You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑમિક્રોન : ગુજરાતમાં કોરોનાના 20 હજારથી વધુ કેસ, શું-શું નવા પ્રતિબંધો લાગુ કર્યા?
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે લાદવામાં આવેલા નિષેધાત્મક આદેશોને વધુ એક અઠવાડિયા માટે લંબાવી દેવામાં આવ્યા છે.
શુક્રવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના મંત્રીઓ તથા ઉચ્ચઅધિકારીઓની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં આઠ મહાનગરપાલિકા ઉપરાંત બે શહેર તથા 19 નગરમાં નિષેધાત્મક આદેશ આપવામાં આવ્યા છે.
આ શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી રાત્રિકર્ફ્યૂ લાગુ રહેશે.
બીજી બાજુ રાજ્યમાં સળંગ બીજા દિવસે 20 હજાર કરતાં વધુ કેસ નોંધાયા હતા અને રાજ્યમાં ઍક્ટિવ કેસની સંખ્યા એક લાખ કરતાં વધુ થઈ ગઈ છે, જેમાંથી 172 દર્દીઓ વૅન્ટિલેટર પર છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં આપવામાં આવેલા આદેશો તા. 22મી જાન્યુઆરી સુધી અમલી હતા, જ્યારે નવા આદેશ તા. 29 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.
રાજ્યમાં કયાં-કયાં નિયંત્રણો લાગુ થશે
આઠ મ્યુનિસિપલ કૉર્પોરેશન (અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, વડોદરા, સુરત અને ભાવનગર) ઉપરાંત નડિયાદ અને આણંદમાં રાત્રિકર્ફ્યૂ લાગુ રહેશે.
આ સિવાય સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ગોધરા, વીજલપોર- જિ. નવસારી, કલોલ - જિ. ગાંધીનગર, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, ગોંડલ, જેતપુર - જિ. રાજકોટ અને કાલાવડ - જિ. જામનગરમાં રાત્રિકર્ફ્યૂ લાગુ રહેશે.
ધો. નવથી અનુસ્નાતક સુધીના વિદ્યાર્થીઓ માટે શાળાઓ બેઠકક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે. આ સિવાય સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કોચિંગ સેન્ટર વગેરે ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે. તેમજ શાળા, કૉલેજ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરને અનુસરીને સ્પર્ધા લઈ શકાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉપરોક્ત શહેરોમાં તમામ વાણિજ્યક સંસ્થાઓ રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રહી શકશે.
હોટલોમાં કુલ બેઠકક્ષમતાના 75 ટકા સુધી રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે, જ્યારે હોટલ રેસ્ટોરાંમાંથી 24X7 હોમ ડિલિવરી કરી શકાશે.
અંતિમક્રિયા તથા દફનવિધિમાં મહત્તમ 100 લોકો સામેલ થઈ શકશે.
લગ્નપ્રસંગમાં ખુલ્લામાં મહત્તમ 150 લોકો અને બંધ સ્થળોએ બેઠકક્ષમતાના 50 ટકા (150ની મર્યાદા સાથે) લોકો હાજર રહી શકશે.
જાહેર કે ખાનગી સાર્વજનિક પરિવહન બસ સેવાઓને 75 ટકાની બેઠકક્ષમતા સાથે ચલાવી શકાશે, જ્યારે મુસાફરો ઊભા-ઊભા સફર નહીં કરી શકે.
સિનેમાહૉલ, જિમ, વૉટરપાર્ક, સ્વિમિંગ-પૂલ, વાંચનાલય, ઍસેમ્બલીહૉલ, મનોરંજનસ્થળો કુલ બેઠકક્ષમતાના 50 ટકા સાથે ખુલ્લાં રાખી શકાશે, જ્યારે જાહેર બાગબગીચા રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે, ગુજરાતમાં ગત 24 કલાક દરમિયાન કોરોનાના 21 હજાર 225 નવા કેસ નોંધાયા છે.
સતત બીજા દિવસે આંકડો 20 હજાર કરતાં વધુનો રહ્યો હતો.
રાજ્યમાં કોરોનાના એક લાખ 16 હજાર 843 ઍક્ટિવ કેસ છે. ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં 16 લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાં અમદાવાદ કૉર્પોરેશન વિસ્તારમાં આઠ, સુરત જિલ્લામાં ચાર અને વડોદરા જિલ્લામાં બે મુખ્ય છે. કુલ મરણાંક 10 હજાર 255 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં પહેલા, બીજા, બૂસ્ટર ડોઝ તથા સગીરવયના સહિત કુલ નવ કરોડ 60 લાખ કરતાં વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
ગત 24 કલાક દરમિયાન નવ હજાર 245 દરદીઓએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં કુલ આઠ લાખ 95 હજાર 730 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો