You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સરકારે જાહેર કરેલા સોશિયલ મીડિયાના નવા નિયમો તમને કેવી રીતે અસર કરશે?
કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ તથા ઓ.ટી.ટી. પ્લૅટફૉર્મનું નિયમન કરવા માટે નવા નિયમોની જાહેરાત કરી છે.
સરકારનું કહેવું છે કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપરથી વાંધાજનક સામગ્રી તાત્કાલિક હઠી જાય તથા તપાસની પ્રક્રિયા દરમિયાન કંપનીઓ સરકારી એજન્સીઓને સહયોગ કરે તે માટે આ જાહેરાત કરવામાં આવી છે.
તાજેતરમાં લાલ કિલ્લા હિંસા દરમિયાન માઇક્રો-બ્લૉગિંગ પ્લૅટફૉર્મ ટ્વિટર દ્વારા સરકારી એજન્સી દ્વારા ચિહ્નિત હેન્ડલ્સને અનબ્લૉક કરી દેવામાં આવ્યા હતા, જેથી આ પ્રકારના નિયમન આવશે તેવી અટકળો હતી.
સરકારનો દાવો છેકે દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ ; મહિલાઓની ગરિમા, કોમી સૌહાર્દ અને વંશીય હિંસાને નાથવા માટે નિયમન જરૂરી છે.
પરંતુ 'ઍન્ડ-ટુ-ઍન્ડ ઍન્ક્રિપ્શન'ની વચ્ચે ટેક જાયન્ટ્સ નવા નિયમોનું પાલન કેવી રીતે કરશે, તે એક સવાલ છે.
સોશિયલ મીડિયા માટે વ્યવસ્થાસંબંધિત નિયમો ત્રણ મહિના બાદ લાગુ થશે જેથી કંપનીઓ આ માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરી શકે. જ્યારે અન્ય નિયમો નૉટિફિકેશનના પ્રકાશનની સાથે તાત્કાલિક અસરથી અમલમાં આવશે.છે.
નિયમન, નિયંત્રણ અને નિયમો
કેન્દ્રીય ઇન્ફર્મેશન ટેકનૉલૉજી મંત્રી રવિશંકર પ્રસાદે ગુરુવારે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન નવા નિયમો અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે સરકારવિરોધી ટીકા તથા વિરોધી મત આવકાર્ય છે.
સાથે જ ઉમેર્યું કે લાંબા સમયથી સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે અવાજ ઉઠી રહ્યો હતો, એટલે 'સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે સોશિયલ મીડિયાના યૂઝરને ફરિયાદ કરવા માટે કોઈ મંચ મળે તે જરૂરી છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રસાદના કહેવા પ્રમાણે, "સક્ષમ કોર્ટના આદેશ કે સરકારી એજન્સીના આવેદન ઉપર સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મે વાંધાજનક ટ્વીટ (કે મૅસેજ) કોણે વહેતો કર્યો તે અંગે માહિતી આપવી પડશે."
"દેશના સાર્વભૌમત્વ, અખંડિતતા, કાયદો અને વ્યવસ્થા, અન્ય દેશો સાથે સંબંધ, દુષ્કર્મ તથા જાતીય રીતે વાંધાજનક સામગ્રી ઉપર જ આ નિયમો લાગુ પડશે."
સોશિયલ મીડિયા કંપનીઓ પ્રત્યે સરકારના આ વલણને તાજેતરમાં લાલ કિલ્લામાં થયેલી હિંસા સાથે જોડીને જોવામાં આવે છે. જેમાં ટ્વિટરે સરકાર દ્વારા ચિહ્નિત અકાઉન્ટ્સને પહેલાં બ્લૉક કરી દીધા હતા અને સરકારના નિર્દેશ પહેલાં જાતે જ તેને અનબ્લૉક પણ કરી દીધા હતા.
પ્રસાદે કહ્યું, "દરેક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મનું ભારતમાં સ્વાગત છે, પરંતુ આ માટે બેવડાં ધારાધોરણ ન હોય શકે. સોશિયલ મીડિયા કંપનીઓ કૅપિટલ હિલ્સમાં (વૉશિંગ્ટન ડી.સી.ના વિસ્તારના સંદર્ભમાં) પોલીસ કાર્યવાહીનું સમર્થન કરે છે, જ્યારે લાલકિલ્લાની ઉપર આક્રમક હુમલાની વાત આવે, ત્યારે બેવડાં ધોરણ અપનાવે, તે સદંતર અસ્વીકાર્ય છે."
વૉટ્સઍપ, સિગ્નલ તથા અન્ય મૅસેજિંગ ઍપ્સનો દાવો છે કે તેમના પ્લૅટફૉર્મ 'ઍન્ડ-ટુ-ઍન્ડ' ઍન્ક્રિપ્ટેડ છે. ત્યારે કોઈ વાંધાજનક મૅસેજ કોણે અને ક્યાંથી વહેતો કર્યો તે શોધવાનું મુશ્કેલ બની રહેશે.
પ્રસાદનો દાવો છે કે વ્યાપક પરામર્શ બાદ ડિસેમ્બર-2018માં આ નિયમોનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. તેઓ દેશના કાયદા મંત્રી પણ છે.
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ઓ.ટી.ટી. (ઑવર ધ ટૉપ) પ્લૅટફૉર્મ તથા ડિજિટલ મીડિયાના નિયમન માટેના નિયમોની જાહેરાત કરી હતી.
જાણકારોનું માનવું છે કે આ નિયમોનું અનુપાલન કપરું હોય મોટી ટેક કંપનીઓ ભારતમાં નવું રોકાણ કરકતાં પહેલાં સતર્કતા દાખવશે.
શું છે નવા નિયમો?
- સોશિયલ મીડિયા કંપનીઓએ ચીફ કમ્પલાયન્સ ઓફિસરની નિમણૂક કરવાની રહેશે, જે દેશના કાયદાઓ અને નિયમોના પાલન માટે જવાબદાર હશે.
- સોશિયલ મીડિયા કંપનીઓએ નૉડલ ઓફિસરની નિમણૂક કરવાની રહેશે, જે દેશની કાયદો અને વ્યવસ્થા માટે કામ કરતી એજન્સીઓ સાથે સંકલનની કામગીરી કરશે તથા તે સાતેય દિવસ, ચોવીસેય કલાક ઉપલબ્ધ રહેશે.
- આ સિવાય ફરિયાદ નિવારણ માટે અધિકારીની નિમણૂક કરવાની રહેશે, નિયમોના ભંગ સંદર્ભે મળેલી ફરિયાદોનું નિવારણ કરશે તથા આ અંગે માસિક અહેવાલ પણ પ્રકાશિત કરવાનો રહેશે.
- કંપનીઓએ 24 કલાકની અંદર વપરાશકર્તાની ફરિયાદ લેવાની રહેશે તથા 15 દિવસની અંદર તેનો નિકાલ કરવાનો રહેશે.
- મહિલાઓની ગરિમાને નુકસાન પહોંચાડે તેવી અશ્લીલ સામગ્રી, પ્રાઇવેટ પાર્ટ્સની તસવીરો કે જાતીય સંબંધની તસવીરો તથા કોઈના નામે અકાઉન્ટ બનાવવા જેવી બાબતોમાં ફરિયાદના 24 કલાકની અંદર કાર્યવાહી કરવાની રહેશે.
- જો કંપની દ્વારા કોઈ સોશિયલ મીડિયા યૂઝરની સામગ્રીને હઠાવવામાં આવે તો તેને કારણ આપવું પડશે અથવા તેને સાંભળવાના રહેશે.
- સોશિયલ મીડિયા પબ્લિશરે જાતે નિયમન કરવાનું રહેશે, તેમની ઉપર કંપનીઓના સમૂહની નિયમન સંસ્થા હશે અને જરૂર પડ્યે સરકારી તંત્ર પણ નજર રાખશે.
- સોશિયલ મીડિયા કંપનીઓએ વપરાશકર્તાના વૅરિફિકેશન માટે સ્વૈચ્છિક વ્યવસ્થા ઊભી કરવી.
- ઓ.ટી.ટી. તથા ડિજિટલ ન્યૂઝ મીડિયાએ સ્વૈચ્છાએ પોતાના વિશેની માહિતી જાહેર કરવી પડશે, પરંતુ તે નોંધણી સ્વરુપે નહીં હોય.
- ઓ.ટી.ટી. તથા ડિજિટલ પ્લૅટફૉર્મે ફરિયાદના નિવારણ માટેની વ્યવસ્થા ઊભી કરવાની રહેશે.
- ઓ.ટી.ટી. પ્લૅટફૉર્મના નિયમન માટે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના નિવૃત જજ કે અન્ય વિખ્યાત હસ્તીના નેતૃત્વમાં સંગઠન બનાવવાનું રહેશે.
- ઓ.ટી.ટી. પ્લૅટફૉર્મો દ્વારા તેમની સામગ્રી માટે ઉંમરઆધારિત (13+, 16+) વર્ગીકરણ કરવાનું રહેશે તથા જે સામગ્રી 13 વર્ષથી ઉપરના લોકો માટે હોય, તેની ઉપર પેરેન્ટલ લૉક પણ રાખવાનું રહેશે.
સુપ્રીમ કોર્ટના વકીલ તથા સાયબર ઍક્સપર્ટ પવન દુગ્ગલે 'ઇન્ડિયન એક્સપ્રેસ' ને જણાવ્યું, "આ તો થવાનું જ હતું. સર્વિસ પ્રૉવાઇડરોએ જાતે કોઈ પગલાં લેવાને બદલે મૂકપ્રેક્ષક બનવાનું પસંદ કર્યું હતું. તેઓ ભારતીય બજારોનો લાભ લેવા માંગતા હતા પરંતુ નિયમોના અનુપાલન સંદર્ભે બહુ થોડું કરવા માગતા હતા."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો