You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા, નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિશે શું કહ્યું?
પાટીદાર અનામત આંદોલનમાંથી ઊભરી આવેલા અને ગુજરાત કૉંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે.
હાર્દિક પટેલે ભાજપના ગાંધીનગર ખાતેના કાર્યાલયમાં પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પૂર્વ ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલની હાજરીમાં ભગવો ખેસ ઓઢ્યો.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજકારણથી અલગ રહેવાની વાત કરનાર હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી અગાઉ કૉંગ્રેસમાં જોડાયા હતા અને કૉંગ્રેસે તેમને પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા.
હવે ગુજરાતની 2022ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.
ભાજપમાં જોડાતી વખતે હાર્દિક પટેલે શું કહ્યું?
- આ રાષ્ટ્રના હિત માટે માનનીય નરેન્દ્રભાઈ હોય, અમિતભાઈ હોય, નડ્ડાસાહેબ હોય, સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ ભગીરથકાર્ય કરે છે તેમાં રામસેતૂની ખિસકોલી બની કામ કરીશ.
- કૉંગ્રેસનો હોદ્દેદાર હતો ત્યારે પણ ભારતના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ દ્વારા 370ની કલમ હઠાવાની વાત હોય, જીએસટી, રામમંદિર બનાવવાનો મક્કમ નિર્ણય કરવાની વાત હોય, એનઆરસીની વાત હોય, સમર્થન કર્યું હતું.
- કૉંગ્રેસ પાર્ટીમાં રહી અનુભવ કર્યા, જનતાની ભાવના વિરુદ્ધ થઈ કૉંગ્રેસ કામ કરતી હતી.
- કૉંગ્રેસ દેશ, ધર્મ અને જનતાની સાથે જોડાયેલા મુદ્દે જનતાની ભાવનાઓ સાથે ઊભી ના રહી.'
- 2015માં સમાજ હિતની ભાવના સાથે રાજ્યના ગરીબ અને મધ્યવર્ગના લોકો માટે આંદોલનની શરૂઆત થઈ હતી.
- ચડાવઉતારનાં ચાર વર્ષના સમયગાળામાં ભારતના યશસ્વી વડા પ્રધાને લોકસભા અને રાજ્યસભામાં બિલ પાસ કરાવીને 10 ટકા ઇબીસી અનામત અપાવી.
- ગુજરાતના પટેલ સમાજને જ નહીં પરંતુ દેશના બિનઅનામત વર્ગની અનામતનો લાભ મળ્યો
- 'કમલમ્'ના આ કાર્યાલય પર હાર્દિકની નહી, પરંતુ ગુજરાતના સાડા છ કરોડ લોકોની અપેક્ષાઓ જોડાયેલી છે.
- અપેક્ષા કઈ? 27 વર્ષથી જે પાર્ટીને અમે સત્તા પર પહોંચાડી એ જ લોકોની અમારે જરૂર છે.
- જો આ રાજ્યનું જો કોઈ હિત કરી શકે તો તે ભાજપ જ કરી શકે છે.
- હું બીજા નેતાઓની જેમ નહીં કહું કે હું ઘરવાપસી કરું છું. અમે ઘરમાં જ હતા.
- આનંદીબહેન પટેલ માંડલથી ચૂંટણી લડતા ત્યારે પિતા એમનો પ્રચાર કરતા.
- 1990-95માં મારા પિતાએ ભાજપને જેટલી મદદ થાય તેટલી મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.
- રાષ્ટ્રના હિતની વાત હોય, ધર્મના હિતની વાત હોય ત્યારે માત્ર રાજા કે સેનાપતિ નહીં સૈનિક બનવાની જરૂર હોય છે.
નવા અધ્યાયનો પ્રારંભ
આ પહેલાં ગુરુવારે સવારે હાર્દિકે ટ્વીટ કરી કહ્યું હતું, 'રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજહિતની ભાવનાઓની સાથે આજે નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું. ભારતના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્રસેવાના ભગીરથકાર્યમાં નાનો સિપાહી બનીને કામ કરીશ.'
હાર્દિક પટેલે ભાજપમાં જોડાતાં પહેલાં સવારમાં પોતાના ઘરે દુર્ગાપાઠ અને પૂજા કરી હતી અને એ બાદ અમદાવાદમાં એસજીવીપી ગુરુકુળ ખાતે ગૌપૂજન કર્યું હતું.
નોંધનીય છે કે હાર્દિક પટેલ 18 મે 2022ના રોજ કૉંગ્રેસમાં રાજીનામું આપ્યું હતું.
એ સમયે તેમણે કહ્યું હતું કે, "અમારા જેવા કાર્યકરો પોતાની ગાડી લઈને દરરોજ 500-600 કિલોમિટરનો પ્રવાસ પોતાના ખર્ચે કરે છે, લોકોની વચ્ચે જાય છે અને ગુજરાત (કૉંગ્રેસના) નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દૂર રહે છે અને માત્ર એ બાબત પર વધારે ધ્યાન આપે છે કે દિલ્હીથી આવેલા નેતાને તેમની ચિકન સૅન્ડવિચ સમયસર મળી કે નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમિત શાહને 'જનરલ ડાયર', નરેન્દ્ર મોદીને 'ફેંકુ' તેમજ ભાજપ સરકાર માટે 'તાનાશાહ' જેવા શબ્દોનો પ્રયોગ કરનારા હાર્દિક પટેલે રાજીનામા બાદ કૉંગ્રેસને 'હિંદુવિરોધી' ગણાવી હતી.
પોતાના ટ્વિટર હૅન્ડલ પર તેમણે અગાઉ 'આંદોલનજીવી હાર્દિક પટેલ', 'બેરોજગાર હાર્દિક પટેલ' લખીને ભાજપ સરકારને ટોણાં પણ માર્યાં હતાં. તો વર્ષ 2018માં ભાજપ સરકારની સામે જ તેમણે અઢાર દિવસના ઉપવાસ પણ કર્યા હતા.
તેમણે એવું પણ કહ્યું હતું કે "ભાજપમાં જઉં તો છઠ્ઠીનું ધાવણ લાજે કેમ કે જે લોકોએ મને નવ-નવ મહિના જેલમાં રાખ્યો, મારા સમાજના યુવાનો પર અત્યાચાર કર્યો, 14 યુવાનોની છાતીઓ પર ગોળીઓ મારી, એ ભાજપ સાથે જોડાઉં તો મને નથી લાગતું કે સમાજ સાથે ગદ્દારી કરી હોય?"
હાર્દિક પટેલ સિવાય 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મણિનગર વિધાનસભાની સીટ પરથી કૉંગ્રેસમાંથી ચૂંટણી લડનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાયાં છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારથી તેઓ મણિનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડતાં હતાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો