You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલ ભાજપમાં જોડાય એવી શક્યતા, એએનઆઈ સાથે કરી પુષ્ટિ
કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે એવી અટકળોનો અંત આવી રહ્યો હોય એવું જણાઈ રહ્યું છે. સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર હાર્દિક પટેલ બીજી જૂને ભાજપમાં જોડાશે. હાર્દિકે એએનઆઈ સાથે આ વાતની પુષ્ટિ કરી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ હાર્દિક પટેલે કૉંગ્રેસનાં તમામ પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેમણે કૉંગ્રેસના શિર્ષ નેતૃત્વ પર સીધા પ્રહારો કર્યા હતા.
હાર્દિક છેલ્લા કેટલાય સમયથી કૉંગ્રેસથી નારાજ હતા. તેમણે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી પક્ષ અને કાર્યકારી અધ્યક્ષપદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
ટ્વિટર પર રાજીનામું આપતાં હાર્દિક પટેલે કૉંગ્રેસ પર કેટલાક આરોપો લગાવ્યા હતા.
હાર્દિકે કહ્યું હતું, "અયોધ્યમાં ભગવાન શ્રીરામનું મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હઠાવવાની હોય અથવા GST લાગુ કરાવનો નિર્ણય હોય, દેશ લાંબા સમયથી તેનું સમાધાન ઇચ્છતો હતો અને કૉંગ્રેસ પાર્ટી માત્ર તેમાં અડચણ બનવાનું કામ કરતી રહી."
હાર્દિકના રાજીનામાની ભાષા પરથી તેઓ ભાજપમાં જોડાશે એવી અટકળો શરૂ થઈ ગઈ હતી.
નોંધનીય છે કે પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યા બાદ હાર્દિક પટેલે કૉંગ્રેસમાં જોડાયા હતા અને તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા.
કૉંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં તેમને કામ ના અપાતું હોવાનો આરોપો કરતાં હાર્દિકે કહ્યું હતું કે તેમની સ્થિતિ પાર્ટીમાં 'એવા વરરાજા જેવી છે, જેમની નસબંધી કરી દેવાઈ છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં પણ યુપીની જેમ રમખાણો કરનારાઓની સંપત્તિ જપ્ત કરવાનો કાયદો લવાશે?
ભાજપશાસિત રાજ્યો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં રમખાણોના આરોપીને સજા કરવાનો તેમજ તેમની સંપત્તિ જપ્ત કરવાનો કાયદો છે. આવો જ કાયદો ટૂંક સમયમાં ગુજરાત સરકાર પણ લાવી શકે છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે હિંસામાં ખાનગી તેમજ જાહેર મિલકતોને નુક્સાન પહોંચાડનારા લોકો પાસેથી નુક્સાનની રકમ વસૂલવા માટેનો કાયદો બનાવવા માટે ગુજરાત સરકાર ખરડો પસાર કરવા જઈ રહી છે.
અહેવાલ પ્રમાણે આ સંભવિત કાયદાનું નામ 'ગુજરાત રિકવરી ઓફ ડૅમેજિઝ ઑફ પબ્લિક ઍન્ડ પ્રાઇવેટ પ્રોપર્ટીઝ ઍક્ટ' હશે.
રાજ્યના ગૃહવિભાગના એક સૂત્રને ટાંકી અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં આ કાયદો છે. તેના અભ્યાસ બાદ તે યોગ્ય હોવાનું સામે આવતાં ગુજરાતમાં પણ તેવો જ કાયદો લાવવાની તૈયારી ચાલી રહી છે.
સૂત્રએ વધુમાં જણાવ્યું, "આરોપીને પહેલા નુકસાનની ભરપાઈ કરવા જણાવાશે. જો તેમ નહીં કરી શકે તો તેની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આવા કિસ્સામાં જે લોકોને નુકસાન થયું હોય તેમણે વળતર મેળવવા માટે ક્લેઇમ ફાઇલ કરવો પડશે."
બનાસકાંઠામાં બસ અને રિક્ષાનો અકસ્માત, પાંચ લોકોનાં મૃત્યુ
સોમવારે સાંજના સમયે બનાસકાંઠા પાસેની ગુજરાત-રાજસ્થાન બૉર્ડર પર એક ખાનગી બસ અને રિક્ષાનો અકસ્માત થયો હતો. જેમાં કુલ પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાન તરફથી આવી રહેલી એક ખાનગી બસ અન્ય વાહનને ઓવરટેક કરવા જતાં સામેથી આવેલી રિક્ષા સાથે અથડાઈ હતી. જેમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અકસ્માતને પગલે રિક્ષામાં સવાર સાત લોકો પૈકી ત્રણના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયાં હતાં. જ્યારે અન્ય ચાર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સારવાર મેળવી રહેલા ચાર લોકો પૈકી બેનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો છે.
ધાનેરા પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિલ્હીના ઊર્જામંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ શા માટે કરાઈ?
ઍન્ફોર્સમેન્ટ ડાયરૅક્ટોરેટ (ઈડી)એ મની લૉન્ડરિંગના કેસમાં દિલ્હીનાં ઉર્જામંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે પોતાના સાથે જોડાયેલી વિવિધ કંપનીઓ દ્વારા મની લૉન્ડરિંગ કરવાના આરોપસર 2017માં સીબીઆઈએ 'પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ 'અંતર્ગત ફરિયાદ નોંધી હતી.
ગયા મહિને ઈડીએ તેમની સાથે સંકળાયેલી પાંચ કંપનીઓની 4.81 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી. 2018 બાદ ઈડીએ તાજેતરમાં તેમને ફરી વખત નિવેદન આપવા માટે બોલાવ્યા હતા.
સીબીઆઈ દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે સત્યેન્દ્ર જૈન જે ચાર કંપનીઓના શૅર ધરાવે છે તેમણે મેળવેલા ફંડનો સ્ત્રોત જણાવી શક્યા નથી. સીબીઆઈએ તેમના અને પરિવારના ચાર સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માગ કરી હતી.
ઈડીએ જાહેર કરેલા નિવેદનમાં કહેવાયું છે કે, 2015-16 દરમિયાન સત્યેન્દ્રકુમાર જૈન એક લોકસેવક હતા ત્યારે તેમની માલિકીની ચાર કંપનીઓએ 4.81 કરોડ રૂપિયા મળ્યા હતા. આ રૂપિયાનો ઉપયોગ દિલ્હી અને તેની આસપાસમાં ખેતી માટે લેવાયેલી જમીનની લોનની ભરપાઈ કરવા માટે થયો હતો.
વેસ્ટ નાઇલ ફિવરના કારણે કેરળમાં એક વ્યક્તિનું મોત
ભારતમાં પણ કોરોનાના નવા વૅરિયન્ટનાં કેટલાક કેસ નોંધાયા છે. ત્યારે કેરળમાં વેસ્ટ નાઇલ ફિવર નામની બીમારીથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
ધ હિન્દુના અહેવાલ પ્રમાણે, મૃતક વ્યક્તિ કેરળના થ્રિસુર જિલ્લામાં આવેલ પનનચૅરી ગામની વતની હતી. તેમના મૃત્યુ બાદ તેમના સંપર્કમાં આવેલા બે લોકોના સૅમ્પલ પણ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.
વેસ્ટ નાઇલ ફિવર મચ્છરોથી પ્રસરતી બીમારી હોવાથી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મૃતક સુધી મચ્છર વડે આ બીમારી પહોંચી હતી કે અન્ય કોઈ રીતે, એની તપાસ કરાઈ રહી છે.
આ ઉપરાંત સ્થાનિક તંત્ર દ્વારા ગામમાં ફૉગિંગ તેમજ મચ્છરોના ઉપદ્રવો ઘટાડવા માટે સોમવારે બેઠક પણ યોજવામાં આવી હતી.
થ્રિસુર જિલ્લા વેલ્લાનિક્કરાના પબ્લિક હૅલ્થ સેન્ટરના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. કે. એસ. જયંતીએ 'ધ હિન્દુ' અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ બીમારી ઘાતકી હોવા છતાં અત્યાર સુધી તેની કોઈ વૅક્સિન શોધાઈ નથી. 80 ટકા પીડિતોને કોઈ લક્ષણો દેખાતાં નથી. 20 ટકા દર્દીઓમાં તાવ, માથાનો દુખાવો અને ઊલટી જેવાં સામાન્ય લક્ષણો જોવાં મળે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો