ગુજરાતનાં દરિયાકાંઠા પાસેથી ફરી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું - પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતીય જળસીમામાંથી ગુજરાતના દરિયાકાંઠેથી ફરી એક વખત હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.

ભારતીય નેવી અને એનસીબીએ સંયુક્ત ઑપરેશન પાર પાડીને એક બોટમાંથી આશરે બે હજાર કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું છે.

આ ડ્રગ્સમાં 234 કિલોગ્રામ મૅથમફૅટામાઇન (ક્રિસ્ટલ મૅથ), 529 કિલોગ્રામ હશીશ (ચરસ) અને હૅરોઇનના થોડાક જથ્થાનો સમાવેશ થાય છે.

એનસીબી વેસ્ટર્ન રીજનનાં વડા શૈલેન્દ્રસિંહે બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "એનસીબીને આ ડ્રગ્સ તસ્કરીની બાતમી મળી હતી અને ગુજરાતના દરિયાકાંઠે ઇન્ડિયન નેવીના નેવલ ઇન્ટેલિજન્સ યુનિટ સાથે મળીને આ ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું."

તેમણે વધુમાં કહ્યું હતું કે, "એનસીબીને મળેલી બાતમીના આધારે ઇન્ડિયન નેવીએ ભારતીય જળસીમામાં સર્વેલન્સ વધાર્યું હતું અને ચોક્કસ બાતમીવાળી બોટ આવતા તેને અટકાવીને તપાસ કરવામાં આવી હતી."

તેમના જણાવ્યા પ્રમાણે, આ બોટને હાલ જામનગર લાવવામાં આવી છે. જ્યાં ડ્રગ્સનાં જથ્થાની સાથેસાથે તેમને લાવનારા શખ્સોની તપાસ ચાલી રહી છે.ગુજરાતનાં દરિયાકાંઠા પાસેથી ફરી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદમાં બંદૂકો બનાવીને યમનમાં મોકલવાનું કાવતરું?

અમદાવાદમાં યમનના એક 36 વર્ષીય નાગરિકની એકે-47 અને અન્ય ઍસૉલ્ટ રાઇફલ સાથે ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચે દાવો કર્યો છે કે આરોપી પાસેથી પકડાયેલી રાઇફલનું ઉત્પાદન અમદાવાદની ઓઢવ અને કઠવાડાની એન્જિનિયરિંગ ફર્મમાં કરાયું છે.

'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'માં આ સમાચાર પ્રકાશિત કરાયા છે.

અહેવાલ અનુસાર બાતમીના આધારે શહેરની ક્રાઇમ બ્રાન્ચે નરોડાની હોટલમાંથી આરોપી અબ્દુલ અલ-અલાઝાનીની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચને કઠવાડા જીઆઈડીસીની બે ફેકટરીમાંથી 150 જેટલા મીણના મોલ્ડ અને ચાર ડાય મળી આવ્યાં છે.

પોલીસના કહેવા પ્રમાણે આરોપીએ આ રાઇફલના પાર્ટ યમન મોકલવાની યોજના ઘડી હતી. આરોપી 10 ટકા કમિશનથી આ કામ કરવાના હોવાનું પોલીસે દાવો કર્યો છે.

ઉલ્લેખનિય છે કે યમનમાં ચરમપંથી અલ-કાયદા અને હુથી બળવાખોરો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે અને આ ગૃહયુદ્ધમાં હજારો લોકોનો ભોગ લેવાઈ ચૂક્યો છે.

કોરોના મહામારી : 2022ના અંત સુધી સાવધ રહેવું પડશે?

કોરોના મહામારીનાં બે વર્ષ પછી વિશ્વભરની સરકારો કોવિડ -19ને ભુતકાળ બનાવવા આતુર છે, પરંતુ 'બ્લુમબર્ગ'ને આપેલી મુલાકાતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને હજુ ઉતાવળ નહીં કરવા જણાવ્યું છે.

કોરોનાની ઉત્પત્તિને લઈને કરવામાં આવેલા સવાલમાં તેમણે કહ્યું, "એચઆઈવી, ઝીકા, એબોલા, કોરોના જેવા લગભગ તમામ વાયરસ પ્રાણીમાંથી બહાર આવ્યા છે. જિનિટેક કડીઓ દર્શાવે છે કોવિડ ચામાચિડિયામાંથી ફેલાયો હોઈ શકે છે. જોકે, કોરોનાનું સંક્રમણ ક્યારે અને ક્યાં માણસમાં ફેલાયું એ આપણે બરાબર જાણી શક્યા નથી. ભાવિ મહામારીને નાથવા માટે એ સમજવું મહત્ત્વપૂર્ણ છે."

સ્વામીનાથને ઉમેર્યું, "ભુતકાળમાં પણ વાયરસના મૂળને સમજવામાં વર્ષો લાગ્યાં હતાં. SARS સિવેટ બિલાડીઓમાંથી અને MERS ઊંટમાંથી ફેલાય છે અને એચઆઈવી ચિમ્પાન્ઝીમાંથી આવ્યો, એ સમજવામાં વર્ષો લાગ્યાં હતાં. "

વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિકના મતે કોરોના મહામારી 2022ના અંત સુધીમાં સમાપ્ત થઈ શકે છે, પણ ત્યાં સુધી સાવધ રહેવાની જરૂર છે.

જોકે, અન્ય વાયરસની જેમ કોરોના સાથે જીવતા શીખવું પડશે, એવું પણ સૌમ્યા સ્વામીનાથન જણાવે છે.

ભારતમાં હિજાબ વિવાદ પર અમેરિકાની પ્રતિક્રિયા

વિદેશમાં ધાર્મિક સ્વતંત્રતા પર દેખરેખ રાખતી અમેરિકાની સરકારી સંસ્થાએ હિજાબ વિવાદને લઈને કર્ણાટક સરકારની ટીકા કરી છે.

ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (આઈઆરએફ)ના રાજદૂત રશદ હુસૈને ટ્વીટમાં લખ્યું, "શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે."

તેમણે કહ્યું છે કે, "ધાર્મિક સ્વતંત્રતામાં કોઈ પણ વ્યક્તિ માટે તેમના ધાર્મિક પોશાકની પસંદગી કરવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાથી ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન થાય છે. તે મહિલાઓને હાંસિયામાં ધકેલી દે છે."

જોકે, ભારતે હજુ સુધી રશદ હુસૈનની ટિપ્પણી પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો