'મહારાણા પ્રતાપ નહીં અકબરની સેનાએ પીછેહઠ કરી હતી', હલ્દીઘાટીની વિવાદિત તકતી હઠાવાઈ' TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

પુરાતત્ત્વ વિભાગ (આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા)એ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના રક્તતલાઈથી એ વિવાદીત તકતી હઠાવી દીધી છે, જેના પર લખ્યું હતું કે 1576માં હલ્દીઘાટીની લડાઈમાં મહારાણા પ્રતાપની સેનાએ પીછેહઠ કરવી પડી હતી. હવે પ્રતાપ નહીં અકબરની સેના પાછળ હઠી એવો ફેરફાર કરાશે.

આ સિવાય હલ્દીઘાટી-ખમનેરના માર્ગ પર સ્થિત 'બાદશાહ બાગ'ને મુગલ શાસક અકબર સાથ જોડવા મામલે પણ વિરોધ વ્યક્ત કરાયો છે.

બે દિવસ પૂર્વે જ સંસ્કૃતિ મામલાના રાજ્યમંત્રી રામ મેઘવાળે આ વિવાદીત તકતીને હઠાવવાનો આદેશ આપ્યો હતો.

આ અહેવાલને તમામ મોટાં અખબારોએ પ્રમુખ સ્થાન આપ્યું છે. 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટમાં લખ્યું છે કે આ તકતી ગુરુવારે સાંજે ત્રણ વાગ્યે હઠાવી લેવાયી હતી.

અખબારના રિપોર્ટ અનુસાર પછીથી ચેતકની સમાધિ અને હલ્દીઘાટીથી બે અન્ય તકતી પણ હઠાવી લેવાઈ હતી.

કહેવાય છે કે આના પર લખેલી વાત અને તેના અક્ષરોનો આકાર, પુરાતત્ત્વ વિભાગ અનુસાર નથી.

અગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર આ તકતીને લઈને રાજસમંદથી ભાજપના સાંસદ દિવ્યા કુમારીએ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.

જોધપુર ક્ષેત્રના એએસઆઈ અધિકાર બિપિનચંદ્ર નેગીએ અખબારને કહ્યું કે ગુરુવારે આ શિલાલેખોને હટાવાયા.

તેમણે કહ્યું, "1975માં જ્યારે ઇદિંરા ગાંધી આ વિસ્તારોમાં આવ્યાં હતાં ત્યારે ચેતકની સમાધિ, બાદશાહ બાગ, રક્તતલાઈ અને હલ્દીઘાટીમાં આ પટ્ટીઓ લગાવાઈ હતી. એ સમયે આ સ્મારક કેન્દ્રની દેખરેખમાં નહોતું આવતું. આ જગ્યાઓ વર્ષ 2003માં રાષ્ટ્રીય મહત્ત્વના સ્મારક તરીકે જાહેર કરાઈ હતી. પરંતુ આ શિલાલેખો પર આવી સૂચનાઓ નહોતી. લાંબા સમયના લીધે તે જૂની થઈ ગઈ હતી. વળી તેની તારીખ અને તથ્ય વિશે પણ વિવાદ છે."

ઉદયપુરમાં મીરા ગર્લ્સ કૉલેજના ઍસોસિયેટ પ્રોફેસર ચંદ્રશેખર શર્માએ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારને કહ્યું છે કે જૂની તકતીને લઈને તેમણે એએસઆઈને ફરિયાદ કરી હતી.

શર્માએ કહ્યું, "જયંતી પર મેં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તકતી પર યુદ્ધની તારીખ સાથે રાજપૂત પાછળ હઠી ગયા હતા એવી નોંધ તથ્યાત્મક રીતે ખોટી છે. આ ઐતિહાસિક રીતે ખોટી છે કેમ કે મુગલોની સેના પાછળ હઠી હતી. હું હલ્દીઘાટી ગયો હતો અને આ અંગે યુવાનો સાથે સેમિનાર પણ કર્યા હતા. આ પહેલાં મેં એએસઆઈમાં એક પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું અને તકતી હઠાવવાની માગ કરી હતી."

'કોરોના વાઇરસની ત્રીજી લહેર ઑગસ્ટ મહિનાના અંતમાં આવી શકે'

દેશમાં કોરોનાની ત્રીજી લહેર ઑગસ્ટ મહિનાના અંતમાં આવી શકે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અનુસાર આ લહેર આવશે જ.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય. આઈસીએમઆરના એક તબીબે ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે દેશભરમાં ત્રીજી લહેર આવશે. પણ તેનો અર્થ એ નથી કે તે ઘાતક અને બીજી લહેર જેટલી તીવ્ર હશે.

દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ઇમરજન્સી કમિટીએ એક ચેતવણી આપી છે કે વિશ્વમાં કોરોના વાઇરસના હજુ પણ જોખમી વૅરિયન્ટ ફેલાઈ શકે છે, જેથી મહામારીને રોકવી મુશ્કેલ બની શકે છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ડૉ. ટેડ્રોસ એડહનોમ ગિબ્રયેસૉસ અનુસાર, "કમિટીએ ચિંતા વ્યક્ત કરી છે કે કોવિડની મહામારી મામલે ખોટી ધારણા બાંધવામાં આવી રહી છે કે આ મહામારી ખતમ થઈ રહી છે, જોકે મહામારી હજુ ખતમ થવાની નજીક પણ નથી આવી."

તેમણે કહ્યું કે કમિટીને ચિંતા છે કે કોવિડના નવા વૅરિયન્ટ સંભવત વધુ જોખમી હોવાની પ્રબળ સંભાવના છે, જેથી મહામારી પર નિયંત્રણ મેળવવું હજુ પણ વધુ પડકારનજક થઈ જશે.

મધ્ય પ્રદેશના વિદિશામાં કૂવામાં પડી જતાં 3નાં મોત

મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં 30 લોકો કૂવામાં પડી જતાં તેમાંથી 3 લોકોનાં મોત થયાં છે.

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર અંદાજે ત્રણ લોકોનાં મોત થયાં છે.

પોલીસનું કહેવું છે કે એક બાળક કૂવામાં પડી જતાં ગામવાસીઓ તેને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ લોકોના ભારને કારણે તેઓ જ્યાં ઊભા હતા તે જગ્યા તૂટી ગઈ અને લોકો કૂવામાં પડી ગયા હતા.

વિદિશા જિલ્લામથકથી 50 કિલોમિટર દૂર ગંજ બસોડામાં આ ઘટના બની હતી.

બાદમાં 19 લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે 10 હજુ પણ ફસાયેલા છે. જેમને બચાવાયા તેમને સામાન્ય ઈજા પહોંચી છે અને પાંચ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ મામલે મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે બચાવ કામગીરી ચાલુ છે અને અધિકારીઓને પણ કામગીરી માટે જોડવામાં આવ્યા છે.

બચાવ માટે નેશનલ ડિઝાસ્ટર ટીમો લાગી છે. પોલીસ સહિતનાં દળ પણ તેમાં જોડાયાં છે.

મુખ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે તથા મૃતકના પરિવારને પાંચ લાખની સહાય અને ઈજાગ્રસ્તના પરિવારને મફત સારવાર અને 50 હજારની સહાય જાહેર કરી છે.

હરિયાણામાં 100 ખેડૂત પર રાજદ્રોહનો કેસ

હરિયાણામાં પોલીસે ગઈ કાલે સિરસાનાં અલગઅલગ ગામમાંથી પાંચ ખેડૂતની રાજદ્રોહની કલમ અને આઈપીસીની અન્ય કલમો હેઠળ ધરપકડ કરી હતી.

ત્યારબાદ મૅજિસ્ટ્રેટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

હરિયાણા પોલીસે કુલ 100 ખેડૂત સામે રાજદ્રોહ સહિતની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.

બીબીસીના સહયોગી પત્રકાર પ્રભુ દયાલ અનુસાર ખેડૂતોની ધરપકડ બાદ શહીદ ભગતસિંહ સ્ટેડિયમમમાં સ્થાનિક ખેડૂતો એકજૂથ થવા લાગ્યા હતા અને તેમની સંખ્યા વધતી જ ગઈ છે.

હરિયાણાના ઉપમુખ્ય મંત્રી દુષ્યંત ચૌટાલા અને વીજમંત્રી ચૌધરી રણજિતસિંહના ઘરે જતા રસ્તાઓ પર બૅરિકેડ્સ પણ લગાવવામાં આવ્યા છે.

પાકિસ્તાન તાલિબાનને મદદ કરી રહ્યું છે : અફઘાનના ઉપરાષ્ટ્રપતિ

અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની ઍરફોર્સે અફઘાની સેનાને ચેતવણી આપી છે કે જો તેઓ તાલિબાન સામે કાર્યવાહી કરશે તો સ્પિન બોલ્ડક સરહદે તે અફઘાન સેના સામે વળતો પ્રહાર કરશે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના રિપોર્ટ મુજબ સાહેલ ગુપ્તચર એજન્સીના પૂર્વ વડા પણ છે. તેઓ તાલિબાન દ્વારા તેમની પર કરવામાં આવેલી હત્યાના પ્રયાસ છતાં બચી ગયા હતા.

તેમણે કહ્યું, "પાકિસ્તાની હવાઈદળે અફઘાન આર્મી અને અફઘાન ઍરફોર્સને ચેતવણી આપી છે કે તે તાલિબાન સામે સ્પિન બોલ્ડક વિસ્તારમાં જો કાર્યવાહી કરશે તો પાકિસ્તાન ઍરફોર્સ તેનો વળતો જવાબ આપશે. પાકિસ્તાન ઍરફોર્સ હવે તાલિબાનને કેટલાક વિસ્તારોમાં રક્ષણ પૂરું પાડી રહી છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો