અભિનંદનને વીરચક્ર : ગ્રૂપ કૅપ્ટનનું જેનાથી સન્માન થયું એ પુરસ્કાર શું છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ભારતીય સેનાના બહાદુર નાયકોને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. કેટલાકને મરણોપરાંત સન્માન પણ મળ્યું છે.

રાષ્ટ્રપતિભવન ખાતે આયોજિત સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથસિંહની હાજરીમાં સમારંભ યોજાયો હતો. ભારતીય વાયુસેના માટે આજનો દિવસ ઘણો મહત્ત્વપૂર્ણ રહ્યો હતો.

2019માં 27 ફેબ્રુઆરીના રોજ એક પાકિસ્તાની એફ-16 ફાઇટર વિમાનને હવાઈયુદ્ધમાં તોડી પાડનારા ગ્રૂપ કૅપ્ટન અભિનંદન વર્થમાનને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે 'વીરચક્ર'થી સન્માનિત કરવામાં આવ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે બાલાકોટ ઍરસ્ટ્રાઈક વખતે તેઓ વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા, પરંતુ હવે તેમને પ્રમોટ કરીને ગ્રૂપ કૅપ્ટન બનાવી દેવામાં આવ્યા છે.

ઘટનાની વાત કરીએ તો 14 ફેબ્રુઆરી, 2019ના દિવસે ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામા ખાતે CRPFના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતના 40 જવાનોએ જીવ ગુમાવ્યા હતા.

આ હુમલાનો જવાબ આપવા માટે ભારતીય વાયુસેનાએ 26-27 ફેબ્રુઆરીની રાત્રિના સમયે પાકિસ્તાનના બાલાકોટ ખાતે ઍરસ્ટ્રાઈક કરી હતી.

અભિનંદન પર અભિનંદનની વર્ષા

ઍરસ્ટ્રાઈકના બીજા જ દિવસે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનની વાયુસેનાએ ભારતની હવાઈસીમામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો જેને ભારતીય વાયુસેનાએ નિષ્ફળ બનાવ્યો હતો.

તેમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન એ સમયે મિગ-21 ઉડાવી રહ્યા હતા જેની મદદથી તેમણે પાકિસ્તાનના એફ-16ને તોડી પાડ્યું હતું.

જોકે બાદમાં અભિનંદનનું વિમાન પાકિસ્તાનની સરહદમાં ક્રૅશ થઈ ગયું હતું અને પાકિસ્તાની સેનાએ તેમને બંધક બનાવી લીધા હતા.

ભારતના દબાણને વશ થઈને પાકિસ્તાને લગભગ ત્રણ દિવસ બાદ અભિનંદનને મુક્ત કર્યા હતા.

અભિનંદને મિગ-21 વડે એફ-16ને તોડી પાડ્યું હતું તેને કારણે તેમની ભારે પ્રશંસા થઈ હતી.

એફ-16 ખૂબ જ આધુનિક ફાઈટર પ્લેન છે, જેને અમેરિકાએ બનાવ્યું છે. જ્યારે મિગ-21 રશિયા દ્વારા બનાવાયેલું વિમાન છે. ભારતે 1970ના દાયકામાં રશિયા પાસેથી મિગ-21 ખરીદ્યાં હતાં.

વીરચક્ર શું છે, તે ક્યારે આપવામાં આવે છે?

વીરચક્ર, પરમવીરચક્ર, મહાવીરચક્ર, શૌર્યચક્રનાં સન્માન સરકાર તરફથી આપવામાં આવે છે, ત્યારે તે માત્ર સેનાનાયક કે જવાનનું નહીં પણ તેના યુનિટ અને સમગ્ર આર્મીનું સન્માન હોય છે.

વીરચક્ર યુદ્ધ સમયે વીરતાનું પદક છે. આ સન્માન સૈનિકોને અસાધારણ વીરતા અથવા બલિદાન માટે આપવામાં આવે છે.

આ પદક મરણોપરાંત પણ આપવામાં આવે છે. વીરચક્ર પુરસ્કાર 26 જાન્યુઆરી, 1950થી આપવામાં આવે છે.

વિંગ કમાન્ડર અભિનંદન પહેલાં આ પુરસ્કાર વર્ષ 2000માં કારગિલ યુદ્ધ દરમિયાન ઑપરેશન વિજયમાં વીરતા-પ્રદર્શન બદલ હવાલદાર ચુનીલાલને આપવામાં આવ્યો હતો.

અત્યાર સુધી કોને-કોને વીરચક્ર મળ્યું છે?

અત્યાર સુધી કુલ સેનાના 36 વીરોનું વીરચક્રથી સન્માન કરાયું છે. તેમાં કારગિલ યુદ્ધના વીર જવાનો, પાકિસ્તાન યુદ્ધ સામેના વીર જવાનો, ચીન સામેની અથડામણમાં સાહસ બતાવનારા વીરોનું સન્માન કરાયું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો