'ગુજરાતમાં કૉંગ્રેસ હારી શકે છે', પ્રશાંત કિશોર

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કહ્યું છે કે ગુજરાતમાં કૉંગ્રેસ હારી શકે છે. કૉંગ્રેસે તાજેતરમાં જ રાજસ્થાનમાં ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું. આ મામલે પ્રશાંત કિશોરે ટ્વિટ કરતાં સંબંધિત વાત કરી છે.

તેમણે ટ્વિટર પર લખ્યું છે, "મને વારંવાર ઉદયપુર ચિંતન શિબિર અંગે પૂછવામાં આવ્યું. તો મારા મતે આ શિબિર યથાસ્થિતિને લાંબી ખેંચવા અને કૉંગ્રેસના નેતૃત્વને થોડો સમય આપવા સિવાય કંઈક સાર્થક હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે, ઓછામાં ઓછી હાલમાં જ યોજાનારી ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં થનારા પરાજય સુધી!"

નોંધનીય છે કે આ પહેલાં પ્રશાંત કિશોર કૉંગ્રેસમાં જોડાશે એવી અટકળો બાંધવામાં આવી રહી હતી. જોકે, પોતે બિહારના લોકો સાથે કામ કરવાની જાહેરાત કરતાં આ અટકળોનો અંત આવી ગયો હતો.

મહત્ત્વપૂર્ણ છે કે રાજસ્થાનના ઉદયપુરમાં કૉંગ્રેસ પાર્ટીની ચિંતનશિબિર ગત રવિવારે જ પૂર્ણ થઈ છે.

કૉંગ્રેસ પાર્ટીની ચિંતન શિબિરમાં કૉંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત તમામ વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

કૉંગ્રેસની ચિંતન શિબિરમાં ગુજરાતના 14 નેતાઓએ પણ ભાગ લીધો હતો.

ગુજરાતમાં 2022ના અંતમાં ચૂંટણી યોજાવાની છે અને કૉંગ્રેસની આ ચિંતન શિબિરમાં પણ ગુજરાતની ચૂંટણી ચર્ચાના કેન્દ્રમાં હતી.

ભારતીય સેનાને આરટીઆઈમાંથી બહાર કરવાની તૈયારી

ઉચ્ચ સ્તરીય સરકારી બેઠકોમાં રાષ્ટ્રીય સુરક્ષાના આધાર પર સૈન્યબળોને માહિતી અધિકાર અધિનિયમ 2005 એટલે કે આરટીઆઈથી લગભગ સંપૂર્ણ રીતે છૂટ આપવાને સમર્થન આપ્યું છે.

ઇકૉનોમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે હાલમાં થયેલી એક બેઠકમાં સેના સિવાય સાયબર સુરક્ષા માટે કામ કરતી નોડલ એજન્સી, ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પૉન્સ ટીમ, જીએસટી-ટૅક્સચોરી ઍનાલિટિક્સ વિંગ અને ડીજીએઆરએમને આરટીઆઈમાંથી છૂટ આપવાની ચર્ચા થઈ છે.

આ ચર્ચાને લઈને શું નિર્ણય કરવામાં આવ્યો છે, અત્યાર સુધી તેની માહિતી જાહેર કરવામાં આવી નથી. જોકે, આ વિશે એક પરિપત્ર થોડા જ સમયમાં જાહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

વર્ષ 2006માં કૉંગ્રેસ નેતા વીરપ્પા મોઈલીની અધ્યક્ષતામાં બનાવેલી પ્રશાસનિક સુધાર આયોગે પણ પોતાના રિપોર્ટમાં આ સલાહ આપી હતી.

આ વર્ષની શરૂઆતમાં આ મામલે ચર્ચા માટે એક ફરી વખત સચિવ સ્તરનું આયોગ ગઠિત કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં પહેલી વખત જોવા મળી દરિયાઈ ગાય

ગુજરાતના દરિયામાં પહેલી વખત દરિયાઈ ગાય જોવા મળી છે. સંશોધકોએ તસવીરો સાથે તેના પુરાવા રજૂ કર્યાં છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે દરિયાઈ ગાયને ડગોંગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને દરિયામાં રહેનાર એકમાત્ર વનસ્પતિજીવી સસ્તનપ્રાણી છે.

વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના સંશોધક પ્રાચી હટકરે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે પ્રથમ વખત ગુજરાતમાં ડગોંગનું અસ્તિત્ત્વ હોવાના પુરાવા સામે આવતા વનવિભાગમાં ખુશી જોવા મળી રહી છે.

પ્રાચી છેલ્લાં પાંચ વર્ષથી ગુજરાતમાં દરિયાકાંઠાની આસપાસ ડગોંગના અસ્તિત્ત્વને લઈને સંશોધન કરી રહ્યાં હતાં. સહસંશોધક સાગર રાજપુરકરે કચ્છ અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં ડ્રોન સર્વેલન્સની મદદથી તસવીરો મેળવી હતી.

ડગોંગ એટલે કે દરિયાઈ ગાય સામાન્ય રીતે તામિલનાડુ તેમજ આંદમાન નિકોબાર ટાપુની આસપાસ જોવા મળે છે. ચાર વર્ષ પહેલાં ગુજરાતના દરિયાકાંઠે ત્રણ મૃત ડગોંગ તણાઈને આવી હતી. જોકે, ગુજરાતના દરિયામાં તેમની હાજરીના પુરાવા પહેલી વખત મળ્યા છે.

ઘઉંનો પાક ગત વર્ષની સરખામણીએ ઘટ્યો

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે ગયા વર્ષે થયેલા 10.9 કરોડ ટનના ઉત્પાદનની તુલનાએ આ વર્ષે ભારતમાં ઘઉંનું ઉત્પાદન ત્રણ ટકા ઘટીને 10.6 કરોડ ટન થયું હોવાની સંભાવના છે.

કૃષિ મંત્રાલય તરફથી ગુરુવારે ખાદ્ય ઉત્પાદનના ત્રીજા અગ્રિમ અનુમાનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

ઉત્પાદનમાં આ ઘટાડા પાછળ ભીષણ ગરમી, કમોસમી વરસાદ તેમજ વિષમ વાતાવરણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

દેશમાં ઘઉંની ઓછી ઊપજ અને વિશ્વમાં તેની વધતી માગને જોતા ભારતે 13 મેથી ઘઉંના નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો