આર્યન ખાનને હજુ પણ જેલમાં રહેવું પડશે, જામીન પર નિર્ણય સુરક્ષિત - TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ક્રૂઝ શિપમાં ડ્રગ્સ પાર્ટી મામલે પકડાયેલા આર્યન ખાનની જામીન અરજી પર મુંબઈની એક કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

હવે 20 ઑક્ટોબરે કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે.

આર્યન ખાન જાણીતા અભિનેતા શાહરુખ ખાનના પુત્ર છે. આર્યન ખાન અને સાત અન્ય લોકોને એક ક્રૂઝ શિપમાંથી પકડવામાં આવ્યા હતા.

મુંબઈની વિશેષ એનડીપીએસ કોર્ટના જજ વીવી પટેલે સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખીને આગામી સુનાવણી 20 ઑક્ટોબરે એટલે કે આગામી બુધવારે રાખી છે.

એનસીબીએ ક્રૂઝ ડ્રગ્સ મામલે આર્યન ખાનની બે ઑક્ટોબરે ધરપકડ કરી હતી.

બાદમાં ચાર ઑક્ટોબરે આર્યન ખાનને સાત ઑક્ટોબર સુધી એનસીબીના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા હતા.

આઠ ઑક્ટોબરે તેમની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.

એનસીબીએ જામીનનો વિરોધ કરતા કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે.

આર્યન ખાનના વકીલની દલીલ હતી કે તેમની મૅસેજ ચૅટના આધારે ધરપકડ કરાઈ છે. આથી તેમને જામીન આપવા જોઈએ.

વાજપેયીનો જૂનો વીડિયો પોસ્ટ કરી વરુણ ગાંધીએ ફરી કર્યું ખેડૂતોનું સમર્થન

ઉત્તર પ્રદેશના તરાઈ વિસ્તારની પીલીભીત બેઠક પરથી ભારતીય જનતા પક્ષના સાંસદ વરુણ ગાંધીએ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું એક જૂનું ભાષણ ટ્વીટ કર્યું છે.

આ ભાષણમાં વાજપેયી એવું કહે છે કે જો ખેડૂતો પર અત્યાચાર થશે તો તેઓ એમના આંદોલનમાં ઝંપલાવાથી અચકાશે નહીં.

ભાષણને ટ્વીટ કરતાં વરુણે લખ્યું - મોટા હૃદયવાળા નેતાના સમજદાર શબ્દો.

નોંધનીય છે કે લખીમપુર ખીરીમાં થયેલી હિંસા પર બોલનારા વરુણ ગાંધી ભાજપના એક માત્ર સાંસદ છે.

દસ ઑક્ટોબરે તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે લખીમપુર ખીરી હિંસાને હિંદુ વિરુદ્ધ શીખ બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

અહીં એ વાત પણ ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે તેમને અને તેમનાં માતા મેનકા ગાંધીને ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિમાંથી હઠાવી દેવામાં આવ્યાં છે.

વરુણ ગાંધી દ્વારા હાલમાં અપાયેલું નિવેદન આ માટે જવાબદાર હોવાનું કેટલાય લોકોનું માનવું છે.

વૈશ્વિક દેવું વધીને 226 લાખ કરોડ ડૉલર પહોંચ્યું, ભારતનું દેવું કેટલું વધ્યું?

વૈશ્વિક દેવામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ઇન્ટરનેશનલ મૉનેટરી ફંડ (આઇએમએફ - આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ સંસ્થા)એ જણાવ્યું હતું કે વૈશ્વિક દેવું વધીને 226 લાખ કરોડ ડૉલરની નવી ટોચે પહોંચી ગયું છે.

'ઇકૉનૉમિક ટાઇમ્સ'ના રિપોર્ટ અનુસાર વર્ષ 2016માં ભારતનું દેવું તેના જીડીપીના 69 ટકા રહ્યું હતું. જે વર્ષ 2021માં 90.6 ટકા વધવાનો અંદાજ છે.

વૈશ્વિક દેવા મામલે ચીન અને અન્ય વિકાસશીલ દેશોનું દેવું કૂલ વૈશ્વિક દેવામાં 90 ટકા છે અને અન્ય ઊભરતાં અર્થતંત્રો તથા ઓછી આવકવાળા વિકાસશીલ દેશોન સાત ટકા દેવું ધરાવે છે.

આઇએમએફના જણાવ્યા અનુસાર સરકારો, પરિવારો અને બિનનાણાકીય નિગમોનું દેવું 2020માં વધીને 226 લાખ કરોડ ડૉલર થઇ ગયું છે. જે 2017માં 27 લાખ કરોડ ડૉલર હતું.

આ વધારો અત્યાર સુધીનો વિક્રમજનક વધારો છે. જેમાં પબ્લિક અને નોન-ફાયનાન્સિયલ પ્રાઇવેટ સૅક્ટરના દેવાનો પણ સમાવેશ થાય છે.

આઇએમએફએ પોતાના ફિસ્કલ મૉનિટર રિપોર્ટમાં જણાવ્યું છે કે 2016માં ભારતનું દેવું જીડીપીના 68.9 ટકા હતું. જે વધીને 2020માં વધીને 89.6ટકા થઈ ગયું છે. તે 2021માં વધીને 90.6 ટકા થવાનો અંદાજ છે.

જો કે આઇએમએફના અંદાજ મુજબ 2022માં ભારતનું દેવું ઘટીને 88.8 ટકા અને 2026માં ઘટીને જીડીપીના 85.2 ટકા થવાની સંભાવના છે.

ઉપરાષ્ટ્રપતિની અરુણાચલ મુલાકાત સામે ચીને વાંધો લીધો

ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી, જેનો ચીને વાંધો લીધો હતો. ચીનના વિદેશ મંત્રાલયે ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાત પર વાંધો ઉઠાવ્યો હતો.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ ચીને કહ્યું હતું કે અરુણાચલ ભારતનું રાજ્ય નથી અને આ રાજ્યને તેઓ માન્યતા નથી આપતું, તેથી ભારતના ઉપરાષ્ટ્રપતિની મુલાકાતનો વિરોધ વ્યક્ત કરાયો છે.

ભારતે આનો વળતો જવાબ આપ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, "અમે ચીનના નિવેદનનો અસ્વીકાર કરીએ છીએ. અરુણાચલ ભારતનો એક અભિન્ન હિસ્સો છે અને રહેશે."

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, "ભારતના નેતાઓ નિયમિતરુપે અરુણાચલ પ્રદેશ રાજ્યની મુલાકાત લેતા રહે છે. આ મુલાકાત અન્ય રાજ્યોની થતી મુલાકાત જેવી જ હોય છે. ચીન અરુણાચલ પ્રદેશમાં ઉપરાષ્ટ્રપતિની મુલાકાતનો વિરોધ કરી રહ્યું છે તે સમજની બહાર છે."

"ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો ગણાવીને બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધુ ખરાબ કરી રહ્યું છે. આશા રાખીએ છીએ કે ચીન આવા વિવાદો ઊભા કરવાના બદલે દ્વિપક્ષી સમજૂતી અને કરારોનું પાલન કરીને પૂર્વ લદ્દાખમાં એલએસીના વિવાદો મુદ્દે સમાધાન સધાય તેના પર કામ કરશે."

અત્રે નોંધવું કે આ પ્રથમ વખત નથી બન્યું કે ચીને ભારતની કોઈ બંધારણીય પદની વ્યક્તિની મુલાકાતનો વિરોધ નોંધાવ્યો હોય.

ભૂતકાળમાં પણ તે ભારતના રાષ્ટ્રપતિ- વડા પ્રધાન, ગૃહમંત્રી, સૈન્યવડાની અરુણચાલ મુલાકાતો સામે આવો જ વાંધા પ્રગટ કરતું આવ્યું છે.

RTEમાં સ્કૂલોને વિદ્યાર્થી દીઠ ચૂકવાતી રકમમાં વધારો, હવે 13 હજાર ચૂકવાશે

સ્કૂલોની રજૂઆતો બાદ અંતે રાજ્ય સરકારે આરટીઈ (રાઇટ ટુ ઍજ્યુકેશન) હેઠળ વિદ્યાર્થી દીઠ ખર્ચમાં એટલે કે વિદ્યાર્થી માટે ચુકવાતી ફીનાં નાણાંમાં વધારો કર્યો છે અને હવે 10 હજારને બદલે 13 હજાર રુપિયા ચૂકવાશે.

રાઈટ ટુ ઍજ્યુકેશન ઍક્ટ અંતર્ગત ધો.1માં દરેક ખાનગી સ્કૂલમાં 25 ટકા બેઠકો પર ગરીબ- વંચિત જુથનાં બાળકોને મફત પ્રવેશ અપાય છે. વિદ્યાર્થી પાસેથી ફી લેવાતી નથી અને 8મા ધોરણ સુધી ફી વગર ભણાવાય છે.

જોકે 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ અનુસાર સરકાર દ્વારા વિદ્યાર્થી દીઠ સ્કૂલોને દસ હજારની મર્યાદામાં ફી ચુકવતી હતી. પણ ખાનગી સ્કૂલોએ સરકારને વિદ્યાર્થી દીઠ ખર્ચ વધુ થતો હોઈ ફીની રકમ વધારવા રજૂઆતો કરી હતી અને સરકારની જ ફી કમિટી દ્વારા લઘુત્તમ ફી મર્યાદા 15 હજાર સુધીની નક્કી કરાઈ હતી આથી સ્કૂલોએ ફી વધારવા માગણી કરી હતી.

જેને પગલે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ફી વધારાનો ઠરાવ કરવામા આવ્યો છે.

જે મુજબ હવે દરેક સ્કૂલને આરટીઈના વિદ્યાર્થી દીઠ 10 હજારને બદલે 13 હજાર રુપિયા ચુકવાશે અને ફી કમિટીએ નક્કી કરેલી ફી અને વિદ્યાર્થી દીઠ ચુકવાતા ખર્ચમાંથી જે પણ ઓછી રકમ હશે તે રિએમ્બર્સ (પરત ચૂકવણી) કરવામા આવશે.

સરકારના આ ઠરાવનો અમલ વર્ષ 2021-22થી કરવામા આવશે.

વિદ્યાર્થી દીઠ હવે 3 હજાર ખર્ચ વધતાં સરકારના માથે આર્થિક બોજ પણ વધશે. આ વર્ષે 60 હજારથી વધુ પ્રવેશ આરટીઈમાં થયા છે. તેથી આ વર્ષે સરકારને 18 કરોડથી વધુની રકમ સ્કૂલોને વધુ ચુકવવી પડશે.

ગુજરાત સરકારે સરકારી નોકરીઓમાં મહત્તમ વયમર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીના કારણે રોજગારી વાંચ્છુકોને એક વર્ષનો ફટકો પડ્યો હોવાથી ગુજરાત સરકારે આગામી વિવિધ ભરતીઓમાં ઉમેદવારોની અપર એજ લિમિટ (મહત્તમ વયમર્યાદા)માં એક વર્ષનો વધારો કર્યો છે.

'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના રિપોર્ટ અનુસાર મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કૅબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કોરોના વાઇરસની મહામારી અને લૉકડાઉનને પગલે નોકરી વાંચ્છુકોનું એક વર્ષ વેડફાઈ ગયું અને એ વર્ષમાં કોઈ ભરતી પણ ન થઈ આથી આ નિર્ણય કરાયો છે.

અહેવાલ અનુસાર આ વયમર્યાદા છુટ 1 સપ્ટેમ્બર, 2021થી 31 ઑગસ્ટ, 2022 સુધી અમલમાં રહેશે.

જેમાં જનરલ કૅટેગરીના સ્નાતક ઉમેદવારો માટે વયમર્યાદા 35 વર્ષથી વધારી 36 વર્ષ કરી દેવાઈ છે. તથા જેમાં સ્નાતકની જરૂર નથી એવી નોકરી માટેની વયમર્યાદા 33થી વધારી 34 કરવામાં આવી છે.

જ્યારે અનામત શ્રેણીમાં પુરુષ ઉમેદવારની સ્નાતક કૅટેગરીમાં વયમર્યાદા 40થી વધારી 41 કરવામાં આવી છે. તથા જેમાં સ્નાતકની જરૂર નથી તેમાં વયમર્યાદા 38થી 39 વર્ષ કરાઈ છે.

વળી અનામત શ્રેણીમાં સ્નાતક કૅટેગરની નોકરી માટે મહિલા ઉમેદવારની વયમર્યાદા 45 વર્ષ હતી તેને યથાવત રાખવામાં આવી છે. પણ જેમાં સ્નાતક ડિગ્રીની જરૂર નથી (લધુત્તમ લાયકાત સ્નાતક કરતા ઓછું શિક્ષણ હોય એવી નોકરી) તેમાં વયમર્યાદા 43થી વધારી 44 વર્ષ કરી દેવાઈ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

https://youtu.be/kks_i_RrEag