You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહેસાણામાં કેજરીવાલની રેલીમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો પોલીસ કેસ નોંધાયો
મહેસાણામાં દિલ્હીના મુખ્ય મંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલની રેલીમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો પોલીસ કેસ નોંધાયો છે.
પોલીસ ફરિયાદ મુજબ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના મહેસાણામાં રોડ-શો દરમિયાન પાર્ટી દ્વારા રાષ્ટ્રધ્વજ અને પાર્ટીના ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દરમિયાન મહેસાણાના જૂના બસ સ્ટેન્ડ પાસે ભારતનો રાષ્ટ્રધ્વજ નીચે મૂકીને તેના ઉપર પગ મૂકીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે. જેની પોલીસ ફરિયાદ અજાણ્યા લોકો પર કરવામાં આવી છે.
ફરિયાદ મહેસાણા એ-ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. પટેલ દ્વારા કરવામાં આવી છે.
ફરિયાદમાં લખ્યું હતું, "મહેસાણાના જૂના બસ સ્ટેન્ડ પાસે ગેટ નં.1ની બાજુમાં બંધ કેબિન આગળ કોઈ પાર્ટી કાર્યકર્તાઓ ભારતના રાષ્ટ્રધ્વજનું વિતરણ કરતા હતા. દરમિયાન ભારતનો રાષ્ટ્રધ્વજ નીચે મૂકેલો હોય જેના ઉપર અજાણ્યાઓએ પગ મૂકી રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યુ હતું."
ફરિયાદમાં મીડિયા અહેવાલોને પણ ટાંકવામાં આવ્યા હતા. "અમે બંદોબસ્તમાં હતા ત્યારે 'ત્રિરંગા યાત્રાના રૂટમાં ત્રિરંગાનું અપમાન'ના સમાચાર ન્યૂઝ ચેનલ પર પ્રસિદ્ધ થયા હતા."
ફરિયાદમાં કાયદાની કલમ ટાંકતા લખ્યું છે કે "અજાણ્યા વિરુદ્ધ ભારતીય ધ્વજધારા 2002 હેઠળ રાષ્ટ્રીય સન્માન પરત્વેના અપમાનનો કાયદો 1971ની કલમ-2 હેઠળ કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ કરવામાં આવે છે."
ફરિયાદમાં રોડ શોના આયોજક તરીકે દિશાંત ઉર્ફે ભગત પટેલનું નામ લખવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફરિયાદ તારીખ 6 જૂનના રોજ નોંધાવવામાં આવી છે.
અગાઉ પણ 'આપ' નેતાઓ વિરુદ્ધ ફરિયાદો
આમ આદમી પાર્ટીના નેતા સામે અગાઉ પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. ગત જાન્યુઆરીમાં હેડ ક્લાર્કના પેપર લીક મામલે આમ આદમી પાર્ટીએ ખાસ્સો હોબાળો કર્યો હતો અને તેના નેતાઓએ એક પછી એક કથિત કૌભાંડોના આરોપો મૂક્યા હતા.
પેપર લીક મામલે આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યાલયે હંગામો કર્યો હતો. એ સમયે ભારતીય જનતા પાર્ટીનાં મહિલા કાર્યકર્તાએ આપના નેતા ઇસુદાન ગઢવી ઉપર આરોપ લગાવ્યા હતા કે તેઓ દારૂના નશામાં હતા અને તેમણે તેમની છેડતી કરી હતી.
ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન ઍક્ટની વિવિધ કલમો હેઠળ ઇસુદાન ગઢવી સામે ફરિયાદ કરવામાં આવી હતી.
બીજી બાજુ ઇસુદાન ગઢવીએ પત્રકારો સાથે વાત કરતાં આ આરોપોનું ખંડન કર્યું હતું અને ભાજપનું શાસન ન હોય તેવા કોઈ પણ રાજ્યમાં પોતાનો નાર્કો ટેસ્ટ કરવાની વાત કરી હતી.
ગત મે મહિનામાં પણ સુરતમાં આમ આદમી પાર્ટીના કૉર્પોરેટરો પર દમન ગુજારાયું હોવાના આરોપ સાથે આપના વિરોધપ્રદર્શન કરી રહેલા 'આપ'ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
'આપ'ની આક્રમક વ્યૂહરચનાથી સરકાર અકળાઈ રહી છે?
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં યોજાઈ રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી યોજનાબદ્ધ રીતે આગળ વધી રહી છે.
બહુજન સમાજ પાર્ટીની સ્થાપના પછી કાંશીરામની સભાઓમાં એક સૂત્ર જોરશોરથી ગૂંજતું હતું - "બાબા તેરા મિશન અધૂરા, કાંશીરામ કરેંગે પૂરા." આ સૂત્રમાં હવે કાંશીરામના બદલે અરવિંદ કેજરીવાલનું નામ જોડાઈ ગયું છે. એ સૂત્ર છે, "બાબા તેરા સપના અધૂરા, કેજરીવાલ કરેગા પૂરા."
હાલના સમયે કેજરીવાલ અલગઅલગ મંચ પરથી અને ઇન્ટરવ્યૂમાં વારંવાર પુનરુક્તિ કરે છે કે બાબાનું સપનું હવે તેઓ જ પૂરું કરશે. માત્ર સૂત્ર જ નહીં આમ આદમી પાર્ટીની કચેરીઓથી લઈને પોસ્ટરોમાં પણ બાબાસાહેબ આંબેડકરની તસવીરો દેખાય છે.
ગુજરાતમાં આદિવાસી સમુદાયની વસતી 16થી 17 ટકા છે. છોટુ વસાવાની બીટીપી (ભારતીય ટ્રાઇબલ પાર્ટી) સાથે ગઠબંધન કરીને ભરૂચમાં વિશાળ સભાને સંબોધીને કેજરીવાલે ચૂંટણી અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આને આદિવાસી મતદારોને રિઝવવાનો પ્રયાસ ગણવામાં આવ્યો હતો.
ત્યાર બાદ, ગત મે મહિનામાં અરવિંદ કેજરીવાલે રાજકોટમાં સભા સંબોધતા ગુજરાત ભાજપ પર પ્રહારો કર્યા હતા અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અંગે પણ નિવેદન આપ્યું હતું.
કેજરીવાલની એ મુલાકાત સૌરાષ્ટ્રના પાટીદારોને આકર્ષવા માટે યોજાઈ હોવાનું માનવામાં આવતું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો