You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પયગંબર મહમદ પર વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં દિલ્હી અને યુપીમાં વિરોધપ્રદર્શનો
મહમદ પયગંબર અંગે તાજેતરમાં જ વિવાદાસ્પદ ટિપ્પણી કરનારાં ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલાં નૂપુર શર્મા અને નવીન જિંદલનો દેશવિદેશમાંથી ભારે વિરોધ થઈ રહ્યો છે.
એવામાં હવે દિલ્હી સહિત ઉત્તર પ્રદેશના કેટલાંય શહેરોમાં વિરોધપ્રદર્શનો યોજાયા છે.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, તેમનો વિરોધ કરવા માટે શુક્રવારે બપોરના સમયે દિલ્હીમાં જામા મસ્જિદ બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
મસ્જિદના શાહી ઈમામે એએનઆઈને જણાવ્યું કે મસ્જિદ કમિટી તરફથી વિરોધનો કોઈ કાર્યક્રમ જાહેર કરાયો નથી. ગઈકાલે જ્યારે લોકો વિરોધપ્રદર્શન યોજવાની વાત કરી રહ્યા હતા ત્યારે તેમને જણાવવામાં આવ્યું હતું કે મસ્જિદ તરફથી તેનું કોઈ આયોજન નથી.
તેમણે વધુમાં કહ્યું કે, "અમને ખ્યાલ નથી કે આ લોકો કોણ છે. મને લાગે છે કે તેઓ એઆઈએમઆઈએમ અથવા તો ઓવૈસીના માણસો છે. અમે એક વાતની ચોખવટ કરી હતી કે જો તમને વિરોધ કરવો હોય તો કરો પણ અમારો કોઈ સહકાર નહીં હોય."
દિલ્હી પોલીસ પ્રમાણે જામા મસ્જિદ બહાર એકઠા થયેલા લોકોને વિખેરી દેવાયા છે અને હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે.
આ ઉપરાંત ઉત્તર પ્રદેશના દેવબંદમાં પોલીસએ આકરું વલણ અપનાવતાં પ્રદર્શન યોજવા ના દીધું.
બીજી તરફ સહારનપુરમાં વિરોધપ્રદર્શન યોજાયું છે. અહીં કેટલાક લોકો હાથમાં બેનર સાથે તિરંગો લહેરાવતા પણ જોવા મળ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોલકતા, હૈદરાબાદ અને લખનૌની મસ્જિદમાં પણ સંબંધિત મામલે ભીડ એકઠી થઈ છે.
ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનામાં વધારો, 24 કલાકમાં 117 કેસ
છેલ્લા કેટલાક મહિનાઓની શાંતિ બાદ રાજ્યમાં ફરી વખત કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
આરોગ્યવિભાગ દ્વારા જાહેર કરાતી યાદી અનુસાર, બુધવારે 111 કેસ નોંધાયા બાદ રાજ્યમાં ગુરુવારે 117 નવા કેસ નોંધાયા છે. આ પૈકી સૌથી વધુ 62 અમદાવાદ શહેરમાં અને 20 વડોદરા શહેરમાં નોંધાયા છે. 117 નવા કેસની સામે ગુરુવારે 45 દર્દીઓ સાજા થયા છે.
આ સાથે રાજ્યમાં કુલ 517 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ દર્દીઓની હાલત સ્થિર છે.
રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધી રસીના 11 કરોડથી વધુ ડોઝ અપાઈ ગયા છે. જ્યારે બુધવારના દિવસે જ રાજ્યમાં રસીના 81,353 ડોઝ આપવામાં આવ્યા હતા.
ચાર રાજ્યોમાં રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી
આજે રાજ્યસભાની 57 બેઠકોમાંથી 16 બેઠકો માટે ચૂંટણી યોજાશે. શુક્રવારે જે 16 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે એમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને હરિયાણા છે.
41 બેઠકો પર પહેલાંથી જ ઉમેદવારોને નિર્વિરોધ જીતી ચૂક્યા છે. મતદાન સવાર નવ વાગ્યે શરૂ થઈ ગયું છે અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે.
આ દરમિયાન મહારાષ્ટ્રમાં એઆઈએમઆઈએમે રાજ્યસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને મત આપવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રમાં આજે છ બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાઈ રહી છે. અહીં અપક્ષ ધારાસભ્યોની ભૂમિકા મહત્ત્વની માનવામાં આવી રહી છે.
રાજસ્થાનમાં ચાર બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. કૉંગ્રેસમાં ત્રણ, ભાજપમાં એક અને એક બીજેપી સમર્થિત અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે.
રાજ્યમાં વિધાનસભાની 200 બેઠકો છે. આ દરમિયાન સુભાષચંદ્રા ક્રૉસ વોટિંગ થકી પોતાના વિજયનો દાવો કરી ચૂક્યા છે.
કર્ણાટકમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. તો હરિયાણામાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે.
વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ જમ્મુના ડોડામાં કર્ફ્યુ
જમ્મુના ડોડા જિલ્લાના ભદ્રવાહ વિસ્તારમાં કેટલીક વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
ડોડાના ડૅપ્યુટી કમિશનર વિકાસ શર્માએ આ વાતની પુષ્ટિ કરી છે.
તેમણે કહ્યું, "આ વિસ્તારમાં તણાવ બાદ ભદ્રવાહ શહેરમાં કર્ફ્યુ લાદી દેવાયો છે."
સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર ભડકાઉ ભાષણોના વીડિયો પ્રસારિત થયા બાદ વિસ્તારમાં તણાવ સર્જાયો હતો.
જેને પગલે સ્થાનિક પ્રશાસને ફ્લેગ માર્ચ માટે સેનાને પણ બોલાવી છે. દિવસ દરમિયાન પોલીસે ભદ્રવાહ પોલીસમથકે ભડકાઉ ભાષણો આપવાના આરોપસર ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસનું કહેવું છે કે જે પણ કાયદાને પોતાના હાથમાં લેશે, તેને છોડવામાં નહીં આવે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો