You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિર્મલા સીતારમણ પ્રેસ કૉન્ફરન્સ : નાણામંત્રીએ જાહેર કરેલી યોજાનાઓથી ભારતને કેટલો ફાયદો?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ તથા રાજ્યકક્ષાના કેન્દ્રીય નાણામંત્રી અનુરાગ ઠાકુરે સંયુક્ત રીતે પત્રકારપરિષદ સંબોધી હતી, જેમાં કોરોનાની બીજી લહેરને કારણે અસરગ્રસ્ત ક્ષેત્રોને રાહત મળે તે માટેની રાહત અને પ્રોત્સાહન યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.
નાણા મંત્રાલય દ્વારા આઠ આર્થિક રાહતોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાંથી ચાર નવી છે, જ્યારે એક જાહેરાત આરોગ્ય સંબંધે વિશેષ છે.
આ સિવાય લૉકડાઉનને કારણે પ્રભાવિત થયેલા લોકોને અનાજની સહાય આપવા માટેની જોગવાઈની જાહેરાત પણ કરવામાં આવી હતી.
આ સિવાય પર્યટનના ઉદ્યોગને રાહત તથા પ્રોત્સાહન આપવા માટે વિદેશી પર્યટકોને વિઝા ફીમાંથી છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
નિર્મલા સીતારમણની જાહેરાત બાદ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, "પેટ્રોલ અને ડીઝલમાં ટૅક્સ પેટે જે રકમ લેવામાં આવે છે, તેનો એક નાનકડો ભાગ કોરોનાપીડિત પરિવારોને વળતર તરીકે ચૂકવી શકાય."
"આ તેમની જરૂરિયાત છે અને અધિકાર પણ, મુશ્કેલ સમયમાં જનસહાયતા માટેનો આ અવસર મોદી સરકારે ગુમાવવો ન જોઈએ."
FICCI (ફેડરેશન ઑફ ચૅમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી)એ નિર્મલા સીતારમણની જાહેરાતનું સ્વાગત કર્યું છે.
FICCIએ જણાવ્યું કે પાંચ લાખ યાત્રીઓને મફત વિઝા આપવાથી ટુરિઝમના ક્ષેત્રને વેગ મળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંત્રાલય દ્વારા કરાયેલી જાહેરાતો
- બાળકોલક્ષી આરોગ્ય માળખું તથા પથારીઓમાં વિશેષ વધારો કરવા માટે રૂ. 23 હજાર કરોડની ફાળવણી કરવામાં આવશે.
- ગરીબોને અનાજ ઉપલબ્ધ કરાવવા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 94 હજાર કરોડની ફાળવણી કરવામાં આવશે.
- દેશના ખેડૂતોની આવકને બમણી કરવા માટે ઝિંક અને પ્રોટીન સહિતનાં પોષકતત્ત્વોને ઉપરથી ઉમેરવાને બદલે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચર રિસર્ચ દ્વારા વિકસાવવામાં આવેલી જાતોને ખેડૂતો સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરાશે, જેથી કરીને કુપોષણની સમસ્યાને નિવારી શકાય.
- ઇમર્જન્સી ક્રૅડિટ લાઇન ગૅરંટી સ્કીમમાં રૂ. દોઢ લાખ કરોડનો વધારો કરીને રૂ. સાડા ચાર લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- પર્યટનના ઉદ્યોગને પ્રોત્સાહન માટે 10 હજાર 700 જેટલા પ્રાદેશિક સ્તરના ટુરિસ્ટ ગાઇડ અને ટુરિઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની લૉનની ગૅરંટી આપવામાં આવશે.
- 31મી માર્ચ 2022 સુધી દેશની મુલાકાતે આવનારા પ્રથમ પાંચ લાખ મુલાકાતીઓની વિઝા ફી માફ કરવામાં આવશે. સરેરાશ એક વિદેશી ભારતમાં 21 દિવસ ગાળે છે અને દૈનિક રૂ. 2400 કરોડ ખર્ચ કરે છે. આને કારણે પર્યટનક્ષેત્રને પ્રોત્સાહન મળશે એવી સરકારને આશા છે.
- આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને તા. 31મી માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. જેના કારણે લગભગ 21 લાખ 50 હજાર જેટલા લોકોને લાભ થશે.
- ચાર લાખ કિલોમિટરની એલટી ઑવરહેડ યોજના તથા 25 કરોડ સ્માર્ટ મીટર નાખવાની યોજના છે. માળખાકીય સુવિધામાં સુધારને કારણે વીજક્ષેત્રે રાજ્યોમાં પારદર્શકતા આવશે. રાજ્યોની આવક વધશે અને લિકેજ ઘટશે.
- ક્રૅડિટ ગૅરંટી સ્કીમ દ્વારા કારોબારીઓ અને વેપારીઓને ઓછી કિંમતે અવરોધ વિના ધિરાણ મળે એવી યોજના છે.
- એક કરોડ 10 લાખ કરતાં વધુ લોકો (અને પેઢીઓને) અલગ-અલગ પૅકેજ હેઠળ લગભગ રૂપિયા બે લાખ 73 હજાર કરોડનો લાભ આપવમાં આવ્યો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો