Cyclone Asani : ભારત તરફ આગળ વધી રહેલા વાવાઝોડાથી વરસાદની આશંકા, ગુજરાતમાં શી અસર થશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ચોમાસાની ઋતુ શરૂ થવાને થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ફરી એક વાર ભારત તરફ એક વાવાઝોડું આગળ વધી રહ્યું છે.

ભારતનાં ત્રણ રાજ્યોમાં આ વાવાઝોડાની અસરને કારણે વાતાવરણીય ફેરફારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

હિંદુસ્તાન ટાઇમ્સ ડૉટ કૉમના એક અહેવાલ પ્રમાણે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ ફરી એક વાર વાવાઝોડાનો માર વેઠવાની તૈયારી કરી રહ્યાં છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડું, અસાની આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બનવા જઈ રહ્યું છે, જેની અસર આ ત્રણેય રાજ્યોમાં જોવા મળે તેવી સંભાવના છે.

આ રાજ્યોમાં ભારે પવન અને વરસાદની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે જણાવ્યું હતું કે ઓડિશા જલ્લાના ગજપતિ, ગંજમ અને પુરીમાં યલો વૉર્નિગ જાહેર કરાઈ છે. મંગળવાર સાંજથી વરસાદ ચાલુ થશે. આ સિવાય જગતસિંઘપુર, પુરી, ખુરદા, કટક અને ગંજમમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.

IMDના એક નિવેદન અનુસાર ઉત્તર આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં બુધવારે વરસાદ શરૂ થવાની સંભાવના છે.

હાલ આ વાવાઝોડું અંદામાન નિકોબરના પૉર્ટ બ્લેરથી 380 કિલોમિટર પશ્ચિમે છે. જે બંગાળની ખાડીમાં પૂર્વ-કેન્દ્ર તરફ આગળ વધી રહ્યું છે. તે હાલ 16 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ જઈ રહ્યું છે.

ગુજરાત પર વાવાઝોડાની અસર થશે ખરી?

ભારતમાં એપ્રિલથી જૂન દરમિયાન મોટા ભાગે વાવાઝોડાં સર્જાતાં હોય છે. જે બંગાળની ખાડી અને અરબ સાગર બંનેમાં સર્જાય છે અને ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોનો અસર કરે છે.

હાલની સ્થિતિ પ્રમાણે વાવાઝોડાની ગુજરાત પર સીધી અસર થવાની શક્યતા નથી. પરંતુ જો વાવાઝોડાના કારણે ચોમાસાની શરૂઆત પર અસર થશે તો તે ગુજરાતને પણ અસર કરશે.

9થી 12 મે વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન બદલાય તેવી શક્યતાઓ છે. બાકીના વિસ્તારોમાં હવામાન હાલની સ્થિતિ પ્રમાણે સૂકું જ રહેશે.

વાવાઝોડું કેટલું શક્તિશાળી બનશે તેના આધારે ગુજરાત સુધી તેની અસર થશે કે નહીં તે જાણવા મળશે.

કેટલાક હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે આ વાવાઝોડાની ભારતમાં ચોમાસાના આગમન પર પણ અસર થવાની શક્યતા છે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂનની આસપાસ થાય છે અને તે બાદ સપ્ટેમ્બર મહિના સુધી વરસાદ થતો રહે છે.

આ વર્ષે ભારતના હવામાન વિભાગે સામાન્ય ચોમાસાની આગાહી કરી છે. એટલે કે દેશભરમાં ચાર મહિનાની લાંબાગાળાની સરેરાશ પ્રમાણે સારો વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતમાં ઑગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો પરંતુ તે સિવાયના મહિનાઓમાં વરસાદ સારો રહ્યો હતો. પાછલા વરસાદને કારણે શિયાળુ પાક લેવામાં ખેડૂતોને રાહત થઈ હતી.

આ વર્ષે પણ સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે, જે ખેડૂતો અને ખેતી આધારિત ઉદ્યોગો માટે રાહતના સમાચાર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો