કોરોનાની બીજી લહેર અર્થતંત્રને કેટલો મોટો આંચકો આપશે?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ગત વર્ષે માર્ચ મહિનામાં રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન દેશવ્યાપી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના તાજેતરના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે દેશને લૉકડાઉનથી બચાવવો જરૂરી છે.

આમ કહેવા પાછળ નક્કર કારણો પણ છે. ગત 13 મહિના દરમિયાન કોવિડના ફેલાવાને કારણે દેશે અનેક મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કર્યો છે. લૉકડાઉન બાદ અનલૉકની પ્રક્રિયા શરૂ કરીને દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટે ચઢાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.

હજુ ગત મહિના સુધી એવું લાગતું હતું કે મહામારીને કારણે ખોરંભે પડી ગયેલી દેશની અર્થવ્યવસ્થા ફરી સંતુલન મેળવી રહી છે.

આ રિકવરીને જોતા આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ તથા આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ (ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ, આઈએમએફ)એ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતનું અર્થતંત્ર 10થી 13 ટકાના દરે વિકાસ કરશે એવી આગાહી કરી હતી.

પરંતુ એપ્રિલ મહિનામાં વાઇરસના બીજા ભયાનક વાયરાને કારણે રિકવરીની પ્રક્રિયા ઉપર બ્રેક લાગી છે. એટલું જ નહીં, ગત છ મહિના દરમિયાન જે ઉછાળો આવ્યો હતો, તેની ઉપર પાણી ફરતું જણાય છે.

રેટિંગ એજન્સીઓએ તેમની આગાહીમાં ફેરફાર કર્યો છે અને ભારતના વિકાસદરમાં બે ટકાનો ઘટાડો કર્યો છે.

બીજી બાજુ, રાજ્ય સરકારો દ્વારા લગભગ દરરોજ નવા નિષેધાત્મક આદેશોની જાહેરાત કરવામાં આવી રહી છે, આને કારણે અર્થતંત્રના વિકાસમાં અવરોધ ઊભા થાય તે સ્વાભાવિક છે.

બેકારી વધી રહી છે, મોંઘવારી વધશે એવા અણસાર મળી રહ્યા છે અને મોટાં શહેરોમાંથી શ્રમિકોનું પલાયન શરૂ થઈ ગયું છે.

નાણામંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકાર દેશની આર્થિક સ્થિતિની ખૂબ જ ગંભીરતાપૂર્વક સમીક્ષા કરી રહી છે. સરકાર ગત વર્ષની જેમ સમગ્ર દેશમાં લૉકડાઉન નહીં લાદવાનું વલણ ધરાવી રહી છે.

આ સિવાય વર્ષ 2020માં જે રીતે મોટા આર્થિક પૅકેજની જાહેરાત કરવામાં આવી હતી, એવી કોઈ મોટી રાહત આપવાની યોજના નથી. જેવી જરૂરિયાત હશે, એ મુજબ મદદ કરવામાં આવશે.

અર્થવ્યવસ્થાને કેટલો મોટો આંચકો?

મુંબઈમાં આર્થિક બાબતો ઉપર પુસ્તક લખનાર તથા શૅરબજારના વિખ્યાત ટ્રૅડર વિજય ભંબવાનીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું : "આની અસર એ થશે કે અર્થવ્યવસ્થાનું કદ ઘટશે, ઉત્પાદન ઘટશે તથા વપરાશ ઘટશે."

બહુચર્ચિત પુસ્તક 'બેડ મની'ના લેખક તથા અર્થશાસ્ત્રી વિવેક કૌલના કહેવા પ્રમાણે, અર્થતંત્રના દરેક ક્ષેત્ર ઉપર કોરોનાની બીજી વૅવની અસર પહોંચશે. ચાહે તે ઓટો સૅક્ટર હોય, રિયલ એસ્ટેટ, બૅન્કિંગ, ઍરલાઇન્સ, પર્યટન કે પછી મનોરંજન.

તેઓ કહે છે, "જો આપણે 'સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી'ના આંકડા ઉપર નજર કરીએ તો માલૂમ પડે છે કે તા. 31મી માર્ચ સુધી દેશમાં બેકારીનો દર 6.5 ટકા જેટલો હતો, જે વધીને 18મી એપ્રિલે 8.4 ટકા ઉપર પહોંચી ગયો."

"એચ.ડી.એફ.સી. બૅન્કનું કહેવું છે કે એપ્રિલ-2021માં (તા. 15મી એપ્રિલ સુધી) કોવિડ-19ની મેડિકલ ઇમર્જન્સીને કારણે ચેક બાઉન્સ થવાની ઘટનાઓ વધી ગઈ છે."

તેઓ કહે છે, "આ સિવાયની અનેક એવી અસરો હશે કે જેને સરળતાથી માપી નહીં શકાય. સરકારની કરઆવકમાં ઘટાડો થશે, કંપનીઓ નુકસાન ઘટાડવા માટે ખર્ચ ઘટાડી નાખશે અથવા તો ચીજવસ્તુના ભાવ વધારશે."

દિલ્હી અને મુંબઈમાં એક અઠવાડિયાના લૉકડાઉન બાદ આ શહેરોમાંથી શ્રમિકોની હિજરત શરૂ થઈ ગઈ છે. અંદાજે 25-30 ટકા શ્રમિક તેમના વતન પરત ફરી ચુક્યા છે. જેના કારણે રિટેલ વેપાર, નિર્માણનાં કામો, મૉલ તથા દુકાનો ઉપર અસર દેખાવા લાગી છે.

દાખલા તરીકે શૉપિંગ સેન્ટર ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે દેશભરમાં મૉલનો ધંધો 90 ટકા સુધી પૂર્વવત્ થઈ ગયો હતો, પરંતુ એપ્રિલમાં ફરી સ્થિતિ બદલાવા લાગી છે.

તેમના નિવેદન મુજબ, "ઉદ્યોગ દર મહિને રૂ. 15 હજાર કરોડની કમાણી કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક પ્રતિબંધોને કારણે લગભગ 50 ટકા ઘટાડો નોંધાયો છે."

મહારાષ્ટ્રમાં સરકારી પ્રતિબંધોને કારણે વાહનોના ઉત્પાદનમાં 50-60 જેટલો ઘટાડો થયો છે.

દેશમાં વાહનોનું સૌથી વધુ ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે. 'ઇકૉનૉમિક ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, વાહનોના ઉત્પાદનમાં ઘટાડો થવાથી દૈનિક રૂ. 100 કરોડ કરતાં વધુનું નુકસાન થઈ રહ્યું છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સંકટ

જો રિયલ એસ્ટેટ ક્ષેત્રની વાત કરીએ તો આ સૅક્ટર અગાઉથી જ સંકટમાં છે, પરંતુ આ સંકટ વધુ વકરી ગયું છે.

વિવેક કૌલ કહે છે, "હવે લોકો ઘરેથી કામ કરે છે. આ ક્રામ ચાલુ રહેશે. રિયલ એસ્ટેટની કન્સલ્ટિંગ કંપની 'કુશમૅન ઍન્ડ વૅકફિલ્ડ'ના રિપોર્ટ અનુસાર ચાલુ વર્ષે જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી ભાડે આપવામાં આવેલ ઑફિસસ્પેસના ધંધામાં 48 ટકા ઘટાડો જોવા મળ્યો છે."

સર્વિસ સૅક્ટર તથા પર્યટનઉદ્યોગને સૌથી વધુ આંચકો લાગ્યો છે. અમેરિકા અને બ્રિટન સહિત અનેક દેશોએ તેમના નાગરિકોને ભારતનો પ્રવાસ ટાળવાની સલાહ આપી છે, જ્યારે કોરોનાના ભયને કારણે દેશના આંતરિક પર્યટનઉદ્યોગને આંચકો લાગ્યો છે.

એવું કહેવું છે કે કોરોનાની પહેલી લહેરમાં હોટલ, પર્યટન અને ઍરલાઇન્સને સૌથી વધુ નુકસાન થયું હતું અને બીજી લહેરમાં પણ સૌથી વધુ નકારાત્મક અસર તેની ઉપર જ પડશે.

મુંબઈ ખાતે એક હોટલના માલિક અશોક ચૈનીતલાના કહેવા પ્રમાણે, હોટલો લગભગ 70-80 ટકા ખાલી છે. તેમણે કહ્યું, "હોટલ, તેમાં પણ મોટી હોટલ, લક્ઝરી હોટલ, કન્વેન્શન સેન્ટર, રિસૉર્ટ, અનેક વર્ષની તૈયારી તથા મહેનત બાદ બને છે. અમે અગાઉથી જ ખરાબ સ્થિતિમાં હતા, હવે નવી લહેરને કારણે ધંધો ધોવાઈ ગયો છે. સ્ટાફને પગાર આપવાના પૈસા પણ ટૂંક સમયમાં ખતમ થઈ જશે."

મહારાષ્ટ્ર રેસ્ટોરાં ઍસોસિયેશને થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે જો કોરોનાની બીજી લહેર આગામી અમુક સપ્તાહ સુધી ચાલુ રહી તો 90 ટકા રેસ્ટોરાં બંધ થઈ જશે.

હૉસ્પિટાલિટી સૅક્ટરમાં ગત વર્ષથી અત્યાર સધીમાં કોઈની આવક વધી છે તો તે ઘરે ખાવાનું ડિલિવર કરનારાઓની જ વધી છે. જેમાં ઝોમાટો તથા સ્વિગી ટોચ ઉપર છે. 'મિન્ટ' અખબારના અહેવાલ મુજબ, સોફ્ટ બૅન્કે સ્વિગી હૉમ ડિલિવરી કંપનીમાં 450 મિલિયન ડૉલરનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે.

જાન કે જહાન?

ગત વર્ષે કોરોનાની શરૂઆત થઈ, ત્યારે લૉકડાઉન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'જીવ છે તો જગત છે.' એટલે કે પહેલાં જીવ બચાવો પછી વેપારધંધા ઉપર ધ્યાન દઇશું.

તબીબી જગત તથા આરોગ્ય આલમ સાથે જોડાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે પહેલી લહેર કરતાં બીજી લહેર વધુ ખતરનાક છે.

હૉસ્પિટલોમાં પથારીઓની અછત છે. આઈસીયુમાં દરદીઓને દાખલ કરી શકાય તેમ નથી. દવાઓ અને સારવાર માટે સૌથી વધુ જરૂરી એવા ઓક્સિજનનો અભાવ છે. લોકો હૉસ્પિટલે પહોંચે તે પહેલાં મૃત્યુ પામે છે, આ સંજોગોમાં શું દેશભરમાં લૉકડાઉન લાદવામાં આવે?

વિજય ભંબવાની કહે છે કે બીજા તબક્કામાં કોરોનાના પ્રસારને જોતાં ભારત સરકારે લૉકડાઉન લાદવું જોઈએ. "હાલની સ્થિતિને જોતાં મહામારીનો ફેલાવો અટકાવવા માટે લૉકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી."

જોકે, કેન્દ્ર સરકારનો આવો કોઈ ઇરાદો નથી. મંગળવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોને જણાવ્યું હતું કે લૉકડાઉન 'છેલ્લો ઉપાય' હોવો જોઈએ.

તેમણે કહ્યું, "ગત વર્ષની જેમ મોટું આર્થિક પૅકેજ જાહેર કરવામાં નહીં આવે. આ મૅરેથૉન દોડ છે, કોઈ 100 મીટરની દોડ નથી. આપણે દરેક ઉદ્યોગને અલગ-અલગ જરૂરિયાત મુજબ મદદ કરવી પડી શકે છે."

મહદંશે ઉદ્યોગજગત લૉકડાઉનની વિરુદ્ધ છે,પરંતુ દિલ્હી અને મહારાષ્ટ્રની સરકારોએ કોરોનાને અટકાવવા માટે તેની મદદ લેવી પડી રહી છે. જોકે, હાલનું લૉકડાઉન એ ગત વર્ષ જેટલું કડક અને વ્યાપક નથી.

બીજી અનેક રાજ્ય સરકારો સામે એ વાતની અવઢવ છે કે જીવ અને જગત એ બંને મુદ્દે જે પડકાર મળી રહ્યા છે, તેની વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો