પેટ્રોલ-ડીઝલના ભાવ: દેશભરમાં પેટ્રોલ 9.5 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થશે, સરકારનું એલાન

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં કાપ મૂક્યો છે. શનિવારે સાંજે સરકારે પેટ્રોલમાં 8 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલમાં 6 રૂપિયા પ્રતિલિટર ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, "અમે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી દીધી છે. તેને લીધે પેટ્રોલ 9.5 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલ 7 રૂપિયા પ્રતિલિટર સસ્તું થશે."

પાંચ રાજ્યોની ચૂંટણી ખતમ થઈ એના બાદ માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા હતા. આ સમયે પેટ્રોલ 100 રૂપિયા પ્રતિલિટર પહોંચી ગયું હતું.

ચૂંટણી બાદ 22 માર્ચના રોજ પ્રથમ વખત ભાવ વધ્યા હતા. ત્યાર બાદ સતત ભાવ વધતો રહ્યો.

ઉલ્લેખનીય છે કે જૂન 2017થી આંતરરાષ્ટ્રીય બજારને આધારે ભારતમાં દરરોજ પેટ્રોલની કિંમત નક્કી થાય છે.

22 માર્ચ બાદ તેલ કંપનીઓએ ઘણી વખત ભાવમાં વધારો કર્યો હતો.

ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે રોગચાળામાં અસામાન્ય વધારો

ગુજરાતમાં ગરમીનો પારો પ્રતિદિન ઊંચે જઈ રહ્યો છે અને એ સાથે જ પાણીજન્ય રોગોમાં પણ ભારે વધારો નોંધાઈ રહ્યો છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર, અમદાવાદમાં આ મહિનાના પ્રથમ પખવાડિયામાં ઝાડાના 395 કેસ નોંધાયા હતા, જ્યારે ગત વર્ષે આખા મે મહિનામાં માત્ર 4 કેસ નોંધાયા હતા.

ટકાવારીની રીતે જોઈએ તો ઝાડાના કેસમાં 9,775 ટકાનો વધારો છે.

એજ રીતે 1 મે થી 14 મે દરમિયાન હૉસ્પિટલોમાં ટાઇફોઇડના 111 કેસ નોંધાયા હતા, જેની સામે ગત વર્ષે માત્ર 17 કેસ નોંધાયા હતા. આમ ટાઇફોઇડના કેસમાં 556 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ગત વર્ષે મે મહિનામાં કમળાના 23 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે 48 નોંધાયા છે.

અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્યવિભાગના આંકડા પ્રમાણે, ગત વર્ષે મે મહિનામાં મલેરિયાના 6 કેસ નોંધાયા હતા, જેની સામે આ વર્ષે મેના પહેલા પખવાડિયામાં જ 45 કેસ નોંધાઈ ગયા છે.

ગત વર્ષે મે મહિનામાં ઝેરી મલેરિયાનો એકપણ કેસ નોંધાયો નહોતો જેની સામે આ વર્ષે મેં મહિનામાં ઝેરી મલેરિયાના 4 કેસ નોંધાયા છે.

મેના પહેલા પખવાડિયામાં ડૅન્ગ્યુના 7 કેસ અને ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા છે.

સીબીઆઈએ IAS અધિકારી કે રાજેશના એકાઉન્ટ સીલ કર્યા

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ગુજરાત સરકારના સામાન્ય વહિવટવિભાગના સંયુક્ત સચિવ અને 2011ની બેચના આઈએએસ અધિકારી કે. રાજેશનાં ઘર, ઓફિસ અને અન્ય જગ્યાઓ પર સીબીઆઈએ દરોડા પાડ્યા છે.

આ અધિકારી વિરુદ્ધ હથિયારોનું લાઇસન્સ, રેતી અને ખાણોની લીઝ આપવા, વગેરેમાં નાણાકિય ગેરરિતિના કર્યાનો આરોપ છે. જેને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું એજન્સીએ જણાવ્યું છે.

ફરિયાદીઓની રાવ હતી કે રાજેશ ખુલ્લેઆમ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ફંડ અને સુજલામ સુફલામ ખાતાના નામનો ચેક માગીને લાંચ લેતા હતા. આ કારણે તેઓ 'ચેક બાબુ'ના નામે કુખ્યાત પણ હતા.

સીબીઆઈ અધિકારીના કહેવા પ્રમાણે, ગાંધીનગર, સુરત અને સુરેન્દ્રનગર ખાતેનાં તેમનાં ઘરો અને ઓફિસ ઉપરાંત તેમના વતન આંધ્ર પ્રદેશના રાજામુન્દ્રીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

તપાસમાં ઘણા દસ્તાવેજો અને ડિજીટલ પુરાવાઓ મળ્યા હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે.

ભારતમાં ઓમિક્રૉન BA.4નો પ્રથમ કેસ નોંધાયો

'હિંદુસ્તાન ટાઇમ્સ' અખબાર અનુસાર ભારતમાં કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટના સબ-વૅરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. દેશમાં ઓમિક્રૉન BA.4 વૅરિયન્ટનો પ્રથમ કેસ હૈદરાબાદમાં નોંધાયો છે.

કોરોનાનો આ વાઇરસ આફ્રિકાથી આવેલી એક વ્યક્તિમાં જોવા મળ્યો છે.

કોવિડ-19 જિનોમ સર્વિલન્સ પ્રોગ્રામ અંતર્ગત આ વૅરિયન્ટની જાણકારી મળી છે.

આ વૅરિયન્ટના મળ્યા બાદ વિશેષજ્ઞોનું કહેવું છે કે દેશના અન્ય ભાગોમાં આ વૅરિયન્ટના બીજા કેસ પણ નોંધાઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો