ગુજરાત : અમદાવાદ હિટ ઍન્ડ રનના એલગ-અલગ કેસમાં સાડા ચાર વર્ષીય બાળકી સહિત ત્રણનાં મૃત્યુ - પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર શનિવારે અમદાવાદમાં હિટ ઍન્ડ રનના ત્રણ કેસમાં પોલીસ અનુસાર ત્રણ લોકોનાં મૃત્યુ થયાં જેમાં એક સાડા ચાર વર્ષીય બાળકી પણ સામેલ છે.

પ્રથમ કેસમાં અમદાવાદના ખોખરામાં સાડા ચાર વર્ષની આયુષી દત્તાણી તથા પાંચ વર્ષીય આદિત્ય દત્તાણી શનિવારે સવારે ગુજરાત સ્પોર્ટ્સ ઑથોરિટીના કૉમ્પલેક્સ સામે એક ગાડી નીચે કચડાઈ ગયાં.

પોલીસ અનુસાર આ દુર્ઘટના સવારે દસ વાગ્યા આસપાસ બની હતી જ્યારે આ બાળકો ગેટની બહાર રમી રહ્યાં હતાં અને ગાડીએ કૉમ્પલેક્સમાં પ્રવેશ કરવા માટે તીવ્ર ટર્ન લીધો હતો અને બાળકો હડફેટમાં આવી ગયાં હતાં.

બાળકીના પિતા અનુસાર 'બંને બાળકોને હૉસ્પિટલ લઈ જવાયાં હતાં પરંતુ આયુષીનું મૃત્યુ થયું હતું અને આદિત્યની પરિસ્થિતિ નાજુક છે.'

બીજા કેસમાં 21 વર્ષીય સુરેશ દેવીપૂજક નામના યુવકને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર રામોલ વિસ્તારમાં એક ગાડીએ ટક્કર મારી હતી. તેમને એક્સપ્રેસવે પર બેભાન હાલતમાં મળી આવ્યા બાદ હૉસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

ત્રીજા કેસમાં શનિવારે જેતલપુર-બારેજા રોડ પર હિટ ઍન્ડ રનમાં માર્યા ગયેલા એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.

સાઉદી અરબના કિંગ સલમાનને હૉસ્પટિલમાં દાખલ કરાયા

સાઉદી અરબના કિંગ સલમાનને આરોગ્યની તપાસ માટે હૉસ્પટિલમાં દાખલ કરાયા છે.

સાઉદી અરબના સરકારી મીડિયાની તરફથી આની પુષ્ટિ કરાઈ છે.

કિંગ સલમાનના આરોગ્યને લઈને કેટલીક અટકળો ચાલી રહી છે પરંતુ આધિકારિક રીતે આ અટકળો પર કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું.

કિંગ સલામાનને વર્ષ 2015માં સત્તા સોંપવામાં આવી હતી. સાઉદી અરબના કિંગ સલમાન દુનિયાના સૌથી મોટા તેલ નિકાસકર્તા દેશના શાસક છે.

તેમને શનિવારના જેદ્દાહના કિંગ ફૈસલ સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ સંબંધમાં એક આધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું કે કેટલાક મેડિકલ ટેસ્ટ માટે તેમને હૉસ્પિટમાં દાખલ કરાયા છે.

જોકે આ માહિતી સાર્વજનિક થવું એ જ એક અનોખી વાત છે કારણ કે શાહી પરિવાર સાથે જોડાયેલી ખાનગી માહિતી સાર્વજનિક નથી કરાતી.

આની પહેલાં વર્ષ 2017માં સાઉદી અરબે એવી અટકળોને ફગાવી દીધી હતી કે કિંગ સલમાન પોતાના પુત્ર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન માટે પદ છોડવાની યોજના બનાવી રહ્યા છે.

હિમાચલ પ્રદેશના વિધાનસભા પરિસર બહાર ખાલિસ્તાની ધ્વજ લાગેલા જોવા મળ્યા

હિમાચલ પ્રદેશ વિધાનસભા પરિસરના મુખ્ય ગેટ પર રવિવારે સવારે કોઈ અજ્ઞાત વ્યક્તિએ ખાલિસ્તાની ધ્વજ બાંધી દીધા. જોકે, પોલીસ પ્રમાણે, એ ઝંડા ત્યાંથી તરત હટાવી દેવાયા.

આ મામલો સામે આવ્યા બાદ દિલ્હીના ડેપ્યુટી મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે.

સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર તજિંદર બગ્ગા મામલે કટાક્ષ કરતાં તેમણે લખ્યું, "સંપૂર્ણ ભાજપ એક ગુંડાને બચાવવામાં લાગેલો રહ્યો અને બીજી બાજુ ખાલિસ્તાની ધ્વજ લગાવીને જતા રહ્યા."

તેમણે હિમાચલ પ્રદેશની ભાજપ સરકાર વિશે લખ્યું કે, "જે સરકાર વિધાનસભાને ન બચાવી શકે, તે જનતાને કઈ રીતે બચાવશે. આ હિમાચલની ઇજ્જતનો મામલો છે, દેશની સુરક્ષાનો મામલો છે. ભાજપ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગઈ."

હિમાચલ પ્રદેશમાં આ જ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી થવાની છે. પંજાબમાં મળેલી જીત બાદ ઉત્સાહિત આમ આદમી પાર્ટી અહીં પણ ચૂંટણીમાં ઝંપલાવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

બીજી તરફ હિમાચલના મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે આ કામને કાયરતાપૂર્ણ ગણાવતાં તેની કડક નિંદા કરી છે. તેમણે આ મામલે બે ટ્વીટ કર્યાં છે.

બીજી તરફ કાંગડાના એસપી ખુશહાલ શર્માએ એએનઆઈને જણાવ્યું કે, "આ ઘટના મોડી રાત્રે એટલે કે આગલા દિવસે સવારે બની હશે. અમે વિધાનસભાના ગેટ પરથી ખાલિસ્તાનના ધ્વજ હટાવી દીધા છે. આ પંજાબથી આવેલા કોઈ પ્રવાસીનું કામ હોઈ શકે છે. આ મામલે અમે આજે મામલો દાખલ કરીશું."

સમાચાર એજન્સી એએનઆઈએ એસડીએમના હવાલાથી જણાવ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે.

એસડીએમે કહ્યું, "આ મામલે હિમાચલપ્રદેશ ઓપન પ્લેસેઝ ઍક્ટ, 1985 અંતર્ગત કેસ દાખલ કરાશે. અમારા માટે આ જાગૃત કરનારી ઘટના છે અને અમારે વધુ સચેત રહેવાની જરૂરિયાત છે."

ગુજરાત ભારતનું ત્રીજું સૌથી ઓછું લિંગપ્રમાણ ધરાવતું રાજ્ય

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમના વર્ષ 2020 માટેના રિપોર્ટના આધારે સામે આવ્યું છે કે ગુજરાત દેશનું ત્રીજું સૌથી ઓછું લિંગપ્રમાણ ધરાવતું રાજ્ય છે.

આ રિપોર્ટમાં ગુજરાતમાં વર્ષ 2020માં એક હજાર છોકરાની સામે 909 છોકરીનાં જન્મ નોંધાયાં હતાં.

વર્ષ 2001ની વસતીગણતરી અને તેના આંકડાની વાત કરીએ તો આ આંકડો દર હજારે 883 છોકરીઓનો હતો.

ગુજરાત કરતાં વધુ ખરાબ પરિસ્થિત માત્ર મણિપુર (એક હજારે 808 છોકરીઓના જન્મ) દીવ-દમણમાં (898) છે.

અહેવાલ પ્રમાણે જન્મસમયે લિંગપ્રમાણની દૃષ્ટિએ આ ગુજરાતનું સતત બીજું ખરાબ વર્ષ છે. વર્ષ 2019માં ગુજરાત ભારતનાં રાજ્યોમાં સૌથી ઓછું જન્મસમયનું લિંગપ્રમાણ ધરાવતું રાજ્ય હતું. તે સમયે એક હજારે 901 બાળકીઓનાં જન્મ નોંધાયાં હતાં.

'ગુજરાત મૉડલનો ભ્રમ' ભાંગવો જરૂરી : મેવાણી

ધ પ્રિન્ટના એક અહેવાલ અનુસાર જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે તેઓ 'શાસનના ગુજરાત મૉડલના ભ્રમ'ને ભાંગવામાં મદદરૂપ થવા માગે છે.

મહેસાણાની કોર્ટ દ્વારા તેમને ત્રણ માસની સજા સંભળાવ્યાના એક દિવસ બાદ વેબસાઇટ સાથે કરેલી વાતચીતમાં તેમણે આ વાત જણાવી હતી.

નોંધનીય છે કે પાછલા કેટલાક દિવસોથી મેવાણી પોલીસ અને ન્યાયતંત્રની કાર્યવાહીઓને લીધે સતત ચર્ચામાં છે.

તેમના સમર્થકોનું માનવું છે કે ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકાર જિજ્ઞેશ મેવાણીને ગમે તેમ ફસાવવા માગે છે. જોકે ભાજપના નેતાઓ સતત આ વાતને રદિયો આપતા રહ્યા છે.

અગાઉ પત્રકારો સાથેની વાતચીતમાં તેઓ જણાવી ચૂક્યા છે કે તેમની સામે થયેલી તમામ કાર્યવાહીઓ 'કેન્દ્ર સરકારના તેમના પ્રત્યેના ડર'ને પ્રતિબિંબિત કરે છે.

ઉત્તર પ્રદેશમાં અઠવાડિયામાં કેટલાં લાઉડસ્પીકર હટાવાયાં?

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે શનિવારે દાવો કર્યો છે કે રાજ્યમાં અત્યાર સુધી એક લાખથી વધુ લાઉડસ્પીકર હટાવી દેવાયાં છે. તેમણે અધિકારીઓને લાઉડસ્પીકર ફરી ન લાગી શકે તે માટે સૂચના પણ આપી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર યોગી આદિત્યનાથે કહ્યું છે કે ધાર્મિક આયોજન ધાર્મિક સ્થળોનાં પરિસરની અંદર જ સીમિત હોવાં જોઈએ. કોઈ પણ તહેવાર કે પર્વનું આયોજન રસ્તા પર ન થવું જોઈએ અને આવાં આયોજનોને કારણે સામાન્ય નાગરિકોને કોઈ પરેશાની ન થવી જોઈએ.

ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર લાઉડસ્પીકર હટાવવા અને અન્ય લાઉડસ્પીકરોનો અવાજ નિર્ધારિત મર્યાદા સુધી સીમિત કરવાનું અભિયાન આ જ વર્ષે 25 એપ્રિલથી શરૂ કરાયું હતું અને જે એક મે સુધી ચાલ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો