતું કે પ્લાન્ટમાં બૉમ્બમારાને લીધે આગ લાગી ગઈ છે અને ત્યાં 800 નાગરિકો હાલ આશરો મેળવ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો