You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રમાં ઔરંગઝેબનો મકબરો પુરાતત્ત્વવિભાગે પાંચ દિવસ માટે બંધ કર્યો
ભારતીય પુરાત્ત્વવિભાગે મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરસ્થિત મુગલ બાદશાહ ઔરંગઝેબના મકબરાને પાંચ દિવસ માટે બંધ કરી દીધો છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ સ્થાનિક મસ્જિદસમિતિએ આ જગ્યાને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ બાદ એએસઆઈ (આર્કિયોલૉજિકલ સર્વ ઑફ ઇન્ડિયા)એ આ નિર્ણય લીધો છે.
બે દિવસ પહેલાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રવક્તા ગજાનન કાલેએ એક ટ્વીટમાં આ ઐતિહાસિક સ્મારકના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે તેને તોડી પાડવો જોઈએ.
આ નિવેદન પછી, જ્યાં આ સ્મારક સ્થિત છે તે ઔરંગાબાદના ખુલદાબાદમાં ત્યાંની એક મસ્જિદસમિતિએ તેને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. પુરાતત્ત્વવિભાગ આ મકબરાની જાળવણી કરે છે.
એએસઆઈએ સ્મારકની સુરક્ષા માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા તહેનાત કરી છે.
એએસઆઈના ઔરંગાબાદ સર્કલના સુપરિન્ટેન્ડેન્ટ મિલનકુમાર ચૌલેએ પીટીઆઈને જણાવ્યું, "અગાઉ મસ્જિદ કમિટીએ મકબરાની જગ્યા બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અમે તેને ખોલી દીધો હતો. બુધવારે અમે નક્કી કર્યું કે અમે તેને આગામી પાંચ દિવસ સુધી બંધ રાખીશું. અમે સ્થિતિની સમીક્ષા કરીશું અને પછી નક્કી કરીશું કે તેને વધુ પાંચ દિવસ બંધ રાખવો કે ખોલી દેવો."
એઆઈએમઆઈએમના નેતા અકબરુદ્દીન ઓવૈસીએ આ મહિનાની શરૂઆતમાં ઔરંગઝેબના મકબરાની મુલાકાત લીધી હતી.
તેમની મુલાકાતની રાજ્યમાં સત્તાધારી શિવસેના અને રાજ ઠાકરેની પાર્ટી મનસે બંને દ્વારા ટીકા કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓવૈસીની મુલાકાત બાદ એનસીપીના વડા શરદ પવારે કહ્યું હતું કે 'આ મુલાકાત મહારાષ્ટ્રમાં નવો વિવાદ ઊભો કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હોય તો તે વાતનું મને આશ્ચર્ય નહીં થાય'
નવજોતસિંહ સિદ્ધુને ત્રણ દાયકા જૂના કેસમાં એક વર્ષની સજા ફટકારાઈ
સુપ્રીમ કોર્ટે પંજાબ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુને ત્રણ દાયકા જુના એક કેસમાં એક વર્ષની સજા સંભળાવી છે. હુમલાના આ કેસમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.
આ મામલે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી. પીડિત પરિવારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2018ના નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી.
વર્ષ 2018ના પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે સિદ્ધુ પર લગાવાયેલો બિનઇરાદાપૂર્વક હત્યાનો આરોપ ફગાવી દીધો હતો અને તેમની ત્રણ વર્ષની સજાને એક હજાર રુપિયાના જુર્માનામાં ફેરવી દીધી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે આ કેસ વર્ષ 1988નો છે. સિદ્ધુ પર આરોપ હતો કે તેમણે ગુરનામ નામની એક વ્યક્તિને માર માર્યો હતો, જે બાદ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
નીચલી કોર્ટે સિદ્ધુને આ મામલે પહેલાં મુક્ત જાહેર કર્યા હતા. જોકે, વર્ષ 1999માં આ નિર્ણય વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી.
બાદમાં પંજાબ-હરિયાણા કોર્ટે સિદ્ધુને દોષિત ઠેરવ્યા હતા અને ત્રણ વર્ષની કેદની સજા સંભળાવી હતી.
એ બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં આદેશ આપ્યો હતો.
ગૅસ સિલિન્ડરનો ભાવ એક હજારને પાર, કિંમત 3.50 રૂપિયા વધી
સમગ્ર દેશમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 3.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે મોટાભાગના રાજ્યોમાં સિલિન્ડરની કિંમત એક હજાર રુપિયાને પાર પહોંચી છે.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, આ મહિનામાં બીજી વખત એલપીજી સિલિન્ડરનો ભાવ વધારવામાં આવ્યો છે.
મહિનાની શરૂઆતમાં આઠ મેના રોજ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યાર બાદ રાજધાની દિલ્હીને બાદ કરતા દેશનાં તમામ મોટાં શહેરોમાં સિલિન્ડરનો ભાવ એક હજારને આંબી ગયો હતો.
આજના ભાવવધારા બાદ દિલ્હીમાં પણ સિલિન્ડરની કિંમત એક હજાર રૂપિયા વધી છે. ડૉમેસ્ટિક ગૅસ સિલિન્ડરની કિંમત એક હજારને પાર તો કૉમર્શિયલ ગૅસ સિલિન્ડરનો ભાવ બે હજાર રૂપિયાને પાર પહોંચ્યો છે.
ગુજરાત AIMIMના પ્રવક્તાની ધરપકડ
એઆઈએમઆઈએમ ગુજરાતના પ્રવક્તા દાનિશ કુરેશીની અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, તેમણે મંગળવારે ફેસબુક પર જ્ઞાનવાપી મસ્જિદને લઈને એક 'વિવાદાસ્પદ' પોસ્ટ મૂકી હતી.
આ પોસ્ટના સ્ક્રીનશૉટ્સ સોશિયલ મીડિયા પર વાઇરલ થતા વિશ્વ હિંદુ પરિષદે નરોડા પોલીસમથક બહાર ધરણાપ્રદર્શન યોજ્યું હતું. ત્યાર બાદ તેમની ધરપકડ કરાઈ હતી.
અમદાવાદ સાયબર ક્રાઇમ સેલનાં ડૅપ્યુટી કમિશનર અમિત વસાવાએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતમાં જણાવ્યું હતું કે, દાનિશ કુરેશી વિરુદ્ધ ચોક્કસ ધર્મની લાગણી દુભાવવા હેઠળ અને આઈ.ટી. ઍક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી છે.
પેંગોંગ લેક પર ચીન બનાવી રહ્યું છે બીજો બ્રિજ
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે ચીને પેંગોંગ લેક પર બીજો બ્રિજ બનાવવાનું શરૂ કર્યું છે. જે ભારે બખ્તરબંધ વાહનોની અવરજવર માટે ઉપયોગમાં લેવાશે.
અહેવાલ પ્રમાણે આ પહેલાં પણ ચીન એવા વિસ્તારમાં એક બ્રિજ બનાવી ચૂક્યું છે, જેને ભારત પોતાનો ભાગ બતાવે છે.
બીજા બ્રિજનું નિર્માણ પહેલાં બ્રિજની ઠીક સામે કરવામાં આવી રહ્યું છે. પહેલો બ્રિજ તાજેતરમાં એપ્રિલ મહિનામાં બન્યો હતો. આ વિશે અત્યાર સુધી ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
અહેવાલમાં આ જગ્યાની હાઈ-રિઝૉલ્યુશન સૅટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ કરનારા વિશેષજ્ઞોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે પહેલા બ્રિજનો ઉપયોગ ક્રેન જેવા ઉપકરણોની અવરજવર માટે કરાઈ રહ્યો છે. જે બીજો બ્રિજ બનાવવામાં મદદ કરે છે.
ધ ઇન્ટેલ લૅબના એક વિશ્લેષક ડેમિયન સાઇમને ટ્વીટ કર્યું કે સૅટેલાઇટ તસવીરના વિશ્લેષણથી ખબર પડે છે કે એપ્રિલમાં બનેલા પહેલા બ્રિજ પર કામ 'સર્વિસ બ્રિજ'ના સ્વરૂપે કરવામાં આવી રહ્યું છે. આ બ્રિજ પર ક્રેન પહેલાં પણ જોવા મળી હતી.
બન્ને બ્રિજ 134 કિલોમિટર લાંબા પેંગોંગ લેકના સૌથી સાંકળા ભાગમાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો