You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કન્ઝર્વેટિવ સાંસદોના બળવા છતાં બ્રિટનમાં કોવિડ પાસને સંસદે આપી મંજૂરી
કન્ઝર્વેટિવ પક્ષના સંસદસભ્યોએ કરેલા જોરદાર બળવા છતાં વડા પ્રધાન બોરિસ જૉન્સન બ્રિટનમાં કોવિડ પાસ માટે મોટા ભાગના સંસદસભ્યોનો ટેકો મેળવવામાં સફળ થયા છે. કન્ઝર્વેટિવ પક્ષના સંસદસભ્યોનો બળવો, તેમના જ પક્ષના બોરિસ જૉન્સન વડાપ્રધાન બન્યા પછીનો સૌથી મોટો બળવો છે.
કન્ઝર્વેટિવ પક્ષના કૂલ 99 સંસદસભ્યોએ સરકાર વિરુદ્ધ મતદાન કર્યું હતું, પરંતુ કોવિડ સંબંધી પગલાંની દરખાસ્તને લેબર પાર્ટીના ટેકાને લીધે 243 મતોથી મંજૂરી મળી હતી.
તેથી હવે બ્રિટનમાં નાઇટ ક્લબ સહિતનાં મોટાં સ્થળોમાં પ્રવેશ માટે એનએચએસ કોવિડ પાસ દેખાડવા બુધવારથી અનિવાર્ય બનશે. તાજેતરમાં જેમનો કોવિડ ટેસ્ટ નેગિટવ આવ્યો હોય અથવા જેમણે સંપૂર્ણ વૅક્સિનેશન કરાવ્યું હોય તેવા લોકો આ પાસ મેળવી શકશે.
મોટા ભાગના ઇન્ડોર સેટિંગમાં માસ્ક ફરજિયાત પહેરવાની દરખાસ્તને પણ સંસદસભ્યોએ અનુમોદન આપ્યું હતું.
લેબર પાર્ટીના નેતા સર કેઈર સ્ટારમેરે જણાવ્યું હતું કે કોવિડ પાસના મુદ્દે કન્ઝર્વેટિવ પક્ષના સંસદસભ્યોએ કરેલો બળવો "વડા પ્રધાનની અગાઉથી જ નબળી પડેલી સત્તા પરનો નોંધપાત્ર ફટકો છે."
તેમણે કહ્યું હતું, "આ બળવો દર્શાવે છે કે તેઓ (બોરિસ જૉન્સન) સરકારની મૂળભૂત કામગીરી કરવા માટે પણ બહુ નબળા છે."
આરોગ્યમંત્રી ગિલિયન કીગને સ્વીકાર્યું હતું કે કન્ઝર્વેટિવ પક્ષના સંસદસભ્યો માટે નિર્ણય કરવાનું "મુશ્કેલ" હતું, કારણ કે ઓમિક્રૉન વૅરિયન્ટ બાબતે વિજ્ઞાનીઓ પાસેથી "આંશિક માહિતી" જ મળી છે.
તેમણે કહ્યું હતું, "અમે થોડો સમય રાહ જોવાનું નક્કી કર્યું હતું. આ ભયંકર વાઇરસના સંક્રમણની ગતિ ધીમી પાડવી અત્યંત જરૂરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોવિડ પાસ મુદ્દે મતદાન પહેલાં વડા પ્રધાને સરકારનાં પગલાંને ટેકો આપવા તેમના પક્ષને છેલ્લી ઘડીએ વિનતી કરી હતી. તેમણે આગામી શિયાળામાં કોરોના વાઇરસના ચેપમાં સંભવિત ઉછાળાના સામના માટેની યોજનાની રૂપરેખા પણ રજૂ કરી હતી.
તેમ છતાં કન્ઝર્વેટિવ પક્ષના સંસદસભ્યોએ હાઉસ ઑફ કૉમન્સમાં કોવિડ પાસ વિશેની ચર્ચા દરમિયાન વડા પ્રધાનની ટીકા કરી હતી.
કોવિડ પાસ સંબંધી મતદાન બાદ કન્ઝર્વેટિવ પક્ષના એક બળવાખોર સર જ્યૉફ્રી ક્લિફ્ટન-બ્રાઉને જણાવ્યું હતું કે આ બળવાનું કદ સૂચવે છે કે બોરિસ જૉન્સનના નેતૃત્વ સામે આગામી વર્ષે મોટો પડકાર સર્જાશે.
બીજા એક બળવાખોર સર ચાર્લ્સ વૉકરે બીબીસીને જણાવ્યું હતું કે કન્ઝર્વેટિવ પક્ષના ઘણા સંસદસભ્યોએ વડા પ્રધાનને ટેકો આપ્યો હતો, પરંતુ કેટલાક સભ્યોનો બળવો ચોક્કસ પગલાં સામેની "પીડાનો પોકાર" હતો. ઘણા લોકો એ પગલાંને વ્યક્તિગત સ્વાતંત્ર્ય પરનો હુમલો ગણી રહ્યા છે. એ પગલાંથી કોવિડનો પ્રસાર રોકી શકાશે નહીં, એવું પણ તેઓ માને છે.
કોવિડના નવા વૅરિયન્ટના આગમનને પગલે સરકારે લોકોના સ્વાસ્થના રક્ષણ માટે સક્રિય થવું પડ્યું છે.
ઓમિક્રૉનનો પ્રકોપ અનુમાન અનુસાર મોટા પ્રમાણમાં ફાટી નીકળશે તો વર્તમાન રાજકીય ચર્ચા ઝડપથી નિરર્થક બની જશે.
જોકે, અત્યારે મંત્રીઓ દ્વારા લેવામાં આવી રહેલાં પગલાં સંબંધી કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોની આશંકા ચોક્કસ મુદ્દાઓ વિશેની નહીં, પરંતુ દૂરદર્શિતાના અભાવ વિશેની છે.
કન્ઝર્વેટિવ સાંસદોના બળવા છતાં બ્રિટનમાં કોવિડ પાસને સંસદે આપી મંજૂરી
હેડ ક્લાર્ક પરીક્ષા : પેપર લીક થયાના નક્કર પુરાવા નથી, અધિકારીએ બીજું શું કહ્યું?
રવિવારે રાજ્યના છ જિલ્લામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની ખાલી 186 જગ્યાઓની ભરતી માટે લેખિત પરીક્ષા યોજાઈ હતી.
આ પરીક્ષા યોજાયા બાદ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કેટલાક પુરાવા સાથે પેપર લીક થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ આક્ષેપો બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચૅરમૅન અસિત વોરાએ આજે પત્રકારપરિષદ યોજીને આ અંગે ખુલાસો કર્યો હતો.
તેમણે કહ્યું કે, "પેપર લીક થવાની વાત વહેતી થઈ, ત્યારથી આજ સુધી લેખિત ફરિયાદ આવી નથી."
"સોશિયલ મીડિયા પર વહેતા થયેલા ફોટો અને આક્ષેપ કરનાર યુવરાજસિંહ દ્વારા રજૂ કરાયેલા પુરાવા પરીક્ષા બાદના હતા. જેથી તે માન્ય નથી. જો પરીક્ષા પહેલાં આ અંગેની જાણ કરાઈ હોત તો તેને માન્ય રાખવામાં આવ્યા હોત."
પોલીસ દ્વારા કરાઈ રહેલી તપાસ અંગે તેમણે કહ્યું કે, "સમાચારપત્રો અને મીડિયામાં વહેતા થયેલા અહેવાલો બાદ સાબરકાંઠા પોલીસ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોલીસે તેમની પાસેથી પરીક્ષાને લગતી તમામ માહિતી મેળવી હતી."
અસિત વોરાના જણાવ્યા પ્રમાણે પોલીસ હાલમાં 15થી 16 જેટલી ટીમો બનાવીને રાજ્યભરમાં તપાસ કરી રહી છે.
તેમણે યુવરાજસિંહ દ્વારા જે ફાર્મહાઉસની વાત કરવામાં આવી ત્યાં પણ તપાસ કરી છે અને હાલમાં પણ સઘન તપાસ કરાઈ રહી છે.
હાલમાં જ્યાં સુધી પોલીસ તપાસ કરી રહી છે, ત્યાં સુધી આન્સર કી જાહેર કરવાની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.
હેલિકૉપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચેલા ગ્રૂપ કૅપ્ટન વરુણસિંહનું મૃત્યુ
8 ડિસેમ્બરના રોજ તામિલનાડુના કુન્નુરમાં ભારતીય વાયુસેનાનું એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર ક્રૅશ થયું હતું.
જેમાં સવાર ભારતીય સેનાના 11 જવાનો સહિત ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમનાં પત્નીએ પણ જીવ ગુમાવ્યો હતો.
જ્યારે આ ઘટનામાં બચી ગેયલા એકમાત્ર જવાન ગ્રૂપ કૅપ્ટન વરુણસિંહનું આજે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
ભારતીય વાયુસેના દ્વારા ટ્વિટરના માધ્યમથી આ માહિતી આપવામાં આવી છે.
લખીમપુર ખીરી : સંસદમાં વિપક્ષે મોદી સરકારને ઘેરી, ગૃહ સસ્પેન્ડ
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી ખાતે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા 'પૂર્વાયોજિત કાવતરું' હોવાનું એસઆઈટી દ્વારા જણાવવામાં આવ્યું છે, જે અંગે આજે લોકસભામાં પણ હોબાળો થયો હતો.
લોકસભામાં વિપક્ષ દ્વારા આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો અને હોબાળો થતાં લોકસભાને બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે, ત્યારે ભાજપ ધર્મના રંગે રંગાઈ જાય છે અને દરેક બાબતને ધર્મથી જુએ છે. સરકારે ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાને સસ્પેન્ડ કરવા જોઈએ.
જ્યારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે "તેઓ અમને બોલવા દેવા માગતા નથી."
"અમે કહ્યું કે ચુકાદો આવ્યો છે અને તેમાં મંત્રી સામેલ હોવાનો ઉલ્લેખ છે, તો ચર્ચા થવી જોઇએ, પણ તે લોકો ચર્ચા કરવા માગતા જ નથી."
ગુજરાતના દલિત યુવકની 'આત્મહત્યા', 'ઉચ્ચ જ્ઞાતિમાં હોત તો ભોગવવું ન પડ્યું હોત'
પોલીસના જણાવ્યા પ્રમાણે અમદાવાદ જિલ્લામાં આવેલા લાંભા ગામે રહેતા વાલ્મિકી સમાજના એક યુવકે 10 ડિસેમ્બરના રોજ તેમનાં વિધવા માતાની સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, મૃતક દિલીપ સોલંકી તેમનાં વિધવા માતા સાથે રહેતાં હતાં અને છૂટક મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
આ મામલે અસલાલી પોલીસે અકસ્માત મોત નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. તેમના પરિવારજનોએ તેમનો સામાન તપાસતા તેમાંથી એક ડાયરી મળી આવી હતી.
આ ડાયરીમાં મૃતકે એક વ્યક્તિ અને તેનાં માતા દ્વારા જ્ઞાતિસૂચક શબ્દો સાથે કરાયેલી હેરાનગતિ અંગે વ્યથા ઠાલવી હતી.
તેમણે લખ્યું હતું કે આ લોકો મને અને મારાં માતાને ગાળો દેતાં હતાં. અમારી જ્ઞાતિ અને ધર્મને પણ જેમ ફાવે એમ બોલતા હતા અને હું કંઈ ના કરી શક્યો.
તે આગળ લખે છે કે, જો હું દિલિપસિંહ દરબાર કે દિલીપ સોલંકી હોત તો મારે આ ન ભોગવવું પડતું.
ડાયરી અંગે અસલાલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો