બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરઃ તમારી પસંદગીનાં ખેલાડીને મત આપો

પ્રકાશિત

બીબીસીએ આ વર્ષે ‘બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર’ ઍવૉર્ડની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું છે અને આ પુરસ્કાર માટેનાં નૉમિનેશન્સ જાહેર કર્યાં છે.

વર્ષ 2021ના આ ઍવૉર્ડ માટેનાં પાંચ દાવેદારોમાં ગૉલ્ફર અદિતિ અશોક, બૉક્સર લોવલીના બોર્ગોહાઈ, વેઇટલિફ્ટર મીરાબાઈ ચનૂ, પૅરાશૂટર અવનિ લેખરા અને બૅડમિન્ટન પ્લેયર પી વી સિંધુનો સમાવેશ થાય છે.

બીબીસી ન્યૂઝ ભારતનાં વડા રૂપા ઝા કહે છે કે, "મને જણાવતા ખુશી થાય છે કે દર વખતે બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરના નૉમિનીઝમાં નવી-નવી રમતોમાંથી નવાં નામ લેવામાં આવે છે. આ વખતનાં પાંચ નૉમિનીઝમાં ગોલ્ફરથી લઈને પૅરાલિમ્પિયનનો સમાવેશ કરાયો છે. ભારતીય સ્પૉર્ટ્સમાં ઝળહળતા સિતારાઓની ઉજવણી કરવામાં આવશે."

નૉમિનીઝની જાહેરાત થતા ગત વર્ષે બીબીસી લાઇફટાઇમ અચીવમૅન્ટ ઍવોર્ડ વિજેતા અંજુ બોબી જ્યૉર્જે ભારતમાં સ્પૉર્ટ્સની હાલની પરિસ્થિતિ અંગે આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે,"ભારત સ્પૉર્ટ્સવુમનને પ્રમોટ કરવા માટે ઘણું કરી રહ્યું છે. હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે, માળખાગત સુવિધાઓ વધી રહી છે. જોકે, હજુ પણ સારા એવા કોચની જરુર છે. વાલીઓએ પણ પોતાના બાળકોને સ્પૉર્ટ્સમાં કારકિર્દી બનાવવા મોકલવા જોઇએ. જોકે, તેમાં ઘણીવખત સુરક્ષાનાં કારણો સામે આવે છે."

આ પુરસ્કાર ભારતીય મહિલા ખેલાડીઓના યોગદાનનું સન્માન કરે છે અને દેશમાં રમતગમત ક્ષેત્રે મહિલાઓએ મેળવેલી સિદ્ધિઓને ઊજવે છે.

તમે બીબીસીની ભારતીય ભાષાઓની કોઈ પણ વેબસાઇટ (https://bbc.com.im/gujarati) અથવા બીબીસી સ્પૉર્ટ વેબસાઇટ પર લોગઇન કરીને તમારી મનપસંદ ભારતીય સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર માટે મત આપી શકો છો.

આ ઍવૉર્ડ માટે 28 ફેબ્રુઆરી, 2022ના રાત્રે 11.30 વાગ્યા સુધી મતદાન કરી શકાશે અને વિજેતાના નામની જાહેરાત 28, માર્ચ, 2022ના રોજ દિલ્હીમાં યોજાનારા એક સમારંભમાં કરવામાં આવશે. તમામ નિયમો તથા શરતો અને ગોપનીયતા સૂચનાની વિગત વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

પરિણામની જાહેરાત બીબીસીની ભારતીય ભાષાઓની વેબસાઇટ્સ અને બીબીસી સ્પૉર્ટ વેબસાઇટ પર પણ કરવામાં આવશે.

સૌથી વધુ મત મેળવનાર મહિલા ખેલાડી બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર બનશે.

આ વર્ષનાં નૉમિનીઝને મળો.

અદિતિ અશોક

અદિતિ અશોક પ્રોફેશનલ પ્લેયર બન્યાં ત્યારથી વિમેન્સ ગોલ્ફમાં ભારતની ઓળખ બની ગયાં છે.

અદિતિ 2016માં રિયો ઑલિમ્પિક્સમાં ભાગ લેવા ગયેલી ભારતીય ખેલાડીઓની ટુકડીનાં સૌથી યુવા સભ્યો પૈકીનાં એક હતાં. એ વખતે તેઓ 18 વર્ષની વયનાં હતાં.

તેમણે 23 વર્ષની વયે ટોક્યો ઑલિમ્પિક્સમાં ભાગ લીધો હતો.

ગોલ્ફમાં અદિતિએ મેળવેલી સફળતાને કારણે ભારતમાં વિમેન્સ ગોલ્ફમાં લોકોને રસ જાગ્યો છે. ગોલ્ફમાં વૈશ્વિક સ્તરે ભારતની સફળતા મર્યાદિત રહી છે.

અદિતિ 2016માં લેડીઝ યુરોપીયન ટૂર ઇવેન્ટ જીતેલાં સૌપ્રથમ ભારતીય ખેલાડી છે.

અવનિ લેખરા

20 વર્ષની વયનાં અવનિ લેખરા પૅરાલિમ્પિક ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતી ચૂકેલાં સૌપ્રથમ ભારતીય મહિલા છે. તેમણે ટોક્યો પૅરાલિમ્પિક્સમાં 10 મીટર ઍર રાઇફલ સ્ટૅન્ડિંગ એસએચ વન કૅટેગરીમાં નવો પૅરાલિમ્પિક વિક્રમ સર્જ્યો હતો.

અવનિએ ટોક્યો પૅરાલિમ્પિક્સમાં મહિલાઓની 50 મીટર રાઇફલ 3-પોઝિશન એસએચ વનમાં પણ બ્રૉન્ઝ જીત્યો હતો.

બાળપણમાં થયેલા ગંભીર કાર અકસ્માતને કારણે અવનિના શરીરનો કમરથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો છે.

અકસ્માત પછી અવનિના પિતાએ તેમને શૂટિંગમાં રસ લેવા પ્રેરિત કર્યાં હતાં. એ પછી અવનિએ ક્યારેય પાછું વાળીને જોયું નથી. સ્પૉર્ટ્સના શોખને આગળ ધપાવવાની સાથે અવનિ કાયદાનો અભ્યાસ પણ કરી રહ્યાં છે.

લવલીના બોરગોહાઈ

લવલીના બોરગોહાઈ ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતીને આ રમતોત્સવમાં ચંદ્રક પ્રાપ્ત કરનાર ત્રીજા ભારતીય બૉક્સર બન્યાં હતાં.

લવલીના વિવિધ ચૅમ્પિયનશિપ્સમાં અનેક મેડલ્સ જીત્યાં છે. 2018માં સૌપ્રથમ ઇન્ડિયા ઓપનમાં સુવર્ણચંદ્રક જીતીને લોૉવલીના પ્રકાશમાં આવ્યાં હતાં અને એ પછી ઑસ્ટ્રેલિયામાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ઈશાન ભારતીય રાજ્ય આસામમાં જન્મેલાં 24 વર્ષનાં લવલીનાએ તેમની બે મોટી બહેનો પાસેથી પ્રેરણા લઈને કિક બૉક્સર તરીકે શરૂઆત કરી હતી, પરંતુ આખરે બૉક્સિંગ તેમણે સિક્કો જમાવ્યો છે.

મીરાબાઈ ચનુ

સાઈખોમ મીરાબાઈ ચનુએ 2021માં ટોક્યો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર સૌપ્રથમ ભારતીય વેઇટલિફ્ટર બનીને પોતાનું નામ ભારતીય સ્પૉર્ટ્સના ઇતિહાસમાં નોંધાવ્યું હતું.

2016માં રિયો ગેમ્સમાં તેઓ વજન ઉંચકવામાં નિષ્ફળ રહ્યાં હતાં અને એ પછી તેમણે સ્પૉર્ટને લગભગ તિલાંજલિ આપી દીધી હતી. એ પછી તેમણે લાંબો પંથ કાપ્યો છે.

મીરાબાઈ ચનુએ 2017માં યોજાયેલી વર્લ્ડ વેઇટલિફટિંગ ચૅમ્પિયનશિપ્સમાં પણ સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો.

ઈશાન ભારતીય રાજ્ય મણીપુરમાં જન્મેલાં અને ચાના સ્ટૉલના માલિકનાં પુત્રી મીરાબાઈએ રમતગમત ક્ષેત્રે તેમની કારકિર્દીમાં પ્રારંભિક તબક્કે પારાવાર નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તમામ અવરોધોને પાર કરીને તેઓ ઑલિમ્પિક ચૅમ્પિયન બન્યાં છે.

પી વી સિંધુ

બૅડમિન્ટન ખેલાડી પુસર્લા વેંકટ (પી વી) સિંધુ ઑલિમ્પિક્સમાં બે વ્યક્તિગત મેડલ્સ જીત્યાં હોય તેવાં સૌપ્રથમ ભારતીય ખેલાડી છે. ટોક્યો ગેમ્સમાં તેઓ બ્રૉન્ઝ મેડલ જીત્યાં હતાં, જે ઑલિમ્પિક્સમાં તેમણે જીતેલો બીજો મેડલ હતો. 2016માં રિયો ગેમ્સમાં તેઓ સિલ્વર મેડલ જીત્યાં હતાં.

પી વી સિંધુએ બૅડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (બીડબલ્યુએફ) વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં સિલ્વર મેડલ જીતીને 2021નું વર્ષ પૂર્ણ કર્યું હતું. જાન્યુઆરી-2022માં તેઓ સૈયદ મોદી ઇન્ટરનેશનલ બૅડમિન્ટન ટાઇટલના વિજેતા પણ બન્યાં હતાં.

તેમણે 2019માં વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સમાં સુવર્ણચંદ્રક જીતનાર સૌપ્રથમ ભારતીય ખેલાડી બનીને ઇતિહાસ સર્જ્યો હતો. તેમણે સપ્ટેમ્બર-2012માં 17 વર્ષની વયે બીડબલ્યુએફના ટૉપ 20 વર્લ્ડ રૅન્કિંગમાં સ્થાન મેળવ્યું હતું.

લોકોએ આપેલા મતના આધારે તેઓ 2019માં સૌપ્રથમ બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરના વિજેતા બન્યાં હતાં.

28 માર્ચે યોજાનારા કાર્યક્રમમાં બીબીસી પ્રતિષ્ઠિત મહિલા ખેલાડીનું લાઇફટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડ વડે સન્માન કરશે. બીબીસી ઊભરતાં ભારતીય ખેલાડીનું સન્માન પણ કરશે.

બીબીસીએ ફેબ્રુઆરી-2020માં પુરસ્કારનો પ્રારંભ કર્યો હતો. એ પછીના મુશ્કેલ સમયગાળામાં કોરોનાવાયરસ મહામારીએ જીવનના દરેક ક્ષેત્રને પ્રભાવિત કર્યું હતું. હવે આ ઍવૉર્ડ તેની ત્રીજી આવૃત્તિ સાથે પરત આવ્યો છે.

ચેસ ખેલાડી કોનેરુ હમ્પી 2020ના બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ યર ઍવૉર્ડના વિજેતા બન્યાં હતાં.

બીબીસીએ પસંદ કરેલી એક સમિતિએ પાંચ ભારતીય મહિલા ખેલાડીઓને આ વર્ષના પુરસ્કાર માટે શૉર્ટલિસ્ટ કરી છે.

પસંદગી સમિતિમાં દેશના કેટલાક સૌથી વધુ પ્રમાણભૂત સ્પૉર્ટ્સ પત્રકારો, નિષ્ણાતો અને લેખકોનો સમાવેશ થાય છે.

પસંદગી સમિતિના સભ્યો દ્વારા જેમને સૌથી વધુ નૉમિનેશન્શ મળ્યાં છે એવી મહિલા ખેલાડીઓને જાહેર મતદાન માટે નૉમિનેટ કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો