You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુષ્કરસિંહ ધામી બનશે ઉત્તરાખંડના નવા મુખ્ય મંત્રી - Top News
પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના નવા મુખ્ય મંત્રી બનશે. શનિવારે ધારાસભ્યદળની બેઠકમાં તેમના નામ પર સહમતિ બની હતી.
આ પહેલાં તીરથસિંહ રાવતે ઉત્તરાખંડના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું.
પુષ્કરસિંહ ધામી બે વખત ખટીમાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ભાજયુમોના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
તેમનો જન્મ 16 સપ્ટેમ્બર 1975 ના પિથોરાગઢના ટુંડીમાં થયો હતો.
મુખ્ય મંત્રી તરીકે પસંદગી કરાયા પછી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે "પાર્ટીએ પિથોરાગઢમાં જન્મેલા એક સામાન્ય કાર્યકર અને પૂર્વ સૈનિકના પુત્રને રાજ્યના લોકો માટે કામ કરવા માટે પસંદ કર્યો છે. અમે લોકોના કલ્યાણ માટે મળીને કામ કરીશું. અમે બહુ ઓછા સમયગાળામાં લોકોની સેવા કરવાનો પડકાર સ્વીકાર કરીએ છીએ."
પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના 11માં મુખ્ય મંત્રી છે. 2017માં વિધાનસભાની ચૂંટણી બાદ તેઓ રાજ્યના ત્રીજા મુખ્ય મંત્રી છે. ત્રિવેન્દ્રસિંહ રાવત પછી તીરતસિંહ રાવતને મુખ્ય મંત્રી બનાવાયા હતા પરંતુ તેમણે પણ રાજીનામું આપ્યું હતું.
CM બન્યાના અમુક મહિનામાં જ ઉત્તરાખંડના મુખ્ય મંત્રી તીરથ રાવતનું રાજીનામું
તીરથ સિંહ રાવત મોડી રાત્રે રાજ્યપાલ બેબી રાની મૌર્યને દેહરાદૂનસ્થિત રાજભવન મળવા પહોંચ્યા, જ્યાં તેમણે મુલાકાત બાદ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું.
તીરથ સિંહ રાવતના રાજીનામાને લઈને શુક્રવાર સાંજથી જ આશંકા વ્યક્ત કરાઈ રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે તેમણે અમુક કલાક પહેલાં એક પત્રકારપરિષદ કરી અને પોતાના કાર્યકાળની ઉપલબ્ધિઓ ગણાવી પરંતુ રાજીનામાનો કોઈ ઉલ્લેખ નહતો કર્યો.
બીજી તરફ ત્રણ જુલાઈના રોજ બપોરે ભાજપના મુખ્યાલયમાં વિધાનમંડળની બેઠક થવાની છે. પાર્ટીએ તમામ ધારાસભ્યોને બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રદેશના નેતૃત્વને લઈને શનિવારે થનારી બેઠકમાં કોઈ નિર્ણય લેવાશે.
નોંધનીય છે કે ભાજપે ત્રિવેન્દ્ર સિંહ રાવતને હઠાવીને તીરથ સિંહ રાવતને માર્ચ, 2021માં જ મુખ્ય મંત્રી બનાવ્યા હતા.
અભિનેતા આમિર ખાન અને તેમનાં પત્ની કિરણ રાવે છૂટાછેડાની જાહેરાત કરી
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાનુસાર બોલીવૂડ અભિનેતા આમિર ખાન અને તેમનાં પત્ની કિરણ રાવે લગ્નજીવનનાં 15 વર્ષ બાદ એકબીજાથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે.
નોંધનીય છે કે બંનેએ એક સંયુક્ત નિવેદન દ્વારા આ વાતની જાણ કરી છે.
તેમણે પોતાના આ નિવેદનમાં જણાવ્યું કે, "અમે અમારાં જીવનના નવા અધ્યાયની શરૂઆત કરવા માગીએ છીએ - પરંતુ પતિ-પત્ની તરીકે નહીં, પરંતુ કો-પૅરન્ટ અને એકબીજા માટે પરિવાર તરીકે."
આ દંપતીને આઝાદ નામે એક પુત્ર પણ છે.
નોંધનીય છે કે આ આમિર ખાનનાં બીજાં લગ્ન હતાં.
તેમનાં પ્રથમ લગ્ન રિના દત્તા સાથે થયાં હતાં. રિના સાથે છૂટાછેડા લીધા બાદ આમિર ખાને વર્ષ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં.
હવે ગર્ભવતી મહિલાઓ પણ મુકાવી શકશે કોરોના વૅક્સિન : સ્વાસ્થ્યમંત્રાલય
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયે ગર્ભવતી મહિલાઓને પણ કોરોના વૅક્સિન મુકાવવાની મંજૂરી આપી દીધી છે. હવે ગર્ભવતી મહિલાઓ પણ કોરોનાની વૅક્સિન મુકાવી શકશે.
સ્વાસ્થ્યમંત્રાલયે શુક્રવારે નૅશનલ ટેકનિકલ ઍડ્વાઇસરી ગ્રૂપ ઑન ઇમ્યૂનાઇઝેશન (NTAGI)ની ભલામણો મંજૂર કરી લીધી છે.
આ વાતની જાણકારી આપતાં સ્વાસ્થ્યમંત્રાલયે એક ટ્વીટ કર્યું છે અને પ્રેસ રિલીઝ જારી કરી છે.
પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે ગર્ભવતી મહિલાઓ હવે કોવિન ઍપ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે અથવા તો તેઓ નજીકના કોવિડ સેન્ટર પર રસી મુકાવવા જઈ શકે છે.
નવા નિયમ પ્રમાણે ગર્ભવતી મહિલાઓ દેશમાં મંજૂર થયેલી કોઈ પણ વૅક્સિન ગર્ભાવસ્થાના કોઈ પણ તબક્કા દરમિયાન મુકાવી શકે છે.
બ્રિટનના PMને વિશ્વાસ, ભારતીય વૅક્સિન લેનારાને મુસાફરીમાં નહીં થાય કોઈ તકલીફ
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને ભારતમાં બનેલી કોરોનાની રસી મેળવનાર મુસાફરોને કોઈ મુશ્કેલી નહીં થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
યુરોપિયન યુનિયનની પાસપોર્ટ સ્કીમમાં ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવાયેલ વૅક્સિનને માન્યતા ન મળી હોવાના સમાચારો બાદ વડા પ્રધાનનું આ નિવેદન આવ્યું છે.
બીજી તરફ વૅક્સિનના નિષ્ણાત પ્રોફેસર એડમ ફિને કહ્યું કે, રસીઓ "એકદમ સમાન હતી."
નોંધનીય છે કે ડેઇલી ટેલિગ્રાફમાં છપાયેલ એક અહેવાલમાં જણાવાયું હતું કે ભારતમાં બનેલ રસી મુકાવનારા લાખો ભારતીયો યુરોપિયન યુનિયનનો પ્રવાસ ખેડી શકશે નહીં.
અહીં નોંધનીય છે કે બ્રિટનની મેડિસિન ઍન્ડ હેલ્થકૅર પ્રોડક્ટ રેગ્યુલેટરી એજન્સી (MHRA) દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યૂટને રસી બનાવવા માટેની માન્યતા મળી છે. પરંતુ યુરોપિયન યુનિયનના ડ્રગ રેગ્યુલેટર ધ યુરોપિયન મેડિસિન્સ એજન્સી દ્વારા ઇન્સ્ટિટ્યૂટની રસીને માન્યતા અપાઈ નથી.
જોકે, આ અંગે ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું છે કે MHRAએ તમામ વૅક્સિનોના એસેસમેન્ટ યુરોપિયન ડ્રગ રેગ્યુલેટર સાથે શૅર કર્યા છે. જેથી આ રસી મુકાવનાર લોકોને જરૂરી મંજૂરીઓ સરળતાથી મળી શકે.
બ્રિટનના વડા પ્રધાન જોન્સને જર્મનીનાં ચાન્સેલર એન્જલા મર્કેલ સાથેની એક પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે, "તેમને MHRA દ્વારા માન્ય કરાયેલ વૅક્સિનોને વૅક્સિન પાસપોર્ટ તરીકે માન્યતા ન આપવા માટેનું કોઈ કારણ દેખાતું નથી."
ગુજરાત સરકારની ટેસ્લા મૉટર્સને આકર્ષવા માટે એક હજાર એકર જમીનની પેશકશ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર વિશ્વની પ્રીમિયમ કારનિર્માતા કંપનીઓ પૈકી એક, ટેસ્લાને રાજ્યમાં ઉત્પાદન યુનિટ સ્થાપવા માટે આકર્ષવા ગુજરાતે કચ્છના મુંદ્રા ખાતે એક હજાર હેક્ટર જમીન આપવાની પેશકશ કરી છે.
નોંધનીય છે કે ટેસ્લાને આકર્ષિત કરવા માટે ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર આતુર જણાઈ રહ્યાં હોવાનું કહેવાઈ રહ્યું છે.
ગુજરાત સરકારના એક સિનિયર અધિકારીએ અખબારને જણાવ્યું હતું કે, "હજુ સુધી તેમણે ગુજરાતમાં આટલા દૂર સુધી આવવા માટે કે બેંગલુરુમાં જ રહેવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. ગુજરાતમાં નહિવત્ સોશિયલ લાઇફ છે. જ્યારે બેંગલુરુમાં એવું નથી. તેઓ ગુજરાત અને કર્ણાટક સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે."
8 જાન્યુઆરીના રોજ, ટેસ્લા મૉટર્સ દ્વારા બેંગલુરુ ખાતે ટેસ્લા ઇન્ડિયા મૉટર્સ ઍન્ડ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના નામથી ઑફિસ રજિસ્ટર કરવામાં આવી હતી.
નોંધનીય છે કે ગુજરાતે મુંદ્રા ખાતેના સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન અને અદાણી પોર્ટ્સની અંદર અને બહાર કંપનીને જમીન આપવાની પેશકશ કરી છે. આ ક્ષેત્ર 8,400 હેક્ટરમાં ફેલાયેલું છે, જે પૈકી અડધોઅડધ જમીન ખાલી પડી છે.
સરકારના સિનિયર અધિકારીના જણાવ્યાનુસાર સરકારે કંપનીને જણાવ્યું છે કે જમીન અંગે કોઈ પ્રશ્ન ઊભો થવાનો નથી. જોકે હજુ સુધી કંપનીએ એ વાત અંગે કોઈ નિર્ણય નથી લીધો કે ભારતમાં શરૂ કરેલ યુનિટ એ માત્ર નિકાસાધારિત યુનિટ હશે કે તેઓ સ્થાનિક ઉત્પાદન કરવા અંગે પણ વિચાર કરી રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો