ગુજરાતમાં કોરોના વધતાં તમામ સરકારી-ખાનગી કૉલેજોમાં ઑફલાઇન શિક્ષણકાર્ય બંધ- BBC TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે તમામ સરકારી અને ખાનગી કૉલેજોમાં ઑફલાઇન શૈક્ષણિકકાર્ય આગામી 30મી એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

દરેક સેમિસ્ટર માટે કૉલેજો ઑનલાઇન શિક્ષણ પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકશે. અગાઉ રાજ્ય સરકારે ધોરણ 1-9ના વર્ગો બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

મિન્ટ અનુસાર ગુજરાત સરકારે એપ્રિલ 30 સુધી રાજ્યમાં કોઈ પણ પ્રકારના રાજકીય અથવા સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે લગ્નમાં મર્યાદિત સંખ્યામાં મહેમાનો સામેલ થઈ શકશે.

સુરત જિલ્લામાં કોરોના વાઇરસના કેસ વધતા રાજ્ય સરકારે સુરત ગ્રામ્ય વિસ્તારોમાં નાઇટ ક્ફર્યુ લગાવી દીધો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 5469 નવા કેસ નોંધાયા છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કોરોના વાઇરસથી 54 લોકોનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં સૌથી વધુ 19 મૃત્યુ અમદાવાદમાં થયાં છે. તેમજ સુરતમાં 16, વડોદરામાં 7 અને રાજકોટમાં 5નાં મૃત્યુ થયાં છે.

તેમજ છેલ્લા એક દિવસમાં કુલ 2,20,994 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. અખબારીયાદી અનુસાર, રાજ્યમાં સાજા થવાનો દર 90.69 ટકા છે.

કોરોનાની સારવારમાં કામ આવતા રેમડેસિવિર ઇન્જેક્શનના નિકાસ પર રોક

દેશમાં દરરોજ વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રવિવારે રેમડેસિવિર દવાના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ આ ઍન્ટીવાઇરલ ઇન્જેક્શન અને આના ઍક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રિડિએન્ટ (એપીઆઈ)ના નિકાસ પર રોક લગાવી દીધી છે.

કોરોના વાઇરસના સંક્રમણની સારવારમાં આ દવાને જરૂરી માનવામાં આવે છે અને કોરનાના વધતા કેસને કારણે આની માગ પણ વધી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ દવાના ઘરેલુ નિર્માતાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ પોતાની વેબસાઇટ પર આ દવાનો સ્ટૉક અને આના ડિસ્ટ્રિબ્યૂટરની માહિતી જાહેરમાં મૂકે.

એ સિવાય મંત્રાલયે ડ્રગ્સ ઇન્સપેક્ટરો અને અન્ય અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ સ્ટૉકની તપાસ કરે અને કાળાબજારી પર રોક લગાવવાની કાર્યવાહી કરે.

મંત્રાલયનું કહેવું છે, "ભારતમાં કોવિડના મામલામાં એકાએક તેજી આવી ગઈ છે. 11 એપ્રિલે દેશમાં 11.08 લાખ સક્રિય કેસ હતા અને એ પણ ઝડપથી વધી રહ્ય છે. આને કારણે કોવિડના દર્દીની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શનના વપરાશમાં વધારો થયો છે."

નિવેદનમાં કહેવાયું છે કે આવનારા દિવસોમાં આની માગમાં અને વધારો થયો છે.

અમેરિકાની ગિલિએડ સાઇન્સેઝની સમજૂતી હેઠળ ભારતમાં સાત કંપનીઓ આ ઇન્જેક્શન બનાવે છે.

મહારાષ્ટ્રમાં પંદર દિવસના લૉકડાઉનની શક્યતા

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર 12 એપ્રિલથી 15 દિવસનું લૉકડાઉન મહારાષ્ટ્રમાં જાહેર થઈ શકે એવા સંકેત મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપ્યો છે.

મહાવિકાસ અઘાડીની ત્રણ પાર્ટીઓ અને વિરોધ પક્ષ ભાજપ સાથેની ઑલ પાર્ટી મીટિંગમાં તેમણે આ દિશામાં સમર્થન માગ્યું હતું.

પૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે સરકારે લોકોની આજીવિકા અને નોકરી ગુમાવવાના ડર જેવી બાબતો પર લૉકડાઉન દરમિયાન ધ્યાન આપવું જોઈએ.

મહારાષ્ટ્રમાં શનિવારે 55,441 કોરોના વાઇરસના કેસ નોંધાયા હતા, મુંબઈમાં જ 9330 કેસ નોંધાયા હતા.

કૉંગ્રેસના મંત્રી અશોક ચવાણે કહ્યું હતું, "લૉકડાઉન લાગુ કરવાના પ્લાન પર ઠાકરે કામ કરી રહ્યા છે. જ્યારે કેસ ઘટશે ત્યારે ધીમે-ધીમે પ્રતિબંધોને હઠાવવામાં આવશે."

ઉદ્ધવ ઠાકરેએ મીટિંગમાં કહ્યું હતું, "કેટલાક આકરા પ્રતિબંધો આપણે કોરોના વાઇરસની સાઇકલને તોડવા માટે લાગુ કરવા પડશે."

"જે પ્રકારે દરદીઓની સંખ્યા વધી રહી છે, જો આજે લૉકડાઉન જાહેર નહીં કરીએ તો આવતીકાલે લૉકડાઉન ફરી લાગુ કરવાની સ્થિતિ ઉદ્ભવશે."

આરોગ્ય વિભાગના સૂત્રોએ પણ લૉકડાઉન લાગુ કરાશેની વાતને સમર્થન આપ્યું છે.

કેન્દ્ર સરકાર સાવકી મા હોય એ રીતે વર્તે છે : પૃથ્વીરાજ ચવાણ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચવાણે શનિવારે કેન્દ્ર સરકાર પર આરોપ મૂક્યો હતો કે તેઓ મહારાષ્ટ્ર સાથે સાવકી મા જેવું વર્તન કરે છે.

તેમણે પોતાના નિવેદનમાં કહ્યું, "મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના વાઇરસના કેસ છે, ત્યારે રાજ્યના આરોગ્યમંત્રીના કહેવા અનુસાર કેન્દ્ર સરકાર વૅક્સિન આપવાની બાબતમાં અમારી સાથે સાવકી મા જેવું વર્તન કરે છે."

ચવાણે કહ્યું, "લોકસભામાં ભારત સરકાર દ્વારા ક્રિટિકલ મેડિકલનાં સાધનો ફેબ્રુઆરી 10 સુધીમાં ક્યાં રાજ્યોને કેટલાં મોકલાયાં તેની વિગતો આપવામાં આવી છે."

"જો રાજ્યમાં નોંધાયેલા કેસની સંખ્યા અને કેન્દ્ર સરકારે મોકલેલી વસ્તુની ગણતરી કરશો તો શૉકિંગ પિક્ચર જોવા મળશે."

તેમણે એ આંકડાની વાત કરતાં કહ્યું, "દર દસ હજાર દરદીએ 9623 એન95 માસ્ક ગુજરાત સરકારને અપાયા છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારને માત્ર 1560 માસ્ક અપાયા છે."

"ઉત્તર પ્રદેશને 3916 મળ્યા છે. ગુજરાતને દસ હજાર દરદીએ 4951 પીપીઈ કિટ, ઉત્તર પ્રદેશને 2446 અને મહારાષ્ટ્રને 223 કિટ મળી છે."

તેમણે વૅન્ટિલેટર અંગે વાત કરતા કહ્યું, "ગુજરાતને દર હજાર દરદીએ 13 વૅન્ટિલેટર મળ્યાં, જ્યારે મહારાષ્ટ્રને બે મળ્યાં છે."

ચવાણે વધુમાં કહ્યું, "આ રાજકીય ભેદભાવ નથી તો શું છે? વડા પ્રધાન ભૂલી રહ્યા છે કે તેઓ માત્ર દેશના વડા પ્રધાન છે; ના કે ગુજરાત, ઉત્તર પ્રદેશ કે ભાજપશાસિત કોઈ રાજ્યના."

ભારતને નોકરી અને રસીની જરૂર છે, ભાજપ સરકારે મશ્કરી કરી : રાહુલ ગાંધી

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું કે ભારતને 'નોકરી અને વૅક્સિનની જરૂર છે, જ્યારે ભાજપની સરકારે જુમલા આપ્યાં અને મશ્કરી કરી છે.'

રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું હતું કે અહંકારી સરકારને સારાં સૂચનોથી ઍૅલર્જી છે.

"કેન્દ્ર સરકારની નિષ્ફળ નીતિઓથી દેશમાં કોરોના વાઇરસની ભયાનક બીજી લહેર આવી છે અને પ્રવાસી મજૂર ફરીથી પલાયન કરવા મજબૂર છે."

તેઓ આગળ લખે છે, "રસીકરણ વધારવાની સાથે લોકોના હાથમાં રૂપિયા આપવા જરૂરી છે, સામાન્ય માણસોનાં જીવન અને દેશની અર્થવ્યવસ્થા બંને માટે."

"અહંકારી સરકારને સારાં સૂચનોથી ઍલર્જી છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો