બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરઃ આજે નૉમિનીઝનાં નામ જાહેર થશે

પ્રકાશિત

બીબીસીએ આ વર્ષે ‘બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર’ ઍવૉર્ડની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું છે અને આ પુરસ્કારનાં દાવેદારોનાં નામ આજે જાહેર કરવામાં આવશે.

આ પુરસ્કાર ભારતીય મહિલા ખેલાડીઓના યોગદાનનું સન્માન કરે છે અને દેશમાં રમતગમત ક્ષેત્રે મહિલાઓએ મેળવેલી સિદ્ધિઓને ઊજવે છે.

આ પુરસ્કાર માટે લોકો 28 ફેબ્રુઆરી, 2022ની સવારે સાડા અગિયાર વાગ્યાથી મતદાન કરી શકશે અને વિજેતાના નામની જાહેરાત 28 માર્ચ, 2022ના રોજ દિલ્હીમાં યોજાનારા એક સમારંભમાં કરવામાં આવશે. તમામ નિયમો તથા શરતો અને ગોપનીયતા સૂચનાની વિગત વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

પરિણામની જાહેરાત બીબીસીની ભારતીય ભાષાઓની વેબસાઇટ્સ તથા બીબીસી સ્પૉર્ટની વેબસાઇટ પર કરવામાં આવશે.

જે મહિલા ખેલાડીને લોકોના સૌથી વધુ મત મળશે તેમને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ યરનો પુરસ્કાર અર્પણ કરવામાં આવશે.

28 માર્ચે યોજાનારા કાર્યક્રમમાં બીબીસી પ્રતિષ્ઠિત મહિલા ખેલાડીનું લાઇફટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડ વડે સન્માન કરશે. બીબીસી ઊભરતાં ભારતીય ખેલાડીનું સન્માન પણ કરશે.

2020માં થઈ બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરની શરૂઆત

બીબીસીએ ફેબ્રુઆરી-2020માં પુરસ્કારનું પ્રારંભ કર્યો હતો. એ પછીના મુશ્કેલ સમયગાળામાં કોરોનાવાયરસ મહામારીએ જીવનના દરેક ક્ષેત્રને પ્રભાવિત કર્યું હતું. હવે આ ઍવૉર્ડ તેની ત્રીજી આવૃત્તિ સાથે પરત આવ્યો છે.

બીબીસીએ પસંદ કરેલી એક સમિતિએ પાંચ ભારતીય મહિલા ખેલાડીઓને આ વર્ષના પુરસ્કાર માટે શૉર્ટલિસ્ટ કરી છે. પસંદગી સમિતિમાં દેશના કેટલાક સૌથી વધુ પ્રમાણભૂત સ્પૉર્ટ્સ પત્રકારો, નિષ્ણાતો અને લેખકોનો સમાવેશ થાય છે.

પસંદગી સમિતિનાં સભ્યો દ્વારા જેમને સૌથી વધુ નૉમિનેશન્શ મળ્યાં છે એવી પાંચ મહિલા ખેલાડીઓને જાહેર મતદાન માટે નૉમિનેટ કરવામાં આવી છે.

ચેસ ખેલાડી કોનેરુ હમ્પી 2020નાં બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ યર ઍવર્ડનાં વિજેતા બન્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો