You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓમિક્રૉન : કોરોનાના કેસ વધતાં PM મોદીએ દેશના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી
દેશભરમાં કોરોના વાઇરસની વણસી રહેલી પરિસ્થિતિ મુદ્દે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.
ભારતમાં હાલ કોરોનાના 11 લાખ કરતાં વધારે ઍક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટના પાંચ હજાર કરતાં વધુ ઍક્ટિવ કેસ છે.
'એનડીટીવી'ના અહેવાલ પ્રમાણે, સતત વધી રહેલા કેસો અને વણસી રહેલી પરિસ્થિતિ વચ્ચે વડા પ્રધાન મોદીની બેઠકમાં કૉંગ્રેસશાસિત રાજસ્થાનના અશોક ગેહલોત, છત્તીસગઢના ભૂપેશ બઘેલ, પંજાબના ચરણજિતસિંહ ચન્ની ઉપરાંત કર્ણાટકના બી. બોમ્બાઈ, આસામના હેમંતા બિશ્વા શર્મા અને ત્રિપુરાના બિપલવ દેવ સહિતના મુખ્ય મંત્રીઓએ હાજરી આપી હતી.
બપોરે સાડા ચાર વાગ્યાથી શરૂ થયેલી આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
નરેન્દ્ર મોદીએ 15થી 18 વર્ષના યુવામાં રસીકરણનો વ્યાપ વધારવા જરૂરી વ્યવસ્થા કરવા રાજ્યોને જણાવ્યું હતું.
આ સિવાય 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ તથા સહબીમારી ધરાવનારાઓમાં રસીકરણ વધારવા પર ભાર મૂક્યો છે.
ટેસ્ટિંગ તથા જીનૉમ સિક્વન્સિંગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં સ્વાસ્થ્યક્ષેત્રે ઓમિક્રૉન વૅરિયન્ટે ચિંતા વધારી દીધી છે. રવિવારે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડા પ્રધાને રાજ્યોને જિલ્લાકક્ષાએ જરૂરી સ્વાસ્થ્યની માળખાગત સુવિધાઓમાં વધારો કરવા તેમજ રસીકરણ યુદ્ધના ધોરણે વધારવા માટે અનુરોધ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં કોરોના વાઇરસની સ્થિતિ
ગુજરાતમાં ગુજરાતમાં બુધવારે કોરોનાના 9,941 નવા કેસ નોંધાયા છે, જે પાછલા 240 દિવસમાં નોંધાયેલા સૌથી વધુ નવા કેસ છે.
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના 46,723 નવા કેસ નોંધાયા હતા. ઉપરાંત ઓમિક્રૉન વૅરિયન્ટના 86 નવા કેસ નોંધાયા હતા.
ઓમિક્રૉન વૅરિયન્ટના આ નવા કેસ પૈકી મુંબઈમાંથી 21, પુણેમાંથી 53, પિંપરી ચિંચવાડમાંથી છ, સાતારામાંથી ત્રણ અને નાસિકમાંથી બે કેસ નોંધાયા છે.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, મુંબઈમાં બુધવારે કોરોના કેસોમાં અચાનક 40 ટકા ઊછાળો જોવા મળ્યો છે. મંગળવારે 11,647 કેસો નોંધાયા બાદ બુધવારે 16,420 કેસો નોંધાયા છે.
દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, ગુરુવારે પણ રાજધાની દિલ્હીમાં 27,500 જેટલા કોરોના કેસ નોંધાઈ શકે છે. જોકે છેલ્લા ચાર દિવસમાં કેસ વધ્યા હોવા છતાં રાજધાનીમાં હૉસ્પિટલાઇઝેશનનો દર સ્થિર રહ્યો છે.
દિલ્હીમાં હૉસ્પિટલોમાં બેડ ઑક્યુપન્સી એટલે કે કુલ બૅડ પૈકી ભરાયેલા બેડની સંખ્યા 15 ટકાની આસપાસ છે. તેમણે આગામી દિવસોમાં કેસ ઘટશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી જાહેર થયા બાદ ઉત્તરાખંડમાં ચૂંટણી માટે ફરજ પર મુકાયેલા 30 બીએસએફ જવાનો પણ કોરોના સંક્રમિત થયા છે. ઉત્તરાખંડનાં કોટદ્વાર સર્કલ ઑફિસરે આ વાતની પુષ્ટિ કરી હતી.
આ સિવાય મોટા નેતાઓ પણ કોરોના વાઇરસથી ઝપેટમાં આવી ગયા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો