કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે ગુજરાતમાં બેવડો માર, ક્યાંક વરસાદ તો ક્યાંક પડશે સખત ગરમી

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કોરોના વાઇરસની સામે ઝઝુમતા ગુજરાતે આગામી અઠવાડિયા દરમિયાન વધુ એક કુદરતી આપદાનો સામનો કરવો પડી શકે છે.

ભારતીય હવામાન ખાતાની આગાહી પ્રમાણે, રાજ્યના અમુક ભાગોમાં ભારે ગરમી પડી શકે છે, જ્યારે કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

જેના કારણે હંગામી વ્યવસ્થામાં સારવાર લઈ રહેલા દરદીઓએ તકલીફનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય ખેડૂતોને તેમના પાકને ખુલ્લામાં નહીં રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.

તા. 25 એપ્રિલની સાંજની સ્થિતિ પ્રમાણે, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં 14 હજાર 296 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં રિકવરીની ટકાવારી ઘટીને 75.54 ટકા પર આવી ગયો છે. રાજ્યમાં કુલ 1 લાખ 15 હજાર દરદી સારવાર હેઠળ છે.

'બેવડી' સમસ્યા

કોરોનાના કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હૉસ્પિટલોમાં જગ્યા ઉપલબ્ધ નથી. આથી પરિસરમાં જ કે ખુલ્લામાં તંબુ કે ડોમ બનાવીને દરદીઓને સારવાર આપવામાં આવી રહી છે.

જોકે, હવામાન ખાતાની આગાહી તંત્ર, દરદીઓ તથા તેના પરિવારજનો માટે ચિંતા ઊભી કરી શકે છે. રવિવારે રાજકોટની ચૌધરી હાઈસ્કૂલમાં સારવાર માટે ઊભો કરવામાં આવેલો ડોમ ભારે પવન તથા વરસાદને કારણે તૂટી પડ્યો હતો, પરંતુ કોઈ જાનહાનિ નહોતી થઈ.

આ સિવાય અમરેલી, સુરેન્દ્રનગર તા મોરબીમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે, રાજસ્થાન ઉપર સાયકલૉનિક સર્ક્યુલર સક્રિય થયું છે, જેના કારણે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીરસોમનાથ, જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી અને સુરેન્દ્રનગર છૂટોછવાયો હળવો કે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને વલસાડમાં પણ વરસાદ પડી શકે છે.

આ સાથે 40 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાય શકે છે અને વીજળીના કડાકા જોવા મળી શકે છે. રવિવારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ તથા બરફનાં કરા પડ્યા હોવાના બનાવ નોંધાયા હતા.

ખેડૂતોને તેમની ખેતપેદાશો ખુલ્લામાં નહીં રાખવા તથા જરૂરી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. આ માવઠાને કારણે કેરી, ઇસબગુલ, મગ તથા બાજરીના પાકને નુકસાન પહોંચી શકે છે.

'બેવડો' માર

તબીબીક્ષેત્રના જાણકારોના કોરોનાની બીજી લહેર દરમિયાન, વૃદ્ધો, સગર્ભા, સહબીમારી ધરાવનારા તથા બાળકોની વિશેષ કાળજી લેવા માટે ભલામણ કરે છે.

ત્યારે હિટવૅવને કારણે સામાન્ય જનતાને ખાસ અસર નહીં થાય અને તેમના માટે સહ્ય હશે, પણ સમાજના આ વિશેષ સમુદાયની કાળજી રાખવા માટે હવામાન ખાતા દ્વારા ભલામણ કરવામાં આવી છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે, ગુજરાત તથા ઓડિશાના તટીય પ્રદેશના હવામાનમાં ભારે ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. જેથી ગરમીનું પ્રમાણ જોવા મળી શકે છે.

સૌરાષ્ટ્રના પોરબંદર, કચ્છના અમુક વિસ્તારમાં તથા બનાસકાંઠા તથા સાબરકાંઠામાં હવામાન સૂકું રહેશે એવું અનુમાન કરવામાં આવ્યું છે.

આ વિસ્તારોમાં રહેતા લોકોને ગરમીમાં બહાર જવાનું ટાળવા, હળવા તથા લાઇટ રંગના વસ્ત્રો પહેરવા, કોટનના ખુલતાં કપડાં પહેરવાની ભલામણ કરવામાં આવી છે. આ સિવાય બહાર નીકળતી વખતે માથાને ટોપી, હૅટ કે છત્રી વડે ઢાંકવાની પણ ભલામણ કરવામાં આવી છે.

અમદાવાદ, ગાંધીનગર, ડીસા, વલ્લભ વિદ્યાનગર અને વડોદરા સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના શહેરોમાં દિવસનું મહત્તમ તાપમાન 40 ડીગ્રીને પાર કરી જશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો