ભારતનાં આ બે રાજ્યો માથે સાઇક્લોનનો ખતરો, હાઈઍલર્ટ બાદ NDRF તહેનાત

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

બંગાળની ખાડીમાં ચક્રવાતના પગલે હવામાનવિભાગે ઓડિશાના સાત જિલ્લાઓમાં હાઈઍલર્ટ જારી કરી છે.

હવામાનવિભાગનું અનુમાન છે કે ચક્રવાત દક્ષિણ ઓડિશાના પ્રાંતોમાં થઈને પાડોશી રાજ્ય આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી શકે છે.

સમાચાર એજન્સી પીટીઆઈ સ્પેશિયલ રિલીફ કમિશનર પી. કે. જેનાને ટાંકીને જણાવે છે કે સરકારે સંભવિત જોખમ ધરાવતા વિસ્તારોમાં બચાવકામગીરી કરનારી ટીમોને મોકલી છે.

સાથે જ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત જગ્યાઓએ ખસી જવા તંત્ર દ્વારા આદેશ અપાયો છે.

ઓડિશાના સાત જિલ્લામાં ઓડિશા ડિઝાસ્ટર રૅપીડ ઍક્શન ફોર્સની 42 ટીમ, નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સની 24 સ્ક્વૅડ્સ સિવાય અગ્નિશમનવિભાગના લોકોને પણ તહેનાત કરવામાં આવ્યા છે.

સચીન પાઇલટની રાહુલ ગાંધી સાથે મુલાકાત, શું રાજસ્થાનમાં પણ નવાજૂનીનાં એંધાણ છે?

રાજસ્થાન કૉંગ્રેસના નેતા સચીન પાઇલટ શુક્રવારે કૉંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. છેલ્લા દસ દિવસમાં સચીન પાઇલટની આ રાહુલ ગાંધીની બીજી મુલાકાત છે.

આ મુલાકાતથી રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તનના કયાસ લગાવાઈ રહ્યા છે.

સચીન પાઇલટને ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ચર્ચામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હતાં. રાજસ્થાનની ગેહલોત સરકારમાં કેટલાક ફેરફાર કરવાના છે, જે ઘણા સમયથી પડતર છે.

અગાઉ બંને નેતાઓની 17 સપ્ટેમ્બરે મુલાકાત થઈ હતી. ત્યારે બંને વચ્ચે રાજ્યની રાજકીય સ્થિતિ પર ચર્ચા થઈ હતી.

પાઇલટ જુલાઈ 2020 સુધી ઉપમુખ્ય મંત્રી અને રાજસ્થાન એકમના અધ્યક્ષ હતા, પરંતુ રાજસ્થાનના મુખ્ય મંત્રી સાથે અણબનાવ બાદ તેમણે બંને પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

સતત બેઠકો બાદ એ અંદાજ લગાવાઈ રહ્યો છે કે કૉંગ્રેસ નેતૃત્વ ગત વર્ષના પાઇલટના વિદ્રોહને ભૂલી ગયું છે અને ભવિષ્યને મહત્ત્વ આપ્યું છે.

એવો પણ અંદાજ છે કે પાઇલટને પહેલાંની જેમ કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે.

UPSCમાં સુરતના કાર્તિક જીવાણી ભારતમાં આઠમા ક્રમે

શુક્રવારે જાહેર થયેલા UPSC પરીક્ષાના પરિણામમાં સુરતના કાર્તિક જીવાણી ભારતમાં આઠમા ક્રમે છે, તેઓ ગુજરાત કૅડરના આઈપીએસ અધિકારી છે.

તેઓ મૂળે ભાવનગર જિલ્લાના છે, પણ ઘણાં વર્ષોથી તેમનો પરિવાર સુરતમાં વસે છે.

2018માં તેમનો ભારતમાં 94મો ક્રમ આવ્યો હતો અને તેમની પસંદગી આઈપીએસમાં થઈ હતી.

તેઓ આઈએએસ બનવાનું સપનું સેવતા હતા, તેથી તેમણે ફરીથી યુપીએસસીની પરીક્ષા આપી હતી.

2019માં તેમણે પરીક્ષા આપી ત્યારે તેમનો ભારતમાં 84મો ક્રમ હતો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે 1994માં સુરતમાં ફાટી નીકળેલા પ્લૅગ સામેની કામગીરીથી તેઓ આ ક્ષેત્ર તરફ આકર્ષાયા હતા.

તેઓ આઈએએસ અધિકારી અને સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એસ. આર. રાવ વિશે વાંચતા હતા અને તેમનાથી પ્રભાવિત થયા હતા.

કાર્તિકના પિતા ડૉ. નાગજીભાઈના જણાવ્યા પ્રમાણ કાર્તિક હમણાં આઈપીએસની તાલીમ માટે હૈદરાબાદમાં છે અને તેઓ 15 દિવસની સ્પેશિયલ લઈને પરીક્ષામાં બેઠા હતા.

કાર્તિક પરીક્ષા માટે દરરોજ દસ કલાક અભ્યાસ કરતા હતા.

ગુજરાતમાં વરસાદને લીધે 103 રસ્તા પર વાહનવ્યવહાર ઠપ

ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ભાગના જિલ્લાઓમાં ગુરુવારથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, એ વચ્ચે હવામાન વિભાગે ચાર દિવસ માટે વરસાદની આગાહી કરી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન્સ સેન્ટરને ટાંકીને જણાવે છે કે ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જવાથી ગુજરાતના બે સ્ટેટ હાઇવે સહિત 103 રસ્તા પર વાહનવ્યવહાર ઠપ થયો હતો.

હવમાન વિભાગ પ્રમાણે આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્યના અલગઅલગ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે.

અગાઉ જામનગર, રાજકોટ, જૂનાગઢ વગેરે જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોનો ઊભો પાક ધોવાઈ ગયો હતો.

શેરી-ગરબાને મંજૂરી, કોરોના પગલે લદાયેલા નાઇટ કર્ફ્યુમાં રાહત

ગુજરાત સરકારે શુક્રવારે સોસાયટી, ઍપાર્ટમૅન્ટ, મહોલ્લામાં 400 લોકોની મર્યાદામાં શેરી-ગરબા યોજવાની છૂટ આપી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે શેરી ગરબાની સાથે સરકારે દુર્ગાપૂજા, વિજયાદશમી અને શરદપૂનમ જેવા ઉત્સવોની પણ 400 લોકોની મર્યાદામાં ઉજવણી કરવાની છૂટ આપી છે.

સાથે જ સરકારે સ્પષ્ટતા કરી છે કે મેદાનો, પાર્ટીપ્લૉટ અને ક્લબમાં યોજાતાં કૉમર્શિયલ ગરબાને મંજૂરી આપવામાં નહીં આવે.

આ સાથે જ સરકાર દ્વારા આઠ મહાનગરોમાં કોરોનાને પગલે લદાયેલા નાઇટ કર્ફ્યુમાં એક કલાકની રાહત આપવામાં આવી છે.

25 સપ્ટેમ્બરથી 10 ઑક્ટોબર સુધી નાઇટ કર્ફ્યુનો સમય રાતના 12 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો રહેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો