કોરોનાના ઘેરાતા સંકટ અંગે મોદી સરકારને સુપ્રીમ કોર્ટની નોટિસ, સુઓમોટો દાખલ કરી - BBC TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતમાં કોરોના સંક્રમણની મહામારીની ભયાવહ સ્થિતિ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટે સ્વતઃસંજ્ઞાન લઈને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે.

સુપ્રીમ કોર્ટ ઇચ્છે છે કે ઓક્સિજન અને જરૂરી દવાઓની આપૂર્તિ ની સાથેસાથે રસીકરણ અંગે રાષ્ટ્રીય નીતિ બનાવવામાં આવે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેએ કહ્યું કે આ અંગે શુક્રવારે સુનાવણી થશે.

સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બૅન્ચને સૉલિસિટર જનરલ તુષાર મહેતાને કોવિડ સંકટ અંગે રાષ્ટ્રીય યોજના રજૂ કરવા કહ્યું છે.

આ પહેલાં કોવિડ અંગે દેશની અલગ-અલગ છ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું છે કે સ્થિતિ બેકાબૂ બની રહી છે.

ગુજરાતમાં કોરોના : દર કલાકે પાંચ મૃત્યુ, આંકડાની સત્યતા અંગે સવાલ

રાજ્યના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી અનુસાર બુધવારે સમગ્ર ગુજરાતમાં કોરોના વાઇરસના 12,553 નવા કેસો નોધાયા હતા.

નોંધનીય છે કે પાછલા ઘણા દિવસોથી રાજ્યમાં સતત કોરોના વાઇરસના વધુ ને વધુ કેસો સામે આવી રહ્યા છે.

આ સિવાય રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુ પામી રહેલા લોકોની સંખ્યામાં પણ ધરખમ વધારો નોંધાઈ રહ્યો હોવાનું રાજ્ય સરકારના આંકડા દર્શાવે છે.

રાજ્યનાં લગભગ તમામ મહાનગરોમાં કોરોનાની સારવાર આપતી હૉસ્પિટલો સહિત સ્મશાનો પણ કોરોના વાઇરસની મહામારીના ભોગ બનેલા લોકોથી ઊભરાઈ રહ્યાં હોવાના અહેવાલો સતત જોવા મળી રહ્યા છે.

રાજ્યમાં કોરોનાના કારણે થયેલાં મૃત્યુની વાત કરીએ તો ગુજરાતમાં પાછલા 24 કલાકમાં 125 મૃત્યુ નોંધાયા હતા. તેનો અર્થ એ થયો કે રાજ્યમાં દર કલાકે પાંચથી વધુ લોકોનાં કોરોનાની માંદગીના કારણે મૃત્યુ નીપજી રહ્યાં છે.

અહીં નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસો અને કોરોનાથી થતાં મૃત્યુના આંકડા છુપાવાઈ રહ્યા હોવાના આરોપો અવારનવાર સ્થાનિક મીડિયા દ્વારા લગાવાતા રહ્યા છે.

તેમજ રાજ્ય સરકારે પોતાના એક નિવેદનમાં જાહેર પણ કર્યું હતું કે કોરોનાથી થયેલાં મૃત્યુ અંગે નિર્ણય લેવા બાબતે નિમાયેલી સમિતિ દ્વારા જો જે-તે દર્દીના મૃત્યુનું કારણ પ્રાથમિકપણે કોવિડ-19 હોવાનું સામે આવે તો જ આવા મૃત્યુને કોરોનાના મૃતાંકમાં સમાવવામાં આવે છે.

ઘણા લોકો રાજ્ય સરકારની આ નીતિ સામે પણ પ્રશ્નો ઉઠાવી ચુક્યા છે. તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર કોરોનાની સ્થિતિ ગંભીર નથી તે દર્શાવવા માટે જેમને અન્ય બીમારીઓ સાથે કોરોના હોય તેવી વ્યક્તિઓનાં મૃત્યુનો સમાવેશ કોરોના મૃતકોની યાદીમાં કરતી નથી.

ગુજરાત 'બેહાલ' : ઓક્સિજનની અછતને કારણે ડિસામાં બે કોરોના દર્દીઓનાં મૃત્યુ

ન્યૂઝ 18 ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે બુધવારે બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકાની એક હૉસ્પિટલમાં કોરોનાના બે દર્દીઓએ ઓક્સિજનની અછતને પગલે જીવ ગુમાવ્યા હોવાના વિચલિત કરનારા સમાચાર સામે આવ્યા છે.

એક તરફ રાજ્ય સરકાર ગુજરાત હાઈકોર્ટથી માંડીને તમામ પ્લૅટફૉર્મ પર રાજ્યમાં બેડ, ઑક્સિજન અને દવાનો સંપૂર્ણ સ્ટૉક અને વ્યવસ્થા હોવાનો દાવો કરી રહી છે ત્યારે બીજી બાજુ આવા કેટલાક કિસ્સાઓ રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને લઈને સરકારની ગંભીરતા અંગેનું ચિત્ર રજૂ કરી રહ્યા છે.

આ ઘટના અંગે બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી જિજ્ઞેશ હરિયાણીએ ન્યૂઝ 18 ડોટકૉમને જણાવ્યું હતું કે, "ઓક્સિજનની કુલ માગની સામે અમારી પાસે મંગળવાર સુધીનો સ્ટૉક હતો. ત્યાર બાદ અમે જરૂરિયાત મુજબ નવો સ્ટૉક ઑર્ડ પણ કરી દીધો હતો. જે દિવસ દરમિયાન આવી પણ ગયો. તેમ છતાં આ સમય દરમિયાન ICU ખાતે બે કોરોનાગ્રસ્ત દર્દીઓનાં ઓક્સિજન ન મળવાના કારણે મૃત્યુ થયાં હતાં."

અહીં નોંધનીય છે કે સરકારી અધિકારીના દાવા વિરુદ્ધ પોતાના સ્વજનને ગુમાવનારી એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચાર કોરોનાગ્રસ્ત દર્દીઓનાં અચાનક ઓક્સિજન સપ્લાય ખૂટી જતા મૃત્યુ થયાં છે.

કોરોના : ગુજરાતમાંથી ફરી પ્રવાસી મજૂરો હિજરત કરવા મજબૂર બન્યા?

ગુજરાત સહિત સમગ્ર દેશમાં વણસી રહેલી કોરોનાની પરિસ્થિતિને કારણે દેશવ્યાપી લૉકડાઉન લદાવવાની આશંકા પ્રબળ બનતાં ગુજરાતમાંથી પ્રવાસી મજૂરો હિજરત કરી પોતાના વતને પહોંચી રહ્યા હોવાના અહેવાલો જોવા મળ્યા છે.

ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ ડોટકૉમના એક અહેવાલ અનુસાર આંધ્ર પ્રદેશના દરિયાકિનારાના પ્રદેશોમાંથી ગુજરાતના કાપડઉદ્યોગ, બાંધકામઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોમાં રોજગારી મેળવવા માટે ગુજરાત ગયેલા સ્થાનિક મજૂરોના જથ્થેજથ્થા લૉકડાઉનની બીકને કારણે ફરીથી પોતાના વતન પરત ફરવા લાગ્યા છે.

નોંધનીય છે કે ગત વર્ષે લદાયેલ લૉકડાઉનમાં ઘણા પ્રવાસી મજૂરોએ ભોજન અને વાહનવ્યવહારની સુવિધાઓના અભાવને કારણે પગપાળા દેશના વિવિધ સ્થળોએથી પોતાના વતન જવા માટે નીકળી પડ્યા હતા. જે બાદ સરકારી આયોજનની ઘણી ટીકા પણ થઈ હતી.

આ વખતે પણ આવી કોઈ પરિસ્થિતિથી બચવા માટે આગમચેતીના પગલા તરીકે મજૂરો પહેલાંથી જ પોતાના વતન જવા માટે નીકળી પડ્યા છે.

આ દરમિયાન વધુ એક સમાચાર એવા પણ મળ્યા હતા કે સુરતમાં પાવરલૂમ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી એક વ્યક્તનું સુરતથી ઓડિશા ખાતે પોતાના વતન જવાના રસ્તે ટ્રેન મુસાફરી દરમિયાન મૃત્યુ થયું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો