IPL 2021 ફાઇનલ: મહેન્દ્રસિંહ ધોનીની સેના સામે મૉર્ગનની ટીમ કેટલી સક્ષમ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

શુક્રવારે દુબઈ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)નો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સાથે થશે.

મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં સીએસકે ચોથી વખત આ ખિતાબ પર કબજો જમાવવાના ઇરાદા સાથે મેદાન ઉપર ઊતરશે, તો ઈયૉન મૉર્ગન ત્રીજી વખત કેકેઆરને વિજેતા બનાવવા માટે પ્રયાસ કરશે.

સીએસકે તથા કેકેઆર માટે ટ્રૉફી માટે ફાઇનલમાં ટક્કર પહેલી વખત નહીં હોય, આ પહેલાં 2012માં બંને વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં કેકેઆરનો પાંચ વિકેટે વિજય થયો હતો.

આઈપીએલની 14મી સિઝન મે મહિનામાં ભારતમાં રમાવાની શરૂ થઈ હતી, પરંતુ લગભગ એક મહિના પછી દેશમાં કોરોનાની સંખ્યામાં વધારો થતા તથા ખેલાડીઓમાં વાઇરસે દેખા દેતા તેને મોકૂફ કરી દેવામાં આવી હતી અને સપ્ટેમ્બર મહિનામાં યુએઈ ખાતે ફરી શરૂ થઈ છે.

ટીમ ધોની વિ. શાહરુખસેના

મે મહિનામાં ટુર્નામેન્ટ મોકૂફ રહી ત્યારે સીએસએકે બીજા ક્રમે હતી અને ત્રણ ગ્રૂપ મૅચ હારવા છતાં એ સ્થાન પર રહી શકી હતી. પહેલી ક્વૉલિફાયરમાં તેણે ટોચના ક્રમે રહેલી દિલ્હીની ટીમને સાત વિકેટે પરાજય આપ્યો હતો.

શાહરુખ ખાનની માલિકીની કેકેઆર ભારતમાં સાતમાંથી માત્ર બે મૅચ જ જીતી શકી હતી અને નીચેથી બીજા ક્રમે હતી. યુએઈમાં યોજાયેલી ગ્રૂપ લેવલની સાતમાંથી પાંચ મૅચ જીતીને તે ચોથા ક્રમે પહોંચી ગઈ હતી.

મંગળવારે યોજાયેલી મૅચમાં તેણે ત્રીજા ક્રમે રહેલી રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લોરની ટીમને પરાજય આપ્યો હતો. બીજી ક્વૉલિફાયરમાં બુધવારે તેણે દિલ્હીની ટીમને પરાજય આપીને ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું.

સીએસકેએ કુલ 11 વખત ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે, જેમાંથી ત્રણ વખત (2010,2011,2018) વિજય મેળવ્યો છે તથા પાંચ વખત બીજા ક્રમે રહી છે.

આવી જ રીતે કેકેઆરએ 13 ટુર્નામેન્ટમાંથી બે (2012, 2014) વખત જ ફાઇનલ સુધી પહોંચી શકી છે અને બંને વખત ટ્રૉફી પર કબજો મેળવ્યો છે.

સીએસકેનાં શસ્ત્રો

ચાલુ ટુર્નામેન્ટ દરમિયાન સીએસકેના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું બૅટ મહંદેશે શાંત રહ્યું છે. ધોનીએ 15 મૅચમાં માત્ર 114 રન બનાવ્યા છે.

છતાં પહેલી ક્વૉલિફાયરમાં જ્યારે જરૂર પડી ત્યારે છ બૉલમાં એક છગ્ગો તથા ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 18 રન ફટકાર્યા તથા છેલ્લી ઓવરમાં બે બૉલ બાકી હતા અને ચાર વિકેટે વિજય મેળવ્યો હતો. જ્યારે દિલ્હી કૅપિટલ્સનો પરાજય થયો હતો.

ટીમ ઇન્ડિયાના પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ઉંમર 40 વર્ષની થઈ ગઈ છે, ત્યારે આ તેમની છેલ્લી આઈપીએલ સિરીઝ હશે કે તેઓ 2022માં પણ રમશે, તેના પર ફાઇનલ દરમિયાન ચાહકોની નજર રહેશે. જોકે ધોની રમવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે, ત્યારે સીએસકે તેમને જાળવી રાખશે કે કેમ તેના વિશે કૅપ્ટન કૂલ પણ ચોક્કસપણે કંઈ કહી શકે તેમ નથી.

ધોની ભારતીય ક્રિકેટ ટીમને 2007માં યોજાયેલો પ્રથમ ટી-20 વર્લ્ડકપ તથા વર્ષ 2011માં વર્લ્ડકપ અપાવી ચૂક્યા છે.

જ્યારથી યુએઈમાં આઈપીએલ ફરીથી શરૂ થઈ છે, ત્યારથી ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર મૉઇન તેમના બૅટનો જલવો દેખાડી નથી શક્યા.

કૅપ્ટન મૉર્ગન ટુર્નામેન્ટ દરમિયાન બૅટથી ખાસ કૌવત દેખાડી નથી શક્યા, તેમણે 16 મૅચમાં 129 રન બનાવ્યા છે. બીજી ક્વૉલિફાયર મૅચમાં દિલ્હી વિરુદ્ધ તેઓ ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.

ધોનીએ સમગ્ર ટુર્નામેન્ટમાં માંડ 14-15 ખેલાડીઓને રમાડ્યા છે, જ્યારે કોલકાતાએ 20થી વધુ, જે દર્શાવે છે કે ધોની પોતાના ખેલાડીઓ પર વિશ્વાસ મૂકે છે.

સીએસકે પાસે ઋતુરાજ ગાયકવાડ છે, જે આક્રમક ઓપનિંગ બૅટ્સમૅન છે, જેમણે 15 મૅચમાં એક સદી તથા ચાર અરધી સદીની મદદથી 603 રન ફટકાર્યા છે. પંજાબના કેએલ રાહુલે સૌથી વધુ 626 રન બનાવ્યા છે.

ગાયકવાડના જોડીદાર ફૉક ડૂ પ્લેસીએ 15 મૅચમાં પાંચ અરધી સદીની મદદથી 547 રન ફટકાર્યા છે. અંબાતી રાયડુએ 15 મૅચમાં 257 રન બનાવીને અનેક વખત અણિના સમયે બાજીને સંભાળીને પોતાના અનુભવનો પરચો આપ્યો છે. રવીન્દ્ર જાડેજાએ 15 મૅચમાં 227 રન ફટકાર્યા છે અને 11 વિકેટ લીધી છે.

કોલકાતાના કસબીઓ

કોલકાતાના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ 16 મૅચમાં 18 વિકેટ ખેરવીને પોતાનું નામ નોંધાવ્યું છે. શુભમન ગિલે બે અરધી સદીની મદદથી 16 મૅચમાં 427 રન તથા વેંકટેશ ઐય્યરે ત્રણ અરધી સદી સાથે 320 રન ફટકાર્યા છે.

રાહુલ ત્રિપાઠીએ 16 મૅચમાં 395 રન બનાવ્યા છે. સુનીલ નરેન 13 મૅચમાં 14 વિકેટ લીધી છે. યુએઈમાં ટુર્નામેન્ટ ફરી શરૂ થઈ, ત્યારે જ બેંગ્લુરુના કૅપ્ટન વિરાટ કોહલીએ જાહેરાત કરી દીધી હતી કે કૅપ્ટન તરીકે આ તેમની છેલ્લી ટુર્નામેન્ટ હશે.

તેમણે ટી-20 વર્લ્ડકપ બાદ આ ફૉર્મેટમાં પણ ભારતની કપ્તાની છોડવાનો નિર્ણય લીધો છે. બૅંગ્લોરની ટીમ પ્લૅઑફ સુધી તો પહોંચી, પરંતુ કોલકાતાએ તેને ચાર વિકેટે પરાજય આપ્યો હતો.

અશોક મલ્હોત્રાનો અભિપ્રાય

દુબઈથી ભારતના પૂર્વ બૅટ્સમૅન તથા પસંદગીકર્તા અશોક મલ્હોત્રાએ આઈપીએલની ફાઇનલ વિશે બીબીસીના પ્રતિનિધિ આદેશકુમાર ગુપ્ત સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું:

કોલકાતા પાસે શાકિબ અલ હસન, સુનીલ નરેન તથા વરુણ ચક્રવર્તી એમ ત્રણ સ્પીનર છે, તેમની 8થી 12 ઓવર મહત્ત્વપૂર્ણ બની રહેશે, કારણ કે સામે મહેન્દ્રસિંહ ધોની હશે.

ગાયકવાડ તથા પ્લેસી ફૂલ ફૉર્મમાં છે. રોબિન ઉથપ્પાએ પણ પ્રશંસનીય રીતે સુરેશ રૈનાની ખોટ પૂરી છે. બૅટ્સમૅન તરીકે ધોનીનું પુનરાગમન થયું છે તથા રવીન્દ્ર જાડેજાની પર વિશ્વાસ મૂકી શકાય છે. ટીમ પાસે બ્રાવો, દીપક ચાહર તથા રાહુલ ચાહર ઉપરાંત જાડેજા છે. જેઓ સાથે મળીને સશક્ત બૉલિંગ અને બેટિંગ લાઇનઅપ તૈયાર કરે છે.

આમ છતાં કોલકાતા સારી સ્થિતિમાં હોય એવું લાગે છે. તે સરપ્રાઇઝ પૅકેજ જેમ લાગે છે. તેમની પાસે શુભમન ગિલ તથા વેંકટેશ અય્યરની ઑપનિંગ જોડી છે.

ચાલુ ટુર્નામેન્ટ દરમિયાન કૅપ્ટન મૉર્ગને નહીં જેવી જ બેટિંગ કરી છે. આમ જોઈએ તો કેકેઆર માત્ર 10 ખેલાડી સાથે જ રમી રહી છે.

કોલકાતાના બૉલર વિરોધી ટીમના બૅટ્સમૅનને રન બનાવવાની તક નથી આપતા અને તેનો લાભ બૅટ્સમૅનને થાય છે. જેઓ જરૂરી રન ફટકારીને સરળતાથી જીત અપાવી દે છે.

ઇતિહાસ ચેન્નાઈની સાથે જણાય છે, પરંતુ લાગે છે કે કેકેઆર પણ પૂરતી ટક્કર આપશે અને જોરદાર મુકાબલો થશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો